ગરબાડા તાલુકાની નંદવા પ્રાથમિક શાળામાં અનોખી રીતે પ્રવેશોત્સવ, નાના ભૂલકાઓને ઘોડાગાડીમાં શાળાએ લઈ જવાયા

0
27

દાહોદ જિલ્લાની વિવિધ શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત બાળકોનો શાળાનો પ્રથમ દિવસ યાદગાર બનાવાયો.

દાહોદ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે ગરબાડા તાલુકાની નંદવા પ્રાથમિક શાળા ખાતે બાળકોનો શાળામાં પ્રવેશોત્સવ અનોખી રીતે કરવામાં આવ્યો હતો. નાના ભૂલકાઓને ઘોડાગાડીમાં શાળાએ લઈ જવાયા હતા. પોતાના શાળાના પ્રથમ દિવસે જ ઘોડાગાડીમાં શાળાએ પ્રવેશ મેળવતા અને કંકુ ચોખાથી તિલક કરીને મોઢું મીઠું કરાવીને હર્ષોલ્લાસ સાથે બાળકોનું શાળામાંમાં સ્વાગત થતા બાળકો ખુશખુશાલ થઈ ગયા હતા. બાળકો માટે શાળાનો તેમનો પ્રથમ દિવસ યાદગાર સંભારણું બની રહ્યો હતો. શાળામાં પ્રવેશ મેળવનારા બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું.

જિલ્લામાં ગામેગામ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઇ રહી છે. જિલ્લામાં બાળકોને ચોકલેટ વગેરે આપીને મોઢું મીઠું કરાવીને તો ક્યાંક રમકડા, સ્કુલ બેગ, પેન્સિલ બોક્સ, પાટી પેન વગેરે શૈક્ષણિક કીટ આપીને, તો ક્યાંક ગામના અગ્રણીઓ દ્વારા બાળકોનું કકું ચોખાથી તિલક કરીને શાળામાં પ્રવેશ કરાવાઈ રહ્યો છે. જ્યારે કેટલીક શાળાઓમાં બાળકોના શાળાના પ્રથમ દિવસ યાદગાર બની રહે એ માટે કુમકુમ પગલા પાડવામાં આવ્યા હતા.

જિલ્લાના પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ ગામે ગામ વિવિધ શાળામાં ઉપસ્થિત રહીને બાળકોનું શાળાકીય જીવનના પ્રથમ દિને ફૂલોથી સ્વાગત કર્યું હતું. તેમજ પુસ્તકો વગેરે ભેટ આપ્યા હતા. કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ગામ માટે એક મોટો ઉત્સવ બની ગયો છે. ગામમાં શૈક્ષણિક કાર્ય માટેનો એક માહોલ બન્યો છે. સૌ ગ્રામજનો બાળકોના શાળા પ્રવેશ ઉત્સવમાં સામેલ થયા છે. આ કાર્યક્રમ માત્ર પદાધિકારીઓ, અધિકારીઓ કે સમાજના આગેવાનો, અગ્રણીઓ સુધી સિમિત ન રહેતા ગામનો પોતાનો ઉત્સવ બન્યો છે. કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં સમાજના શ્રેષ્ઠીઓએ પણ સારું એવું દાન કર્યું છે અને બાળકોને સ્કુલ બેગ, રમકડા, કંપાસ, પેન્સિલ બોક્સ વગેરે જેવી શૈક્ષણિક કીટનું વિતરણ કરીને બાળકોને પ્રોત્સાહિત કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here