દાહોદના નગરજનો વડાપ્રધાનની “ફિટ  ઇન્ડિયા મૂવમેન્ટ” માં ઉત્સાહભેર જોડાયા

0
103

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

  • વહેલી સવારે યોજવામાં આવેલી ફિટ ઇન્ડિયા રેલીમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા, તંદુરસ્તી માટે નગરજનો સંકલ્પબદ્ધ થયા.

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ નાગરિકોના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે કરેલા ફિટ ઇન્ડિયા અભિયાનના આહ્વાનને દાહોદ નગરના પ્રજાજનોએ સુંદર પ્રતિસાદ આપ્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે તા.૨૯/૦૮/૨૦૧૯ ને ગુરુવારના રોજ વહેલી સવારે યોજવામાં આવેલી ફિટ ઇન્ડિયા રેલીમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા અને પોતાના ઉત્તમ સ્વાસ્થ્ય માટે અંગ કસરત કરવા માટે સંકલ્પબદ્ધ થયા હતા.નગર પાલિકા ખાતે વહેલી સવારે નગરજનો એકત્ર થયા હતા. જ્યાં કલેક્ટર વિજયકુમાર ખરાડીએ લોકોને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ પાછળનો હેતું સ્વાગત પ્રવચનમાં સમજાવ્યો હતો.
બાદમાં એકત્ર થયેલા લોકો રેલી સ્વરૂપે નીકળ્યા હતા. આ દોડ રેલીને મહાનુભાવોએ ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. સહભાગી થયેલા નગરજનોએ રનિંગ કરી તંદુરસ્તી માટે વોકિંગ અને રનિંગ કેટલું મહત્વનું છે ? તેનો સંદેશો આપ્યો હતો. ફિટ ઇન્ડિયા રન નગરપાલિકાથી કોર્ટ રોડ, ફાયર સ્ટેશન, યાદગાર ચોક, સરસ્વતી સર્કલ, ભગિની સમાજ સર્કલ, નવજીવન શાળા, ત્રિવેણી ગ્રાઉન્ડ રોડ થઇ સિટી ગ્રાઉન્ડમાં પહોંચી હતી.
દાહોદ નગરપાલિકા દ્વારા સિટી ગ્રાઉન્ડ ખાતે બેડમિન્ટન અને ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમા છાત્રોએ ઉત્સાહપૂર્ણ ભાગ લીધો હતો. કલેક્ટર અને ડી.ડી.ઓ. પણ બેડમિન્ટન રમ્યા હતા. આ બન્ને રમત રમવાથી શરીરના મહત્તમ અંગોની કસરત થઇ જાય છે. વળી, બેડમિન્ટના સાધનો વ્યક્તિગત રીતે ખરીદવા સરળ હોવાથી કોઇ પણ નાગરિક તેને સરળતાથી રમી શકે છે. આ ઉપરાંત, શરીર સૌષ્ઠવવાંચ્છુઓને વિવિધ પ્રકારની અંગ કસરત અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બાદમાં પંડિત દીનદયાલ ઓડિટોરિયમ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સંદેશનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેને ઉપસ્થિત નગરજનોએ રસપૂર્વક સાંભળ્યું હતું. આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી આર. કે. પટેલ, પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, અધિક કલેક્ટર એમ. જે. દવે, પ્રાંત અધિકારી તેજસ પરમાર, નગરપાલિકા પ્રમુખ અભિષેકભાઇ મેડા, નગર સેવકો, નિવાસી જિલ્લા રમતગમત અધિકારી વિરલ ચૌધરી, એન.ડી.આર.એફ., પોલીસ દળ તથા અગ્નિશામક દળના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here