દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં ફરીથી લોકડાઉન થવાની અફવાએ જોર પકડતાં તમાકુ બનાવટના ભાવમાં વધારો

0
36
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં ફરીથી લોકડાઉન થવાની અફવાને લઈ તમાકુ બનાવટોના વેચાણ પર ફરી પ્રતિબંધ લાગશે, તેવી અટકળોને લઈને જથ્થાબંધ વેપારીઓએ માલનો સંગ્રહ કરી ભાવમાં વધારો કરતા પાન, બીડી, મસાલાના શોખીન લોકોને ફરી મોંઘા ભાવે ખરીદવાનો વારો આવ્યો છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા સંજેલી ખાતે આવેલી તમાકુ બનાવટની દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવે તેવી જાગૃત લોકોની માંગ ઉઠવા પામી છે.
કોરોના વાયરસને કારણે દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. જ્યારે તમાકુ બનાવટના વેચાણ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જેના કારણે તમાકુના ભાવમાં ચાર થી પાંચ ગણો વધારો થયો હતો અને રૂપિયા પ/- ની વસ્તુ રૂપિયા ૨પ/- માં પણ વેચાવા લાગી હતી. હાલ અનલોક કરાતાં તમાકુ બનાવટના વેચાણને પણ છૂટ આપવામાં આવી છે. જેના કારણે રેગ્યુલર ભાવે વેચાણ શરૂ થયું હતું પરંતુ અચાનક બે દિવસ પહેલાં રાજસ્થાન બોર્ડરને સીલ કરાતા ગુજરાતમાં પણ ફરી ૧૫ તારીખ બાદ ફરીથી લોકડાઉન થવાની અફવાને લઈ બજાર ગરમ થતાં તમાકુ બનાવટના વેપારીઓ દ્વારા જથ્થાનો સ્ટોક કરવા માટે વેચાણ બંધ કરી દેતા પાન, બીડી, તમાકુ મસાલાના શોખીન લોકોને ફરી મોંઘા ભાવે ખરીદવાનો વારો આવ્યો છે. ત્યારે બે દિવસ પહેલા ફતેપુરામાં તમાકુ બનાવટમાં વધુ ભાવથી વેચાણ કરતા હોવાને લઇ ચાર દુકાનોને પણ જિલ્લા કલેક્ટરના આદેશથી સીલ કરવામાં આવી છે. ત્યારે સંજેલી તાલુકામાં પણ બીડી, સિગારેટ, વિમલ, ગુટકા, તમાકુની બનાવટમાં મન ફાવે તેવા ભાવ વસૂલતા વેપારીઓને નિયંત્રણમાં રાખવા વહીવટી તંત્ર દ્વારા દુકાનોમાં ઓચિંતી તપાસ કરવામાં આવે. તેવી પાન, ગુટકા, બીડી, વિમલ, તમાકુના શોખીન લોકોની માંગ ઉઠવા પામી છે. એક તરફ લોકોને ધંધા રોજગાર મળવા પણ મુશ્કેલ બન્યા છે ત્યારે બીજી તરફ પાન, બીડી, મસાલા, તમાકુના વેપારીઓ દ્વારા ખુલ્લેઆમ ઉઘાડી લૂંટ ચલાવતા વેપારીઓ સામે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક જરૂરી પગલાં લેવામાં આવે તે જરૂરી છે.
બીડી, વિમલ, સિગારેટના જથ્થાબંધ વેપારીઓ સવારમાં એક બે કલાક જ માત્ર નામ પુરતો જ માલ જથ્થો વેચે છે અને ત્યારબાદ માલ ખલાસ થઈ ગયો કહી પાછલા દરવાજે કાળા બજારના ભાવે વેચાણ શરૂ કરી દેવામાં આવે છે. હાલ પણ સંજેલી તાલુકામાં રૂપિયા પ/- ની વિમલ રૂપિયા ૧૦/- ના ભાવે રૂપિયા ૧૦/- ની બીડી રૂપિયા ૧૫/- માં ખુલ્લેઆમ બજારમાં વેચાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here