ડિજિટલ ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર, રાજ્યના ૯૫ જુદા જુદા બસ સ્ટેશન પર વાઈફાઈની સુવિધા ઉપલબ્ધ

0
53

 THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS

  • ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા અનેકવિધ નવતર ડિજિટલ પહેલ થકી નાગરિકોની સુવિધાઓમાં નોંધપાત્ર વધારો.
  • GSRTCની ૬૫ વોલ્વો અને એ.સી. કેટેગરીની પ્રીમિયમ બસમાં પ્રાયોગિક ધોરણે ડેબિટ, ક્રેડિટ કાર્ડ અથવા QR કોડ વડે POS મશીનથી ટિકિટ સુવિધા શરુ.
  • વર્ષ ૨૦૨૧-૨૨માં નિગમની આવકમાં ૭૦.૧૮%ની વૃદ્ધિ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૫માં ડિજિટલ ઈન્ડિયાની જાહેરાત કરી હતી ત્યારે તેમનું સ્વપ્ન હતું ભારતમાં ડિજિટલ ક્રાંતિ લાવવાનું અને દરેક સુવિધાઓ નાગરિકને આંગળીના ટેરવે મળતી રહે તે માટે ડિજીટલ પહેલ માટે ગુજરાત રાજ્ય હંમેશા અગ્રેસર રહ્યું છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, GSRTCની વાત કરીએ તો વર્ષ ૨૦૦૮માં ઓનલાઈન પેસેન્જેર રીજર્વેશન સીસ્ટમ કાર્યરત કરવામાં આવી અને વર્ષ ૨૦૧૩ માં વેબસાઈટ તથા વર્ષ ૨૦૧૯માં IOS અને એન્ડ્રોઇડ એપ્લિકેશન લૉન્ચ કરવામાં આવી છે, જેના થકી ફોન બુકિંગ, બુકિંગમાં ફેરફાર, લીંક સર્વિસ, વેઈટીંગ લીસ્ટ અને ઈ- વોલેટ જેવી સુવિધાઓ કાર્યરત કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, GSRTC દ્વારા જણાવ્યાનુસાર વર્ષ ૨૦૨૦માં સેવા સેતુ પોર્ટલ પર મુસાફર પાસ, ઓનલાઈન ટિકિટની સુવિધા પણ કાર્યરત કરવામાં આવી છે. જેના પરિણામે વર્ષ ૨૦૨૧ ના દિવાળી તહેવારો દરમિયાન એક જ દિવસમાં સમગ્ર દેશના STU માંથી ગુજરાત એસ.ટી નિગમમાં સૌથી વધુ ૯૪,૫૩૯ ટીકીટનું બુકિંગ થયું. જે ટીકીટ થકી નિગમને એક જ દિવસમાં રૂ. ૧,૮૦,૧૭,૯૨૩ ની થઇ હતી. જેમાં મોબાઇલ એપ્લીકેશન થકી એક જ દિવસમાં સૌથી વધારે ૨૧,૮૬૮ ટીકીટોનું બુકિંગ થયું હતું. વર્ષ ૨૦૨૧ સતત ૩૭ દિવસ સુધી દરરોજ રૂ. ૧ (એક) કરોડથી વધારે નું ઓનલાઈન બુકિંગ થયું અને આ બધું શક્ય બન્યું માત્ર ને માત્ર રાજ્ય સરકારની ડિજીટલ ક્રાંતિને પરિણામે.

એસ.ટી. નિગમ દ્વારા પ્રાયોગિક ધોરણે ૬૫ પ્રિમિયમ બસમાં સ્વાઈપ મશીન થકી પ્રવાસીઓને ટિકિટ ઈશ્યુ કરવામાં આવી રહી છે. જેમાં પ્રવાસી પોતાના ડેબિટ, ક્રેડિટ કાર્ડ અથવા QR કોડ વડે POS મશીનથી ટિકિટ મેળવી શકશે. હાલ પ્રાયોગિક ધોરણે નિગમની ૬૫ વોલ્વો અને એ.સી. કેટેગરીની પ્રીમિયમ બસમાં આ સુવિધા શરુ કરાઈ છે. અગામી દિવસોમાં વધુ ૪૫ બસોમાં સ્વાઈપ ઉપલબ્ધ કરવામાં આવશે. આવનારા સમયમાં બધી બસોમાં સ્વાઈપ કરી ટિકિટ આપવાની કામગીરી પણ ખૂબ જલદી હાથ ધરવામાં આવશે.

ડિજીટલ ક્રાંતિને કારણે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની આવકનો માર્ગ પણ મોકળો બન્યો છે. વર્ષ ૨૦૧૯-૨૦માં આવક રૂ. ૨૭૦.૭૨ કરોડ હતી અને ૩૧.૧૩% સીટોનો વધારો થયો હતો ત્યારે ૨૦૨૦-૨૧માં કોરોનાના કારણે વાહન વ્યવહારમાં મંદી જોવા મળી હતી અને આવકમાં ઘટાડો થયો હતો પણ જો ૨૦૨૧-૨૨ની વાત કરીએ તો આવક રૂ. ૨૮૦.૬૧ કરોડ થયાની સાથે સીટોમાં ૬૩.૧૭%નો વધારો જોવા મળ્યો છે અને કુલ આવકમાં ૭૦.૧૮% ની વૃદ્ધિ જોવા મળી છે. મુસાફરને વાઈફાઈ, ઈન્ટરનેટની સગવડતા માટે રાજ્યના જુદા જુદા ૯૫ સ્ટેશન પર GSUAN (GTPL), BSNL, GSRTC (GTPL) ઈન્ટરનેટ જોડાણની પણ વ્યવસ્થા કરવા આવી છે. આ ઉપરાંત, બસની સ્થિતિ અને લોકેશન જાણવા GPS સિસ્ટમથી સજ્જ બસો સગવડતા પૂરી પાડે છે.

આવાનારા સમયમાં નાગરિકોને વધુને વધુ સેવાઓ ડિજિટલ સ્વરૂપે મળતી થાય તે માટે રાજ્ય સરકાર સઘન પ્રયાસો હાથ ધરી રહી છે. જેના પરિણામે નાગરિકોને વધુ સરળતા પ્રાપ્ત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here