દાહોદ તાલુકાના સરહદી સાલાપાડા ગામના વનવિસ્તારનો ચેકડેમ આસપાસના ગામો માટે આશિર્વાદ સમાન

0
94

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS ( HONDA ) 

  • દાહોદ જિલ્લામાં વનવિભાગની સરાહનીય કામગીરી
  • ગ્રામજનો સહિત વન્યજીવોને પાણીની બારેમાસ ઉપલબ્ધિ
  • પ્રકૃત્તિપ્રેમી પ્રવાસીઓ માટે એક નવું ‘ડેસ્ટીનેશન’ 

દાહોદ તાલુકાના સરહદી ગામ સાલાપાડા ગામના વન વિસ્તારમાં વન વિભાગ દ્વારા ચેકડેમની સરાહનીય કામગીરી કરવામાં આવી છે. દાહોદ તાલુકાના સાલાપાડા, આમલીપાણી સહિત મધ્યપ્રદેશના દિમારા ગામની પાણીની સમસ્યા હલ થઇ છે. જમીનનું ધોવાણ અટકયું છે સાથે પાણીના તળ ઉંચા આવ્યા હોવાથી આ વિસ્તારનાં મુખ્ય વ્યવસાય ખેતીને ખૂબ મોટો લાભ થયો છે. આ ઉપરાંત અહીંના વન વિસ્તારમાં વસતા ઝરખ, નીલગાય, જંગલી ભૂંડ, સસલા, શીયાળ અને તરેહવારના પક્ષીઓ માટે પણ બારેમાસ પાણીનો સ્ત્રોત ઊભો થયો છે.
બે ડુંગરોને જોડતા ચેકડેમના કારણે અહીંના વનશ્રીની શોભામાં અભિવૃધ્ધિ થઇ છે. ખાસ કરીને પ્રકૃત્તિપ્રેમીઓ માટે એક નવું ‘ડેસ્ટીનેશન’ ઉભું થયું છે. બર્ડવોચના રસીકોને અને સામન્ય જનને શાંતા આપે તેવું આ સ્થળ ચેકડેમથી વધુ આકર્ષક બન્યું છે. અગાઉ દસેક વર્ષ પહેલા સાલાપાડા ગામથી લગભગ ચારેક કિલોમિટર જેટલા દૂર વન વિસ્તારમાં વન વિભાગ દ્વારા ચેકડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ ઓછી ઉંચાઇના કારણે તેમા પાણી સંગ્રહશક્તિ ઓછી હોવાથી ખાસ કરીને ઉનાળામાં પાણીનો નહિવત સંગ્રહ થતો હતો. તેમજ લીકેજના કારણે પાણી વહીને વેડફાઇ જતું હતું. ચાલુ વર્ષે વન વિભાગે આ ચેકડેમની કાર્યવાહી હાથ ધરી. ચેકડેમની એક મીટર ઉંચાઇ વધારી પાંચ મીટર જેટલી કરી. બે મીટર જેટલી માટી કાઢી ચેકડેમને ઉંડો કર્યો. જેનાથી આ ચેકડેમમાં જળસંગ્રહશક્તિ ૧૪ કરોડ લીટર જેટલી થવા પામી છે.
સાલાપાડાના સરપંચ વસનાભાઇ જણાવે છે કે આ ચેકડેમ ફકત ગ્રામજનોને જ નહિ પરંતુ અહીંના જંગલ વિસ્તાર અને જંગલમાં વસતા પ્રાણીઓ માટે આશિર્વાદરૂપ બન્યો છે. વન વિભાગે ખૂબ જ ઉમદા કામગીરી કરી છે. મોટા ભાગે ડુંગરાળ પ્રદેશમાં ચોમાસાનું પાણી વહી જતું હોય છે. આ ચેકડેમથી પાણીનો મસમોટો જથ્થો અહીં વસતા દરેક જીવોને બારે મહિના મળી રહેશે. હાલની ચોમાસાની ઋતુમાં વર્ષારાણીએ અહીંની ડુંગરમાળાને હરીયાળીથી ભરી દીધી છે. તો પક્ષીઓના ચહચહાટે વાતાવરણને ધબકતું કર્યું છે. સાથે ડુંગરોની ખોળે વસેલા આદિવાસી ખેડૂતોના વાવણી અને નિંદામણ કાર્યથી આખો વિસ્તાર જિવંત બન્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here