દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદની નગર પાલિકા ના પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા જનતાને જાહેર અપીલ કરવામાં આવી છે કે તા.૨૦/૦૭/૨૦૨૦ સોમવારના રોજ થી તા.૦૧/૦૮/૨૦૨૦ શનિવાર સુધી સ્વૈચ્છિક લોકડાઉન અને જનતા કરફ્યુનો અમલ કરવા જાહેર અપીલ કરવામાં આવી છે.
વધુમાં આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા કેટલા મહિના ઓથી શરૂ થયેલી કોરોના મહામારી તેનો વિકરાળ પંજો વધુને વધુ વિસ્તારોમાં ફેલાવો કરી રહ્યો છે. સમગ્ર વિશ્વ આ મહામારી સામે ઝઝૂમી રહ્યું છે, પણ આ માનવભક્ષી કોરોના વાયરસ અટકવાનું નામ લેતો નથી, કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા જે તે સમયે આ મહામારીને નાથવાં લોકડાઉન જેવા કડક પગલાં લેવાયા હતા, પરંતુ બીજી અનેક સમસ્યાઓ પણ ઊભી થતી હોવાથી સરકારે અનલોક જાહેર કર્યું.
સરકારના અનલોક – ૨ ની જાહેરાત પછી આ મહામારીએ અકલ્પ્ય રીતે આપણા નગરને અને જિલ્લાને ભરડામાં લીધો છે. દિન-પ્રતિદિન કોરોના સંક્રમીતોની સંખ્યા અને તેના કારણે જાન ગુમાવનારની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતો જાય છે.
આ સ્થિતિમાં નગર પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા સૌ વેપારી સંકુલ, આર્થિક સંસ્થાનો, ઉદ્યોગ કેન્દ્ર, ધાર્મિક સંગઠનો, વેપારી મહાજન, વિવિધ વેપારી સંગઠનના અગ્રણીઓને નમ્ર અપીલ કરવામાં આવી છે કે આ સંક્રમણને વધતું અટકાવવા આપણે સૌ સાથે મળીને સઘન પ્રયાસો કરવા પડશે માટે સૌ શહેરીજનો ને પોતાના ધંધા-રોજગાર પણ બંધ રાખવા દાહોદ નગર પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી છે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાનું જો આપણે ચુકી જઈશું તો પાછળથી પસ્તાવાનો વારો આવશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું સૂત્ર યાદ રાખીએ ‘જાન હે તો જહાન હૈ” બીજી એક ખાસ નોંધ એ લેવાની કે દૂધ તથા શાકભાજી સવારના ૧૧:૦૦ સુધી તથા મેડીકલ સ્ટોર સવારના ૦૯:૦૦ વાગ્યાથી બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધી ચાલુ રાખવા જરૂરી સૂચન કરેલ છે.