
બાયપાસ રોડ પર અનેક વખત ગાડી ઘૂચી જવાના બનાવ બનતા હોય છે. સીંગવડ, મોરવાહડફ તથા સંજેલી તાલુકાની ગ્રામીણ પ્રજા પરેશાન.
દાહોદ જિલ્લાના સંજેલી બાયપાસ પરથી પસાર થતો સીંગવડ, પીપલોદ, મોરવાહડફ, ગોધરા, ઝાલોદ, દાહોદ તરફ પસાર થતો સરપંચના ઘરથી શિગવડ ચોકડી સુધી ઠેર ઠેર ઢીચણ સમા ખાડા પડી જતાં ભારે વાહનો ખાડામાં ફસાઈ જવાના બનાવો બનતા હોય છે. ત્યારે ફોરવ્હીલ વાહનોને માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. છતાં પણ બાંધકામ શાખાના સત્તાવાળા આ માર્ગના ખાડાઓ પૂરવા કે મરામત કરાવવા કાર્યવાહી કરતા નથી. જેથી ઉંઘતા તંત્ર સામે ભારે લોકરોષ ફેલાયો છે.
સંજેલી ભાણપુર ચોકડીથી સુલિયાત, મોરવાહડફ, ગોધરા, સીંગવડ, પીપલોદ તરફના બાયપાસ રોડ પર ઠેર ઠેર મસમોટા ખાડા તેમજ ઢીંચણ સમા ખાડા પડી જતાં અવારનવાર ભારે વાહનો ખૂંચી જવાના બનાવો બનવા પામ્યા છે. ત્યારે નાના ફોર વ્હિલ જેવા વાહનોને આ માર્ગ પરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. સંજેલીના મુખ્ય બાયપાસ રસ્તો હોવાથી મોટા ભાગે આ માર્ગનો ઉપયોગ વધુ થતો હોય છે. સિંગવડ, મોરવાહડફ, ઝાલોદ સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારની પ્રજાને દરરોજ આ માર્ગ પરથી પ્રસાર થતા હોય છે. ટ્રાફિકથી ભરપૂર આ માર્ગની યોગ્ય મરામત તથા ધોવાઈ ગયેલા માર્ગની ઢીચણ સમા ખાડા તેમજ બંને સાઇટો ભરવા સહિતની માર્ગ મરામતની કામગીરી વિના વિલંબે કરી માર્ગમાં થતા નાના મોટા અકસ્માતોનું નિવારણ લાવવા વાહનચાલકોની તેમજ સ્થાનિક લોકોની પ્રબળ લોકમાંગ ઉઠી છે.
આઇ.ટી.આઇ. ના ઉદ્ઘાટન માટે મંત્રી આવતા હોવાનું જાણ થતાં જ ભંગાર તૂટેલા માર્ગ પર વહીવટી તંત્ર દ્વારા મલમ પટ્ટા કરવામાં આવ્યા હતા. પરંતુ હલકું મટિરિયલ વાપરી નામ પૂરતો જ મંત્રી અને અધિકારીઓને ખુશ રાખવા ખાડા પુરવામાં આવ્યા હોય તેમ હજુ તો ચોમાસાનો વરસાદ મન મૂકીને ખાબકે તે પહેલાં જ મલમ પટ્ટા ઉખડી જતાં ફરી ઢીચણ સમા ખાડા પડી જવાથી અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.