EDITORIAL DESK
નિતીન ભાઈ મીનામાં એ ભૂતકાળમાં ભગવાનની અનેક પ્રતિમાઓ અને ઝાંખીઓ બનાવી છે
દાહોદ જિલ્લાના ગરબાડાના મેઈન બજારમાં રહેતા તેમજ જામ્બુવા સાર્વજનિક હાઈસ્કૂલમાં વ્યાયામ ટીચર તરીકે ફરજ બજાવતા નીતિનભાઈ મિનામા અને તેમનું બંસરી ગ્રુપ દર વર્ષે ગણેશ ઉત્સવમાં વિવિધ પ્રકારની ઝાંખીઓ બનાવી અને આકર્ષણ જમાવતું રહ્યું છે. ચાલુ વર્ષે કોરોના મહામારીને લઈને શ્રીજીની સ્થાપના કરવી કે નહીં તેવી અસમંજસમાં તેમનું ગ્રુપ હતું પરંતુ ગણેશ ચતુર્થીના આગલા દિવસે જ શ્રીજીની સ્થાપના કરવાનું નક્કી કરવામાં આવ્યું અને માત્ર આઠ કલાકમાં નીતિનભાઈ મિનામા અને તેમનું બંસરી ગ્રુપ જેમાં ખાસ કરીને તેમના સહયોગીઓ ભાર્ગવ પ્રજાપતિ, હાર્દિક સોની, હાર્દિક પરમાર, હેમંત સોની, હર્ષદ ભાટીયા, વત્સલ પરમાર, સંદીપ સોની અને હાર્દિક જોષી સહિતના ગ્રુપના સભ્યોએ ભેગા મળી અને વેસ્ટ માંથી બેસ્ટ જેમ કે તળાવની માટી, ચોકલેટની ખાલી પ્લાસ્ટીકની બરણીઓ, સોડાની પ્લાસ્ટિકની બોટલો, પ્લાસ્ટિકની પાઇપ અને પ્લાસ્ટિકનું કેરેટ જેવી વસ્તુઓ લઈને શ્રીજીની નયનરમ્ય ત્રણ ફૂટની મૂર્તિ બનાવી હતી અને ગણેશ ચતુર્થીની સાંજના શ્રીજીની વિધિવત રીતે સ્થાપના કરવામાં આવી હતી. નિતીનભાઈ મિનામા દ્વારા ભૂતકાળમાં પણ અનેક ભગવાન અને દેવી-દેવતાની મૂર્તિઓ સહિતની ઝાંખીઓ પણ બનાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે નિતીનભાઈ મીનામા એ મૂર્તિઓ બનાવવા માટેની કોઈ પણ પ્રકારની ટ્રેનિંગ કોઈ પાસે લીધી નથી. નાનપણથી જ તેમનામાં પેઇન્ટિંગ કરવાનો તેમજ આ રીતની પ્રતિમાઓ બનાવવાનો ઉત્સાહ અને શોખ હતો ખરેખર તેમની કામગીરી કાબિલે તારીફ છે.
ગરબાડા નગરના નિતીનભાઈ મિનામા અને તેમના બંસરી ગ્રુપ દ્વારા વેસ્ટ માંથી બેસ્ટ બનાવવામાં આવેલ શ્રીજીની નયનરમ્ય પ્રતિમાં દ્રશ્યમાન થાય છે.