તાલુકા હેલ્થ ઓફિસ, વિરમગામ દ્વારા “વિશ્વ મચ્છર દિવસ” નિમિત્તે મચ્છરથી બચવાના ઉપાયો સમજાવવામાં આવ્યા

0
47

એક ચેપી મચ્છરનો ડંખ મોટા આઘાતો આપી શકે છે. મચ્છર કરડવાથી ગંભીર સ્થિતિ બની શકે છે. એક ચેપી મચ્છરના કારણે મેલેરિયા, ડેન્ગ્યું, ચિકનગુનિયા, ફ્લારીયાસીસ જેવા રોગ થઇ શકે છે અને જો યોગ્ય સારવારમાં લેવામાં ન આવે તો મચ્છર દર્દીને મૌતના મુખમાં પણ ધકેલી શકે છે. અમદાવાદ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાના માર્ગદર્શન મુજબ તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા “વિશ્વ મચ્છર દિવસ” નિમિત્તે લોકોને મચ્છરથી થતા રોગોની ગંભીરતા અને મચ્છરથી બચવાના ઉપાયો અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના નીલકંઠ વાસુકિયા, જયેશ પાવરા, બળદેવ વાઘેલા, હાર્દિક અમિન, દિનેશ પ્રજાપતિ, ડી જી ચૌહાણ, ભરત મીર, મગન રાણા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. વૈશ્વિક સ્તરે વિશ્વ મચ્છર દિવસ ૨૦૧૫ દર વર્ષે ૨૦મી ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણી સર રોનાલ્ડ રોસ કે જેઓએ ૧૯૮૭માં મનુષ્યમાં માદા મચ્છરોને સંક્રમિત થવાની શોધ કરી હતી તેમના સ્મરણાર્થે ઉજવવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ઉલટી ઉબકા થાય, માથામાં દુખાવો થાય, શરીરમાં કળતર થાય, ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે જેવા કોઇ પણ લક્ષણો જોવા મળે તો નજીકના સરકારી દવાખાનામાં જઇને નિશુલ્ક લોહીની તપાસ કરાવવી જોઇએ. મેલેરીયાથી બચવા માટે પાણીના ખુલ્લા વાસણો હવા ચુસ્ત ઢાંકણથી ઢાકીને રાખવા. પાણીની ટાંકી, ફુલદાની, કુલર, ફ્રીજની ટ્રે અઠવાડીયામાં એક વખત અવશ્ય સાફ કરો. ઘરની આસપાસ પાણી ન ભરાવા દો. પાણીના ખાડા ખાબોચીયા પુરી દો અથવા તો વહેવડાવી દો. કોઇ પણ તાવ મેલેરીયા હોય શકે છે. મેલેરીયાનો ફેલાવો મચ્છરથી જ થાય છે એટલે મચ્છરની ઉત્પત્તિ અટકાવશો તો મેલેરીયા થતો રોકી શકાશે. સખત તાવ આવવાની સાથે આંખના ડોળાની પાછળ દુખાવો થાય કે હાથ અને ચહેરા પર ચકામા પડે, નાક, મોં તેમજ પેઢામાંથી લોહી પડે તો ડેન્ગ્યુ હોઇ શકે છે. ડેન્ગ્યુ જેવા કોઇ પણ લક્ષણ જોવા મળે તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો જોઇએ તેવી લોકોને માહિતી આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here