દાહોદના અંતરિયાળ વિસ્તારના લોકોને સરકારી યોજનાનો લાભ લેવા ખાવા પડતા ધરમ ધક્કામાંથી સેવા સેતુના માધ્યમથી મળ્યો છૂટકારો

0
94

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

  • બે માસથી અટકી પડેલા સરકારી કામ સેવા સેતુમાં બે મિનિટમાં થઇ જાય છે
    જનકલ્યાણની ભાવના સાથે અમલી યોજનાઓના લાભ તેમને સેવા સેતુમાં પ્રમાણિક પદ્ધતિથી હાથોહાથ મળી રહ્યા છે.
    રાજ્ય સરકારની ૫૭ પ્રકારની સેવાની સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી અસરકારક, ઝડપી, સચોટ અને પારદર્શક ડોરસ્ટેપ ડિલિવરી

રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા પાંચમા ચરણના સેવા સેતુ કાર્યક્રમ ખરા અર્થમાં નાના માણસનો મોટો કાર્યક્રમ બની રહ્યો છે. ખાસ કરીને દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં વસતા ગ્રામીણ લોકોને સેવા સેતુના કારણે મોટો ફાયદો થયો છે. રાજ્ય સરકારની વિવિધ સેવાઓ માટે આ લોકોને તાલુકા કે જિલ્લા મથકે ધરમ ધક્કા ખાવામાંથી છૂટકારો તો મળ્યો છે, સાથે તેના કામો હવે ઘર આંગણે જ થઇ જાય છે. તે પણ કોઇ વચેટિયાને રોક્યા વીના !  સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેનારા ગ્રામીણ લોકોની સાથે વાત કરવાની ખ્યાલ આવે કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો પારદર્શી પ્રશાસનનો સંકલ્પ ચરિતાર્થ થઇ રહ્યો છે. જનકલ્યાણની ભાવના સાથે અમલમાં મૂકવામાં આવેલી યોજનાઓના લાભ તેમને પ્રમાણિક પદ્ધતિથી હાથોહાથ મળી રહ્યા છે. આવા જ એક લાભાર્થી છે લાડુબેન ઝીતરાભાઇ ભૂરિયા ! તેઓ ઉંડાર ગામમાં રહે છે.

લાડુબેનના પતિનું થોડા સમય લકવાની બિમારી સબબ પહેલા અવસાન થયું છે. ખેતીની ટૂંકી જમીન ખેડી અને છૂટક શ્રમકામ કરી તેનો ૩૧ વર્ષીય દીકરો દીનેશ ઘરના બે છેડા માંડ ભેગા કરી શકે છે. હવે, થોડા સમય પહેલા દીનેશે પોતાના માતાને રાજ્ય સરકારની વિધવા પેન્શન યોજનાનો લાભ મળે તે માટે અરજી કરી હતી. પણ, લાડુબેનના પુત્રની ઉંમર નિયત મર્યાદા કરતા વધુ હોવાના કારણે અરજી મંજૂર થઇ નહોતી. રાજ્ય સરકારે પુત્રની ઉંમરના બાધ વિના તમામ વિધવાનો ₹.૧૨૫૦/- માસિક જીવાઇ આપવાનો જનહિતલક્ષી નિર્ણય લીધો તેનો સીધો ફાયદો લાડુબેનને થયો. સેવા સેતુ કાર્યક્રમમાં થોડી જ મિનિટોમાં તેની અરજી મંજૂર થઇ ગઇ. દિનેશે મુખ્યમંત્રી વિજયભાઇનો આભાર માનતા કહે છે, અમારા જેવા ગરીબોનું આ સરકારે હિત વિચાર્યું છે.  બે માસથી અટકી પડેલી અરજી સેવા સેતુના કાર્યક્રમમાં માત્ર બે જ મિનિટમાં મંજૂર થવાના કિસ્સા પણ દાહોદમાં બન્યા છે.

ખેંગ ગામના ૬૦ વર્ષના મીઠીયાભાઈ મડીયાભાઇ ગુંડિયાએ વૃદ્ધ પેન્શન સહાય માટે બે માસ પૂર્વે દાહોદ સરકારી દફરતે અરજી કરી હતી. પણ, કોઇને કોઇ કારણસર અરજી અટકી પડી હતી. તે કહે છે, મને અમારા ગામમાં સેવા સેતુ કાર્યક્રમ થવાનો છે, એની જાણ થતાં અહીં આવ્યો અને માત્ર બે જ મિનિટમાં મારી અરજી મંજૂર કરવામાં આવી. હવે મને માસિક ₹. ૭૫૦નું પેન્શન મળશે.

ચકલિયા ફળિયામાં રહેતા ખુનજીભાઇ પૂનિયાભાઇ ગુંડિયાને થોડા સમય પહેલા તાવ આવ્યો અને તેમણે ખાનગી દવાખાને સારવાર કરાવી તો દવા સહિતનો ₹. ૪૦૦નો ખર્ચ થયો. ગરીબ પરિવાર માટે આટલી રકમ બહુ જ મોટી હોય છે. હવે, તેમને આરોગ્યલક્ષી નાનામોટા રિપોર્ટ કરાવવાના હતા. એટલે, સેવા સેતુ કાર્યક્રમની મુલાકાત લીધી. સેવા સેતુ કાર્યક્રમ સાથેના આરોગ્ય કેમ્પમાં તેમના બ્લડ રિપોર્ટ કરાવવામાં આવ્યા. જે નોર્મલ આવ્યા. દવા પણ આપવામાં આવી. ખુનજીભાઇ કહે છે, મારી સારવાર સાવ મફત થઇ છે. સેવા સેતુ કાર્યક્રમમાં મને એ જાણવા મળ્યું કે, સરકારી દવાખાનામાં તમામ પ્રકારની સારવાર મળે છે. હવે, હું માંદગીના સમયે સરકારી દવાખાને જ જઇશ.વિધિકાબેન વહોનિયાને સંતાન નાનુ હોવાથી પોતાનું આધાર કાર્ડ કઢાવવા દાહોદ જઇ શકાતું નહોતું. કેમકે, દાહોદ જવા આવવા અને આધાર કઢાવવાની વિધિમાં એક દિવસ નીકળી જાય એમ હતો. એટલે, આખો દિવસ નાના સંતાનને બહાર રાખી શકાય એમ નહોતું. તે કહે છે, મારે આધાર કાર્ડ બેંક ખાતા, પાન કાર્ડ અને બીજી યોજનાના લાભો માટે કઢાવવું હતું. પણ, આવા કારણોથી કાર્ડ નીકળતું નહોતું. એવામાં અમને આંગણવાડી કાર્યકરના માધ્યમથી સેવા સેતુની ખબર પડી. એટલે, તેનો લાભ લીધો. માત્ર ગણતરીની મિનિટોમાં મારૂ આધાર કાર્ડની એનરોલમેન્ટ થઇ ગયું. ઘણા દિવસથી અટકી પડેલું કામ ઘર બેઠા થઇ ગયું. આમ દાહોદ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા યોજવામાં આવતા સેવા સેતુ કાર્યક્રમ સરકારની ૫૭ પ્રકારની સેવાની અસરકારક, ઝડપી, સચોટ અને પારદર્શક રીતે ડોર સ્ટેપ ડિલિવરી થઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here