દાહોદની 10 – I.T.I. નું મિશન માસ્ક : એક લાખ માસ્ક બનાવવા ૭૦ યુવતીઓ બની “કોરાના વોરિયર્સ”

0
349

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

  • લોકડાઉનમાં બંધ પડેલી I.T.I. માં સેવા ભાવના સાથે પાસ આઉટ યુવતીઓ પણ મિશનમાં જોડાઈ.
  • જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૪૮૦૦ મિટર કાપડ ફાળવાયું.

સામાન્ય રીતે સેના દ્વારા થતાં ઓપરેશન્સને આવા નામ આપવામાં આવે છે, પણ હાલમાં દાહોદની 10 – ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ દ્વારા અનોખું, જનસેવાના ઉદ્દેશથી એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જેનું નામ છે મિશન માસ્ક. દાહોદની I.T.I. દ્વારા આ મિશન હેઠળ એક લાખ માસ્ક બનાવવાની કામગીરી આદરવામાં આવી છે. જેમાંથી ૨૫ ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ ઓપરેશનની જવાબદારી લીધી છે દાહોદની યુવતીઓ ! આપત્તિની આ ઘડીમાં માત્ર I.T.I. માં અભ્યાસ શરૂ હોય એવી જ નહીં પરંતુ, પાસ આઉટ યુવતીઓ પણ આ મિશનમાં જોડાઇ છે. અહીના ઝાલોદ રોડ સ્થિત ઇન્ડસ્ટ્રીલ ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યુટ (I.T.I.) ના આચાર્ય કૌશિક કણઝારિયાએ જણાવ્યું કે, કોરોના વાયરસથી બચવાનો એક ઉપચાર માસ્ક પહેરવુંએ પણ છે. હવે, લોકડાઉનના કારણે બજાર તો બંધ થઇ ગઇ અને વળી ઉપર જતાં પુરવઠાની સામે માંગ વધી જતા બજારમાં માસ્કની અછત સર્જાઇ હતી. આ બાબતને ધ્યાને રાખી અમોએ જિલ્લા વહીવટી તંત્રને માસ્ક બનાવી આપવાની પ્રપોઝલ કરી હતી. જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ આ પ્રસ્તાવને તુરંત સ્વીકારી લઇ અમારા ઉત્સાહને વધાવી લીધો. તેમણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૪૮૦૦ મીટર કાપડ અમોને ફાળવી આપ્યું.

હવે, મૂળ વાત એ છે કે, ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં સિવણના ક્લાસ ચાલે છે. જેમાં મહિલાઓને વિવિધ પ્રકારના સિવણ કાર્યની તાલીમ આપી પગભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. એથી I.T.I. માં સિવવા માટેના સંચા વસાવેલા હોય છે. વળી, લોકડાઉનના કારણે I.T.I. માં તાલીમ કાર્ય બંધ હોવાથી આ સંચા એમને એમ પડ્યા હતા. એટલે, આ રિસોર્સિસનો આપત્તિ કાળમાં સેવામાં ઉપયોગ કરવામાં આવ્યો. I.T.I. ના ઇન્સ્ટ્રક્ટર દ્વારા ચાલુ બેંચની છાત્રાઓ અને પાસ આઉટ છાત્રાઓનો સંપર્ક કરવામાં આવ્યો અને તેમની મદદ માંગવામાં આવી. I.T.I. ના પ્રયાસોને યુવતીઓએ ઉદ્દત ભાવ સાથે વધાવી લીધો અને શરૂ થયું મિશન માસ્ક.

દાહોદ નગર સહિતની જિલ્લામાં આવેલી 10 – I.T.I. માં ૭૦ જેટલી યુવતીઓએ મિશન માસ્ક ઉપાડ્યું છે. સોશ્યલ ડિસ્ટન્સિંગ રહે એ રીતે, અલગ અલગ બેંચમાં કામગીરી શરૂ કરી દેવામાં આવી. અત્યાર સુધીમાં ૨૫ હજાર કરતા વધુ માસ્ક બનાવી દેવામાં આવ્યા છે. યુદ્ધના ધોરણે આ કામગીરી શરૂ છે. હવે વિશેષ વાત તો એ છે કે, કેટલીક સામાજિક અને સેવાભાવી સંસ્થાઓને ધ્યાને આ વાત આવી એટલે તેમણે આ યુવતીઓને માસ્ક બનાવવાના મહેનતા સ્વરૂપે નાની મોટી રકમ આપવાનું નક્કી કર્યું છે. હાલના તબક્કે એક યુવતીને પ્રતિ માસ્ક ₹.૨ મહેનતાણું મળે એવી વ્યવસ્થા થઇ શકી છે. પરંતુ, આ યુવતીઓ તો મહેનતાણાની દરકાર કરતી નથી. તેઓ તો માત્ર સેવાના ભાવ સાથે કામ કરી રહી છે. દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી જણાવે છે કેે, I.T.I.ની આ યુવતીઓ દ્વારા જિલ્લા વહીવટી તંત્રને સંકટની ઘડીએ મદદ કરવામાં આવી રહી છે. તે સ્તુત્ય બાબત છે. I.T.I. દ્વારા બનાવવામાં આવેલા માસ્ક જરૂર હોય ત્યાં આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here