દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાની રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનું ડો. વિક્રમ સારાભાઇ વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન – ૨૦૧૯ યોજાયું

0
344

  THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

  • બાળ વૈજ્ઞાનિકોની કૃત્તિઓ અને રજૂઆત શૈલીને મંત્રી બચુભાઇ ખાબડે બિરદાવી.
  • ભારતને વિકસીત બનાવવા વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે નિપુણતા  મેળવવા બાળ વૈજ્ઞાનિકોને મંત્રી બચુભાઇ ખાબડે કરી હાંકલ.

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાનાં મુખ્ય મથક દેવગઢ બારીયાની રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે દાહોદ જિલ્લા કક્ષાનું ડો. વિક્રમ સારાભાઇ વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન – ૨૦૧૯ નું આયોજન કરવામાં આવ્યું. શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત આ વિજ્ઞાન મેળાનું ઉદ્ધાટન રાજય કક્ષાના મંત્રી બચુભાઇ ખાબડે કરી વિજ્ઞાન મેળાને ખુલ્લો મુકયો હતો. દાહોદ જિલ્લાની ૨૩૫ શાળાઓની કુલ ૨૯૪ કૃત્તિઓમાંથી અંતિમ પસંદ થયેલી ૨૫ શ્રેષ્ઠ કૃત્તિઓનું અહીં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં ૫૦ બાળ વૈજ્ઞાનિકોએ તેમના ૨૫ માર્ગદર્શક શિક્ષકો સાથે ભાગ લીધો હતો.

આ વિજ્ઞાન પ્રદર્શન વેળાએ બાળ વૈજ્ઞાનિકોને સંબોધતા મંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે નવી સદી વિજ્ઞાનની સદી છે, આપણા દેશને દુનિયામાં સૌથી આગળ લાવવો હશે તો વિજ્ઞાન-ટેકનોલોજી ક્ષેત્રે આપણે અવ્વલ રહેવું પડશે. આજના યુવાને પગભર થવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં નિષ્ણાંત બનવું પડશે. કૃષિકારો પણ વૈજ્ઞાનિક રીતે ખેતી કરશે તો જ સમૃધ્ધ થશે. આપણા દેશના વૈજ્ઞાનિકો આખી દુનિયામાં ભારતનું નામ રોશન કરી રહયા છે, ત્યારે અહીંના બાળ વૈજ્ઞાનિકો અવશ્ય એક નવા ભારતનું નિર્માણ કરશે તેવું તેમની કૃત્તિઓ જોતા લાગી રહયું છે. વિજ્ઞાન પ્રદર્શનથી બાળકોના વૈજ્ઞાનિક અભિગમ ખીલે અને વૈજ્ઞાનિક માનસનું નિર્માણ થાય તેવો શુભ આશય રહેલો છે. વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તે માટે શિક્ષકે તેનું હીર પરખવું રહયું. બાળકોમાં વૈજ્ઞાનિક સમજ પેદા થાય તે માટે શિક્ષકોએ વિશેષ પરીશ્રમ કરવો પડશે. આ પ્રસંગે મંત્રી બચુભાઇ ખાબડે ડો. વિક્રમ સારાભાઇ અને ડો. અબ્દુલ કલામને યાદ કર્યા હતા અને ભારત દેશના વિજ્ઞાન ક્ષેત્રે થઇ રહેલી હરળફાળમાં તેમના પ્રદાન વિશે વાત કરી હતી. તેમણે બાળ વૈજ્ઞાનિકોની કૃત્તિઓને બિરદાવી હતી અને તેમને ભારતના મહાન વૈજ્ઞાનિકોની જેવી ઊંચાઇ હાંસલ કરવા જણાવ્યું હતું.

જિલ્લાના શિક્ષણાધિકારી એ.બી.પ્રજાપતિએ ઉપસ્થિત બાળવૈજ્ઞાનિકો અને શિક્ષકોને સંબોધતા જણાવ્યું હતું કે શિક્ષકોએ બાળકોમાં વિજ્ઞાનની રૂચી કેળવવી જોઇએ અને નવા નવા વિચારો રોપવા જોઇએ. આ બાળ વૈજ્ઞાનિકો જ ભારતમાં વિજ્ઞાન ક્ષેત્રે સૂર્વણ યુગ લાવશે. આ પ્રસંગે દેવગઢ બારીઆના પૂર્વ ધારાસભ્ય મહારાજા તુષારસિંહજી પણ ઉપસ્થિત રહ્યા હતા અને બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા. વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન ૨૦૧૯ માં બાળ વૈજ્ઞાનિકોએ કુલ પાંચ વિષયો પર અલગ અલગ કૃત્તિઓ રજુ કરી હતી. જેમાં ટકાઉ કૃષિ પધ્ધતિઓ, સ્વચ્છતા અને સ્વાસ્થય, સંસાધન અને વ્યવસ્થાપન, ઔધોગિક વિકાસ, ભવિષ્યમાં પરિવહન, પ્રત્યાયન અને ગાણિતિક મોડેલનો સમાવેશ થાય છે. બાળ વૈજ્ઞાનિકોએ પોતાની કૃત્તિઓના પ્રદર્શન અને રજૂઆતથી ઉપસ્થિત મહાનુભાવોને પ્રભાવિત કર્યા હતા. જિલ્લા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં દેવગઢ બારીયાના પ્રાંત અધિકારી એ.આઇ.સુથાર, રત્નદીપ ઈન્ટરનેશનલ સ્કૂલના સંચાલક ધર્મેશ કલાલ અને શાળાના આચાર્યા શ્રીમતી અલકાબેન અને શ્રીમતી શ્વેતાબેન ઉપરાંત વિવિધ શાળાના માર્ગદર્શક શિક્ષકો, બાળ વૈજ્ઞાનિકો અને વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here