દાહોદના સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે ૫૯૨ લાભાર્થીઓને ₹. ૫,૬૪,૯૯,૦૦૦/- જેટલી માતબર રકમનો લોન વિતરણ કાર્યક્રમ યોજાયો

0
240

 

આદિવાસી સમાજના સર્વાંગી વિકાસનો સંકલ્પ સરકારે કર્યો છે : મંત્રી જશવંતસિંહ ભાભોર
દાહોદ જિલ્લાના વિકાસની ખુટતી સુવિધાઓને પરિપૂર્ણ કરાશે. : પ્રભારી મંત્રી ગણપતસિંહ વસાવા
આદિવાસી સમાજની પ્રગતિ હેતુ સરકાર પાયાના ક્ષેત્રમાં નકકર કામગીરી કરી રહી છે : મંત્રી બચુભાઇ ખાબડ

THIS NEWS IS SPONSORED BY : RAHUL HONDA

  • ૪૮૬ લાભાર્થીઓને જુદીજુદી યોજનાની લોન સહાય.
  • ૧૦૦ લાભાર્થીઓને વન અધિકાર હેઠળ માપણી સીટ.
  • બારીયા વન વિભાગના ૮૦ રોજગારોને તફાવતના ચેકોનું વિતરણ.
  • ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના તેજસ્વી વિધાર્થીઓનું અભિવાદન

ભારત સરકારના આદિજાતિ બાબતોના રાજયકક્ષાના મંત્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યુ હતુ કે, આદિવાસી સમાજના સર્વાંગી વિકાસનો સંકલ્પ સરકારે કર્યો છે. શિક્ષણ, આવાસ, આરોગ્ય વિજળી, રસ્તા, ખેતી, સિંચાઇ, પીવાના પાણી સહિત તમામ ક્ષેત્રોમાં દાહોદ જિલ્લાનો વિકાસ થાય તેવી યોજના ઓનો લાભ સરકાર દ્વારા જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવી રહ્યાં છે.
દાહોદ ખાતે, રાષ્ટ્રિય અનુસૂચિત જનજાતિ નાણા અને વિકાસ નિગમ, નવી દિલ્હી અને ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન તેમજ જિલ્લા વહીવટી તંત્ર આયોજિત આદિજાતિ લાભાર્થીઓને યોજનાકીય લાભ વિતરણ સમારોહના અધ્યક્ષ સ્થાનેથી મંત્રી જશવંતસિંહ ભાભોરે વધુમાં જણાવ્યુ હતુ કે, આદિવાસી સમાજની આગેકૂચ માટે કેન્દ્ર અને રાજય સરકાર ની તમામ યોજનાઓ દાહોદ જિલ્લામાં અમલીત કરવામાં આવી છે. તેમણે આ પ્રસંગે જાહેરાત કરતાં જણાવ્યુ હતુ કે આગામી સમયમાં દાહોદ જિલ્લાના આદિવાસીઓને આર્થિક પીઠબળ પૂરું પાડવા પશુપાલનના વ્યવસાય અર્થે ૧૦ હજાર દૂધાળા પશુઓ માટે ₹.૫૦ કરોડની માતબર રકમ ફાળવવામાં આવશે.


રાજયના આદિજાતિ વિકાસ, વન, પ્રવાસન અને જિલ્લા પ્રભારી મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે દાહોદ જિલ્લાના વિકાસની ખુટતી સુવિધાઓને પરિપૂર્ણ કરવા સરકાર સંકલ્પબધ્ધ છે. પ્રજા સુખી અને સમૃધ્ધ બને તે દિશાના પુરતા પ્રયાસો હાથ ધરાયા છે. જેમાં શિક્ષણ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. રોજીરોટીને કારણે થતા સ્થળાંતરથી આદિવાસી સમાજના બાળકોના શિક્ષણ પર પડેલી અસરને નાબૂદ કરવા સરકારે ઠોસ પગલાંભર્યા છે. જે માટે સમાજના પશુપાલકો, ખેડૂતો અને અન્યો માટે રોજગારી અર્થે યોજનાઓ અમલમાં મૂકી છે.


શિક્ષણથી જ કાયદાઓની જાણકારી, અધિકારોની સમજ અને યોજનાઓના લાભો મેળવવાની જાગૃતતા વધે છે. આ માટે આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા વિદેશ અભ્યાસ માટે ઓછા વ્યાજની લોનની જોગવાઇ કરવામાં આવી છે. તેમજ ઉચ્ચશિક્ષણ પ્રવેશ પરીક્ષાઓ માટે કોચિંગ કલાસના કેન્દ્રો શરૂ કરરવામાં આવ્યા છે. જે માટે સરકારે ₹. ૧ કરોડની જોગવાઇ કરી છે તેમ તેમણે જણાવ્યુ હતુ.
આદિજાતિ વિકાસ મંત્રીએ જંગલની જમીન ખેડતા ૮૪ હજાર ખેડૂતોને જમીનના પટ્ટા આપવાની કામગીરી, પૈસા, કાયદાનો અમલ, ટ્રાયબલ યુનિવર્સિટીની શરૂઆત સહિતની બાબતોનો ઉલ્લેખ કરતાં જણાવ્યુ હતુ કે, દાહોદ જિલલાના પછાતપણા ના કલંકને દુર કરવા અને આદિવાસી સમાજના જીવન ધોરણને ઉચું લાવવા સરકાર પુરતા પ્રયાસો કરી રહી છે.
સમારોહના પ્રાંસગિક ઉદ્દબોધનમાં પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ વિકાસ રાજયમંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યુ હતું કે આદિવાસી ક્ષેત્રોમાં પાયાના વિકાસ હેતુ સરકારે નકકર કદમ ઉઠાવ્યા છે. છેવાડાના જરૂરિઆતમંદ માનવી સુધી યોજના ઓના લાભો પહોંચાડી વિકાસની હરણફાળમાં સામેલ કર્યા છે. લાભાર્થી પોતાને મનગમતા ક્ષેત્રમાં પગભર બને આર્થિક રીતે સમૃધ્ધ થાય તે માટે યોજનાઓના સુફળ પહોંચતા થયા છે. દાહોદ જિલ્લાનો શિક્ષણથી માંડી તમામ ક્ષેત્રોમાં વિકાસ થાય તે માટે સરકારે પ્રાધાન્ય આપ્યુ છે. તેમણે ઉપસ્થિત લાભાર્થીઓને યોજનાકીય લાભો મેળવવા બદલ આ પ્રસંગે ધન્યવાદ પાઠવ્યા હતા.
સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ૪૯૨ લાભાર્થીઓને ₹. ૫,૬૪,૯૯,૦૦૦/ ના સાધન સહાય લોન વિતરણ કરવામાં આવ્યુ હતું. વન અધિકારના ૧૦૦ લાભાર્થીઓને અધિકાર માપણી સીટ, બારીયા વન વિભાગના ૮૦ રોજમદારોને તફાવતના ચેકોનુ વિતરણ તેમજ ધો. – ૧૦ અને ધો. – ૧૨ના તેજસ્વી વિધાર્થીઓને શીલ્ડ આપી અભિવાદન કરવામાં આવ્યુ હતુ.
નવી દિલ્હીના રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ નાણા અને વિકાસ નિગમના ચેરમેન કમ મેનેજીંગ ડીરેકટર શ્રી જી.રમેશકુમારે નિગમની યોજનાઓ અને શરુ કરાયેલી વનધન યોજના તથા આદિવાસી લાભાર્થીઓને માર્કેટીંગની તાલીમ આપવાની જાણકારી આપી હતી.
આદિજાતિ વિકાસ કમિશ્નર જે.રંજીથકુમારે નિગમની યોજનાઓ અને લોન સહાય વિશે ટુંકમાં માહિતી આપી હતી.
જિલ્લા કલેકટર વિજય ખરાડીએ આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતુ. શાબ્દિક સ્વાગત ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનના કાર્યપાલક નિયામક ડી.એસ.ગઢવીએ કર્યું હતું. તથા એકલવ્ય મોડેલ રેસિડેન્સી ખરેડીના વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય કરી મહાનુભવોનું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લાપંચાયત પ્રમુખ યોગેશભાઇ પારગી, લીમખેડાના ધારાસભ્ય શૈલેશભાઇ ભાભોર, ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઇ કટારા, દાહોદ નગરપાલિકા પ્રમુખ અભિષેકભાઇ મેડા, જિલ્લા વિકાસ અધિકારી આર.કે.પટેલ, શંકરભાઇ આમલીઆર, જિલ્લા તાલુકા અને નગરપાલિકાના સદસ્યો સહિત મોટી સંખ્યામાં નાગરિકો, લાભાર્થીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહયા હતા. સમારોહની આભાર વિધિ પ્રાયોજના વહીવટદાર એન.એફ.ચૌધરીએ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here