દાહોદના પ્રવાસન ક્ષેત્રે વધુ એક છોગું ઉમેરાયુ : વિવિધ ૭૧ જાતના ૩૪૪૬ ઔષધિય રોપાઓ સાથેનું પ્રાકૃત્તિક સૌંદર્યથી છલકાતું આરોગ્ય વન રાબડાળ

0
124

દાહોદ જિલ્લામાં ઉજવાઇ રહેલા ૭૦માં વનમહોત્સવની શરૂઆત આરોગ્ય વન રાબડાળ ખાતેથી કલેક્ટર વિજય ખરાડી દ્વારા કરવામાં આવી છે. પ્રાકૃત્તિક સૌંદર્યથી છલકાતું આરોગ્ય વન રાબડાળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાની પણ તેમણે વાત કરી હતી. સામાજિક વનીકરણ વિભાગ દાહોદ દ્વારા વિકસાવવામાં આવી રહેલા આરોગ્ય વન રાબડાળ વિશે વધુ જાણીયે.
દાહોદ તાલુકામાં રાબડાળ ખાતે ૪.૪૦ હેકટર વિસ્તારમાં ઔષધિય વન વિકસાવવામાં આવી રહયુ છે. હાલમાં સામાજીક વનીકરણ વિભાગ દ્વારા ૭૧ જાતના ૩૪૪૬ ઔષધિય રોપાઓ વાવવામાં આવ્યા છે. આ ૭૧ જાતના રોપાઓમાં રૂખડો, નગોડ, મિંઢળ, કાચનાર, આમળો, રાયળ, પરપલીયા, આસીત્રો, બોરસલી, કાઠા ચેરીયુ, ચણોઠી, ફાયકસ, સાગ, હરડે, અંજન, ભુટાકો, કોદાડો, ખડસીગ, પાટલા વગેરે જેવી દુર્લભ ઔધષિય વનસ્પતિઓને ઉગાડવામાં આવી છે. આ ઔષધિય વનસ્પતિઓ અનેક રોગોમાં અકસીર ઇલાજ સમાન છે. અમુક ગંભીર રોગોના આયુર્વેદિક  ઇલાજ માટે જે વનસ્પતિની જરૂર પડે છે તેવી ઔષધિય વનસ્પતિઓ પણ અહી ઉગાડવામાં આવી રહી છે.
પ્રાકૃત્તિક સૌંદર્યથી છલોછલ આરોગ્ય વન રાબડાળ નાગરીકોમાં ઔષધિય રોપાઓની સમજ વિકસીત થાય તથા લોકો આયુર્વેદિક ઇલાજ અપનાવે તેવા ઉદ્દેશ સાથે વિકસાવવામાં આવી રહયુ છે. અહીયા ઉગાડવામાં આવેલા વિવિધ ઔષધિય વનસ્પતિઓ આગળ સાઇન બોર્ડ મુકીને તેમના નામ તથા તેના ઉપયોગો, કયા રોગોમાં તેનો સારવાર તરીકે ઉપયોગ કરી શકાય તેની વિગતે માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત આ સ્થળને સામાન્ય નાગરિકો માટે પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસાવવામાં આવશે. રોપાઓને પાણી પાવા માટે ટપક સિંચાઇ પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહયો છે. તથા પાણીની મોટર ચલાવવા માટે સોલાર સીસ્ટમ મુકવામાં આવી છે જેથી વિજળીની બચત થાય. આરોગ્ય વનમાં નાગરિકોની સુવિધા માટે પગદંડી, બાકડાઓ, કુદરતી નજારાનો લાભ લઇ શકે તે માટે વોચ ટાવર, વનકુટીર, ટોયલેટ બ્લોક  બનાવવામાં આવ્યા છે. આરોગ્ય અને મનોરંજન એકસાથે આપતા આરોગ્ય વન રાબડાળ ટૂંક સમયમાં જ નાગરિકો માટે ખુલ્લુ મુકવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here