THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ અને સાંસદ જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં ૭૧માં વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી સંપન્ન
દાહોદમાં છેલ્લા પાંચેક માસથી કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દિનરાત તનતોડ મહેનત કરી રહેલા ફ્રન્ટ લાઇન વોરિયર્સને યથોચિત સન્માન આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વન મહોત્સવ અંતર્ગત બાવકા ખાતે નિર્માણ પામેલા ઉપવનને “કોરોના વોરિયર્સ વન” નામાભિધાન કરવામાં આવ્યું છે. આજે વન મહોત્સવની ઉજવણીની સાથે “કોરોના વોરિયર્સ વન” નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઉજવણીમાં ઉપસ્થિત રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, દાહોદ જિલ્લાનો જંગલ વિસ્તાર આદિવાસીઓ માટેના પોષણનું માધ્યમ અને આશરા સમાન છે. આપણે સૌ પ્રકૃત્તિને પૂજતા આવ્યા છે. રાજ્ય સરકાર પણ પ્રકૃ્તિનું જતન કરી પર્યાવરણનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ છે.
વધુમાં રાજ્યમંત્રી બચુભાઇ ખાબડે ઉમેર્યું છે, જળ, જમીન અને જંગલનું જતન લોકોના સહયોગ વિના અધુરૂ છે. જે વિસ્તારમાં વધુ વૃક્ષો હોય ત્યાં વધુ વરસાદ પડે છે, એ વાત આપણી નજર સમક્ષ છે. કચ્છ અને કાઠિયાવાડ વિસ્તારમાં વધુ વૃક્ષોનું વાવેતર થતાં ત્યાં વરસાદ સારો થઇ રહ્યો છે. આપણે પણ વધુ પ્રમાણમાં વૃક્ષો વાવી ધરતીને હરિયાળી બનાવવી પડશે. પરિવારમાં એક વ્યક્તિ દીઠ એક વૃક્ષ વાવવાનું તેમણે આહ્વાન કર્યું હતું.
જિલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, આપણા માટે આનંદની વાત છે કે, દાહોદ જિલ્લામાં જંગલ બહારમાં વૃક્ષોનું પ્રમાણ વધીને ૧૪ ટકા થયું છે. જિલ્લામાં આવેલા ૬૯૮ પૈકી ૪૪૩ ગામો વન્ય વિસ્તારોમાં આવેલા છે. વન મહોત્સવની ગૌરવવંતી પરંપરા શરૂ કરનારા ગુજરાતના પનોતા પુત્ર ક. મા. મુન્શીનું સ્મરણ કરતા જિલ્લા સાંસદ જશવંતસિંંહ ભાભોરએ ઉમેર્યું કે, ગુજરાતમાં વર્ષ ૨૦૦૪થી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વન મહોત્સવને આગવી રીતે ઉજવવાની ઉજળી રીતીનો પ્રારંભ કર્યો છે. લોકોની આસ્થા સાથે પ્રકૃત્તિને સાંકળી વનોનું નિર્માણ કરવામાં આવે છે. જેનાથી પર્યાવરણનું સંવર્ધન થઇ રહ્યું છે. બાવકા ખાતે નિર્માણ પામેલા વનને “કોરોના વોરિયર્સ વન” એવા નામકરણને મહાનુભાવોએ યથાર્થ ઠેરવ્યું હતું. કોરોનાના સંકટ સામે લડી રહેલા આરોગ્યકર્મી, પોલીસકર્મી, સફાઇકર્મી, જિલ્લા વહીવટી તંત્રના કર્મયોગીઓ, મીડિયા, સામાજિક અને સેવાભાવી સંસ્થાઓને યથોચિત સન્માન આપવામાં આવ્યું છે. કલેક્ટર વિજય ખરાડીના કલેક્ટર તરીકેના કાર્યકાળમાં રાબડાલ ખાતેના “આરોગ્ય વન” બાદ બાવકાનું “કોરોના વોરિયર્સ વન” બીજું પ્રાકૃતિક નજરાણું દાહોદના લોકોને મળ્યું છે. જેમાં વન વિભાગની કામગીરી પણ કાબીલે તારીફ છે.
૭૧માં વન મહોત્સવ અંતર્ગત દાહોદ જિલ્લામાં ૫૦ લાખથી વધુ રોપા વાવવાનું આયોજન વન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. બાવકા ખાતે ૩૫૦૦ રોપા વાવી તેનું જતન કરવામાં આવશે.
આજના કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ, ₹. ૩૨.૭૯ સહાય તથા સાગના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આંગણવાડી કાર્યકરોને સરગવાના રોપા અપાયા હતા. આ ઉપરાંત, વન વિભાગ દ્વારા કોરોના વાયરસ સામે ઉકાળાનું કામ કરતી ઔષધિના રોપા વિતરણ વાહન અને બે મોબાઇલ પશુ દવાખાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ વેળાએ ધારાસભ્ય વજુભાઇ પણદા અને શ્રીમતી ચંદ્રિકાબેન બારિયા, વન વિભાગના વરિષ્ઠ અધિકારી રામરતન નાલા, કલેક્ટર વિજય ખરાડી, નાયબ વન સંરક્ષક આર.એમ. પરમાર સહિત તાલુકા અને ગ્રામ પંચાયતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.