દાહોદની પોસ્ટ ઓફિસમાં આજથી પોસ્ટ બેંકિગ સેવાનો શુભારંભ કરતા કેન્દ્રીય આદિજાતિ રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોર

0
603

 

 

  • ગ્રામીણ ડાક સેવક અને પોસ્ટમેન પણ ગ્રામીણ અને શહેરી વિસ્તારના નાગરિકોને આ સેવાઓ ઘર આંગણા સુધી પ્રદાન કરશે.
  • દાહોદ જિલ્લામાં મુખ્ય શાખા સહિત દેવગઢબારીયા, અંતેલા, મોટી ખજુરી અને રૂવાબારી ખાતે એકસેસ પોઇન્ટ સાથે હાલ કાર્યરત કરવામાં આવેલ છે.
  • દાહોદ જિલ્લામાં ખૂબ ઝડપથી શહેરો અને મોટા ગામોમાં પણ આ સેવાઓ શરૂ કરાશે. : કેન્દ્રીય આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર

ગ્રામિણ અને અર્ધ શહેરી વિસ્તારોમાં ડિજીટલ ચુકવણીની સેવાઓને પ્રોત્સાહન આપવા, પોષ્ટ વિભાગ, સંચાર મંત્રાલય, ભારત સરકાર દ્વારા ઇન્ડિયા પોષ્ટ પેમેન્ટસ બેંક (IPPB)ની શરૂઆત કરી રહ્યું છે. દરેક નાગરિકને આર્થિક રીતે સાંકળવાના ધ્યેયને આગળ વધારવા સાથે ડીજીટલ સેવાઓનો ઉપયોગ કરવા માટે ભારતીય નાગરિકોની ક્ષમતામાં વધારો કરશે. દેશમાં આવી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની ૬૫૦ શાખાઓનો શુભારંભ તા. ૦૧/૦૯/૨૦૧૮ શનિવારના રોજથી એક સાથે વડાપ્રધાનશ્રી ના હસ્તે શરૂ કરવામાં આવ્યો હતો. તદનુસાર દાહોદ, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક શાખાનો શુભારંભ ભારત સરકારના આદિજાતિ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે તક્તીના અનાવરણ સાથે રીબન અને કેક કાપીને પોસ્ટ ઓફિસ, મુખ્ય શાખા બજાર ખાતે ભારે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે દીપ પ્રાગટ્ય સાથે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દાહોદ શાખાનું લોકાર્પણ કરતાં કેન્દ્રીય આદિજાતિ રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યુ હતું કે દેશમાં ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેંકની ૬૫૦ શાખાઓ કાર્યરત થશે અને વિવિધ પોસ્ટ ઓફિસમાં લગભગ ૧.૫૫ લાખ એકસેસ પોઇન્ટ હશે. ગુજરાતમાં ઇન્ડીયા પોસ્ટ બેંકની ૩૨ શાખાઓ અને પોસ્ટ ઓફિસમાં લગભગ ૮૯૦૦ એકસેસ પોઇન્ટ મારફતે કાર્યરત થશે. ૭૦૦૦ થી વધુ ગ્રામીણ ડાક સેવક (GDS) અને ૪૦૦૦ પોસ્ટમેન પણ ગ્રામીણ અને શહેરી વિસ્તારના નાગરિકોને આ સેવાઓ ઘર આંગણા સુધી પ્રદાન કરશે. દાહોદ જિલ્લામાં હાલ દાહોદ મુખ્ય બ્રાંચ સહિત દેવગઢબારીયા ખાતે શહેરી અને અંતેલા, રૂવાબારી, મોટી ખજુરી ખાતે ગ્રામિણ એક્સેસ પોઇન્ટ એમ કુલ પાંચ જગ્યાએ કાર્યાન્વિત કરેલ છે. ઝડપથી આ સેવાઓનો લાભ તમામ તાલુકાઓના પોસ્ટ સાથે સંકળાયેલ ગામોને અને મોટા ગામોમાં ઉપલબ્ધ કરાશે. જેથી છેવાડાના વિસ્તારના ગરીબ, આદિવાસી, પછાત લોકોને અને ખેડૂતોને આ સેવાઓનો લાભ ઘર બેઠા મળશે. ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટસ બેંક (IPPB) નું શુભારંભ દેશની બેંન્કિગ સેવાઓના ઇતિહાસમાં એક નવું સીમાચિન્હરૂપ છે જેના દ્વારા પ્રથમ વખત સામાન્ય માણસને નજીકમાં જ ડિજિટલ બેંન્કિગ સેવાઓનો લાભ ઉપલબ્ધ થશે. ટપાલ વિભાગના કર્મચારીઓને હાથોહાથ ડિજીટલ વ્યવહારો કરવા માટેની સેવાઓ પણ લાભ મળશે. ટપાલ વિભાગ ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટસ બેંક (IPPB) દ્વારા નાણાકીય સંકલનના એજન્ડાને આગળ વધારવા અને સારી ડીજીટલ બેંન્કિગ સેવાઓ દ્વારા નાગરિકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે પ્રતિબધ્ધ છે.એમ મંત્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યુ હતુ.

આ પ્રસંગે વડોદરા ક્ષેત્રના ડાયરેક્ટર ઓફ પોસ્ટલ સર્વિસ બી.એલ.સોનલે સ્વાગત પ્રવચન સાથે આ યોજનાનો મુળભૂત ઉદેશ સમજાવતાં જણાવ્યું હતું કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ટેકનોલોજીના સઘન મુલ્યો ઉમેરેલી બેંકિંગ સેવાઓ જેવી કે SMS બેંકિંગ, RTGS, I.M.P.S., E-KYC, ડિજીટલ ખાતાઓ વગેરે ન્યૂનતમ ખર્ચે પૂરી પડાશે. આ સેવાઓ ખાસ કરીને નાના અને મધ્યમ ઉધોગો, વિધાર્થીઓ, ખેડૂતો, સ્થળાંત્તર કામદારો, વરિષ્ઠ નાગરિકો અને નાના વેપારીઓના લાભાર્થે બચતખાતું અને ચાલુ ખાતાની સેવાઓ ઉપલબ્ધ કરાશે. ગ્રામિણ ક્ષેત્રોમાં ડિજીટલ ચુકવણીની નાણાકીય સાક્ષરતા અને નાણાકીય જાગૃતતાને પ્રોત્સાહિત કરાશે.
આ કાર્યક્મમાં આભારવિધિ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દાહોદ શાખા મેનેજર શૌગતો હલધરે કરી હતી. મુખ્ય પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તરશ્રી પી.પી.પ્રજાપતિ, ફ્રીલેન્ડ ગંજના પોષ્ટ માસ્તર નીલેશ બઠ્ઠા, બ્રાન્ચના આસી.મેનેજર પુનિત જોષી, અગ્રણીઓ, પોષ્ટ વિભાગના અધિકારી / કર્મચારીઓ તથા નગરજનો, ખાતેદારો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રીય કાર્યક્રમનું ઉદ્ઘાટન સમારોહનું જીવંત પ્રસારણ નગરજનોએ નિહાળ્યું હતું. કેન્દ્રીય આદિજાતિ રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે ખાતેદારોને OR કાર્ડનું વિતરણ તથા બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here