
– મંત્રી વિભાવરીબેન દવે એ I.C.D.S વિભાગના સ્ટોલની મુલાકાત લઇ કામગીરીની પ્રશંસા કરી.
અમદાવાદ જિલ્લા પંચાયત તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે સાણંદ ખાતે તાજેતરમાં જ ગુજરાત સરકારના મંત્રી વિભાવરીબેન દવે ની ઉપસ્થિતિમાં મહિલા આરોગ્ય દિનની ઉજવણી નિમિત્તે મહિલા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 1,054 મહિલાઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. જેમાં 33 મેમોગ્રાફી ટેસ્ટ માંથી 4 શંકાસ્પદ પોઝિટિવ આવ્યા હતા. 515 દીકરીઓના હિમોગ્લોબીનની તપાસ કરાય, 41 મહિલાનું પેપ સ્મિયર કરાયું, 131 ગાયનેક ઓપીડી, 46 મહિલાની સોનોગ્રાફી, 64 A.N.C. ની તપાસ કરવામાં આવી હતી. અમદાવાદ જિલ્લામાં 1527 આંગણવાડી કાર્યરત છે, જેમાં માનદ સેવા કરતા આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોને ગણવેશ રૂપે સાડી વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી વિભાવરીબેન દવે, ધારાસભ્ય કનુભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ, આરોગ્ય સમિતિના ચેરમેન જગદીશભાઇ મેણીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો શિલ્પા યાદવ તથા કાર્યક્રમનું સુચારુરુપે આયોજન કરનાર I.C.D.S. ના પ્રોગ્રામ ઓફિસર નરેન્દ્રસિંહ રાઠોડ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ અધિકારી, દહેજ પ્રતિરોધક અધિકારી અને 181 અભયમની ટીમ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા સહયોગી બન્યા હતા. ગુજરાત સરકારના મંત્રી વિભાવરીબેન દવે દ્વારા “બેટી બચાવો, બેટી પઢાવો” ની કામગીરીની પ્રસંશા કરી બેટી બચાવો બેટી પઢાવો ટીમ તથા જિલ્લા વિકાસ અધિકારી ને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત I.C.D.S. વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્ટોલની મુલાકાત કરી મંત્રી વિભાવરીબેન દવે તથા ધારાસભ્ય એ I.C.D.S. વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીના વખાણ કર્યા હતા અને આરોગ્ય કેમ્પના સફળ આયોજન માટે અમદાવાદ જિલ્લા ટીમને અભિનંદન પાઠવ્યા હતા. નવજાત દીકરી, તરુણી યુવતી, સગર્ભા ધાત્રી માતાઓ, વિધવા અને વૃદ્ધ મહિલા એમ તમામ ઉંમરની મહિલાઓ માટે રાજ્ય સરકારે યોજનાઓ અમલી બનાવી છે જેનો વ્યાપ વધારે અન્ય લોકો સુધી પહોંચાડવા માટે ઉપસ્થિત મહિલાઓને ગુજરાત સરકારના મંત્રી વિભાવરીબેન દવે દ્વારા અપીલ કરવામાં આવી હતી.
