PRIYANK CHAUHAN – GARBADA
- કોંગ્રેસના કુલ ૧૫ સભ્યો પૈકી પંદરે પંદર સભ્યો હાજર રહ્યા.
- ભાજપના કુલ ૦૯ સભ્યો પૈકી ૦૮ સભ્યો ગેરહાજર રહ્યા.
- ભાજપમાંથી પ્રમુખ-ઉપપ્રમુખ માટે ઉમેદવારી કરનાર સભ્યો પણ ગેરહાજર રહ્યા.
- ભાજપ તરફથી હાજર રહેલા એક માત્ર સભ્યએ કોઈપણ ઉમેદવારની તરફેણમાં મતદાન ન કર્યું.
ગરબાડા તાલુકા પંચાયતનાં આગામી અઢી વર્ષ માટે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી તા.૨૦/૦૬/૨૦૧૮ ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે ગરબાડા તાલુકા પંચાયત ઓફિસ ખાતે પૂરતા પોલિસ બંદોબસ્ત વચ્ચે ગરબાડા મામલતદાર અને ગરબાડા તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષતામાં યોજાઇ હતી.
પ્રમુખ પદ માટે કોંગ્રેસ તરફથી કોંગ્રેસનાં ભુરિયા વિણાબેન લાલુભાઈએ તથા ભાજપ તરફથી ભાજપના પરમાર મહેશ ચુનીલાલનાએ ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે ઉપપ્રમુખ માટે કોંગ્રેસના ડાંગી શારદાબેન મંગળસિંહએ તથા ભાજપ તરફથી ભાભોર ઝુનાબેન વિનોદભાઈએ ઉમેદવારી નોંધાવી હતી.
ગરબાડા તાલુકા પંચાયતના ચૂંટાયેલા કુલ ૨૪ તાલુકા સભ્યો પૈકી કોંગ્રેસના પંદરે પંદર સભ્યો હાજર રહ્યા હતા જ્યારે ભારતીય જનતા પાર્ટીના ૦૯ (નવ) સભ્યો પૈકી ૦૮ (આઠ) સભ્યો ગેરહાજર રહ્યા હતા અને ફક્ત ૦૧ (એક) સભ્ય હાજર રહ્યો હતો.
કોંગ્રેસના ૧૫ સભ્યો અને ભાજપના ૦૧ સભ્ય મળી કુલ ૧૬ સભ્યો ચૂંટણી પ્રક્રિયા દંરમ્યાન હાજર રહેતા પ્રમુખ માટે ભુરિયા વિણાબેન લાલુભાઈની તરફેણમાં ૧૬ સદસ્યો પૈકી ૧૫ સદસ્યોએ જમણો હાથ ઊંચો કરી તેમનો મત પ્રદર્શિત કરતાં ગરબાડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભુરિયા વિણાબેન લાલુભાઈની વરણી કરવામાં આવેલ. તેવીજ રીતે ઉપપ્રમુખ માટે ડાંગી શારદાબેન મંગલસિંહની તરફેણમાં ૧૬ સદસ્યો પૈકી ૧૫ સદસ્યોએ જમણો હાથ ઊંચો કરી તેમનો મત પ્રદર્શિત કરતાં ગરબાડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે ડાંગી શારદાબેન મંગલસિંહની વરણી કરવામાં આવેલ છે. જ્યારે ભાજપ તરફથી હાજર રહેલા એક માત્ર સભ્યએ કોઈપણ ઉમેદવારની તરફેણમાં મતદાન કરેલ નથી.
આમ, ગરબાડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કોંગ્રેસના ભુરિયા વિણાબેન લાલુભાઈ તથા ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના ડાંગી શારદાબેન મંગલસિંહની વરણી થતાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ તેમને વધાવી લીધા હતા.
