દાહોદ જિલ્લામાં ખીલશે ઉદ્યોગ ધંધાની મૌસમ ૧૬૬ લાભાર્થીઓને રૂ. ૩.૨૨ કરોડની લોન : સાંસદ જસવંતસિંહ ભાભોરની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો મેગા ક્રેડિટ કેમ્પ

0
132

દાહોદ જિલ્લાના મહાત્વાકાંક્ષી યુવાઓ ધંધા રોજગાર સ્થાપી સ્વરોજગાર મેળવી શકે તે માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, દાહોદ ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોરની પ્રેરક ઉપસ્થિતિમાં મેગા ક્રેડિટ કેમ્પ યોજાયો હતો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં ૧૬૬ લાભાર્થીઓને રૂ. ૩ કરોડ ૨૨ લાખની લોન સહાય આપવામાં આવી છે.
જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોરે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું કે દાહોદ જિલ્લામાં મહાત્વાકાંક્ષી જિલ્લા તરીકે ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે. કલેક્ટર વિજય ખરાડીની આંગેવાનીમાં જિલ્લા તંત્ર દ્વારા વિકાસ કામો સરસ રીતે કરવામાં આવી રહ્યા છે તેમની કામગીરીને બિરદાવતા કેન્દ્ર સરકાર દ્વારા પણ જિલ્લાના વિકાસ માટે રૂ. ૫ કરોડ ફાળવવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી હંમેશા દાહોદ જિલ્લાના વિકાસ માટે વિચારતા રહ્યા છે અને દેશના મહાત્વાંકાક્ષી જિલ્લાઓની સૂચીમાં દાહોદ જિલ્લાનો સમાવેશ કર્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં ૭ હજાર કરોડથી પણ વધુની રકમ દાહોદ જિલ્લાના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવી છે. સરકારની સહાય પણ લાભાર્થીઓના બેન્ક ખાતામાં જમા થતી હોય પારદર્શકતા વધી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ દાહોદ જિલ્લાના વિકાસ માટે, શિક્ષણ, આરોગ્ય, રોજગાર જેવી બાબતો માટે વિશેષ રસ દાખવે છે અને જિલ્લાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે.

ઉપસ્થિત લાભાર્થીઓને સંબોધતા સાંસદ જશવંતસિંહ ભાભોરએ જણાવ્યું કે દરેક લાભાર્થીએ મળેલી લોનનો સદ્ઉપયોગ કરવાનો છે અને સમયસર લોનના હપ્તા પણ ચૂકવવાના છે. સૌ કોઇને નોકરી મળતી નથી, પરંતુ જે લોકો ઉદ્યોગ ધંધા સ્થાપે છે તેઓ સ્વરોજગારી સાથે અન્ય લોકોને પણ રોજગારીની તક આપે છે. જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ દરેક લાભાર્થીને અભિનંદન આપ્યા હતા અને લોન મેળાનો ઉદ્દેશ સમજાવ્યો હતો. તેમણે લાભાર્થીઓને પણ જવાબદાર બની લોનની રકમ ભરપાઇ કરવા અને ઉદ્યોગ ધંધાનો વિકાસ કરી જિલ્લાને આગળ લાવવા હાંકલ કરી હતી.
કાર્યક્રમમાં મહાનુભાવોનું સ્વાગત પ્રવચન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સી.બી. બલાતે કર્યુ હતું. કાર્યક્રમની આભારવિધી લીડ બેંકના ડિસ્ટ્રીટક મેનેજર રજનીકાંત મુનીયાએ કરી હતી. લોન મેળાના લાભાર્થીઓએ મંડપ ડેકોરેશન, આર.ઓ. પ્લાન્ટ, ઈલેકટ્રોનીક બોર્ડ બનાવવાનો ઉદ્યોગ, કરીયાણાનો વેપાર, ઓટો રીક્ષા, દૂધાળા પશુ જેવા વિવિધ ઉદ્યોગ ધંધા માટે લોન મેળવી છે. આ મેગા ક્રેડિટ કેમ્પમાં ૬૮ સ્વ-સહાય જુથોને ૮૬ લાખ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દાહોદના ૬૭ લાભાર્થીને ૧૮૯ લાખ અને ૩૧ મુદ્વા લોનના લાભાર્થીઓએ ૪૭ લાખ રૂપીયાની લોન સહાયના ચેક આપવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદ જિલ્લામાં ૮૧ રાષ્ટ્રીયકૃત, ૧૫ સહકારી અને ૧૯ ખાનગી બેન્કોની શાખાઓ કાર્યરત છે. જેમાં કુલ જમા રકમ ૪૨૭૭ કરોડ અને ધિરાણ ૧૭૩૩ કરોડ કરવામાં આવ્યું છે, કુલ ખેતીવિષયક ધિરાણ ૬૬૯ કરોડ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here