THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
- રાજય સરકારની દસ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાનાની સંવેદનશીલ યોજના.
- દાહોદ જિલ્લાના વધુ ૩૦ ગામોમાં ૧૯૬૨ નંબર ડાયલ કરતા બિમાર પશુઓને ગણતરીની મિનિટોમાં જ સારવાર ઉપલબ્ધ.
દાહોદ જિલ્લાના વધુ ૩૦ ગામોને અદ્યતન સાધન-સુવિધાથી સજ્જ ૩ મોબાઇલ પશુ દવાખાનાઓની નિ:શુલ્ક સેવા હવેથી ઉપલબ્ધ થશે. મંત્રી બચુભાઇ ખાબડે ૧૦ ગામ દીઠ એક પશુ દવાખાના યોજના અંતર્ગત મોબાઇલ પશુ દવાખાનાઓનું આજે તા.૦૩/૦૭/૨૦૨૦ ને શુક્રવારના રોજ લોકાર્પણ કર્યું છે. જિલ્લાના દાહોદ, ઝાલોદ અને દેવગઢ બારીયાના દસ – દસ ગામોને નિ:શુલ્ક સારવાર વર્ષના ૩૬૫ દિવસ ઉપલબ્ધ થશે. આ ૩૦ ગામોના ગ્રામજનો સવારના ૭ થી સાંજના ૭ વાગ્યા સુધી ૧૯૬૨ નંબર ડાયલ કરવાથી અમૂલ્ય પશુઘનની તાત્કાલીક સારવાર મેળવી શકશે.
આ પ્રસંગે મંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, આપણા કૃષિપ્રધાન જિલ્લામાં પશુપાલન એ ગ્રામ્ય અર્થવ્યવસ્થાનું એક મહત્વનું અંગ છે. ગ્રામજનો માટે પશુપાલન જીવનધોરણને ઊંચુ લઇ જવાનું મહત્વનું સાધન બન્યું છે ત્યારે રાજય સરકારે દરેકે દરેક ગામ સુધી તાત્કાલિક પશુ સારવારની વ્યવસ્થા પહોંચે તે રીતનું આયોજન કર્યું છે. અને તે માટે દસ ગામ દીઠ ફરતા દવાખાનાની યોજના શરૂ કરવામાં આવી છે. જીપીએસ સીસ્ટમથી સજ્જ આ વાહનોનું સીધું મોનિટરીંગ સી.એમ. ડેશબોર્ડ પરથી કરવામાં આવશે. માટે ૧૯૬૨ નંબર ડાયલ કરતા બિમાર પશુઓને ગણતરીની મિનિટોમાં જ સારવાર ઉપલબ્ધ થશે. આ માટે ૧૦૮ ની જેમ ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ પણ કાર્યરત કરવામાં આવી છે. મંત્રીએ પશુપાલકોને ૫૦ ટકા રાહતદરે પશુદાણની યોજનાનો પણ લાભ લેવા પણ જણાવ્યું હતું. આ ફરતા પશુદવાખાનામાં નિષ્ણાંત ડોક્ટર, રોગનિદાનના સોનોગ્રાફી વગેરે આધુનિક સાઘનો સહિત ઓપરેશન પણ કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં દેવગઢ બારીયાના કાળી ડુંગરી ગામ, ઝાલોદના ગરાડું ગામ અને ક્સલદાહોદના મોટી લછેલી ગામની આસપાસના ૧૦ ગામો એમ કુલ ૩૦ ગામોને આ યોજનાનો લાભ મળશે.
જિલ્લા પશુપાલન અધિકારી શ્રી કમલેશ ગોસાઇએ જણાવ્યું કે, આ ગામોમાં પશુઘનની સંખ્યા ૮૫૮૩૫ છે. આ ગામોમાં મોટી સંખ્યામાં પશુઘન હોય આ વિસ્તાર પસંદ કરવામાં આવ્યા છે.
THIS NEWS IS POWERED BY –– PHONE WALE
રાજય સરકાર દ્વારા ફાળવવામાં આવેલા વધુ ૩ મોબાઇલ પશુ દવાખાનાની સાથે જ જિલ્લામાં મોબાઇલ પશુ દવાખાનાની સંખ્યા ૧૬ થઇ છે. જિલ્લામાં પશુપાલન અગત્યનો વ્યવસાય હોય પશુપાલકો માટે ફરતા પશુ દવાખાનાઓની અદ્યતન સારવાર આશીર્વાદરૂપ નીવડશે. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ અમરસિંહ રાઠવા, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, દેવગઢ બારીયાના પ્રાંત અધિકારી એ.આઇ. સુથાર, તાલુકા વિકાસ અધિકારી રાઠવા સહિતના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યાં હતા. ખૂબ જ મર્યાદિત સંખ્યામાં યોજાયેલા આ કાર્યક્રમમાં સામાજિક અંતર, સેનિટાઇઝેશન, ઉકાળા વિતરણ જેવા દરેક નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું.