દાહોદ નગર સેવા સદન દ્વારા “મહિલા સશક્તિકરણ પખવાડિયા”ની ઉજવણી અંતર્ગત “મહિલા નેતૃત્વ દિવસ” ધૂમધામથી ઉજવાયો

0
393

 

 

 

દાહોદ નગર સેવા સદન દ્વારા “મહિલા સશક્તિકરણ પખવાડિયા” ની ઉજવણીના ભાગ રૂપે મહિલા નેતૃત્વ દિવસ ભાજપા મહિલા પ્રમુખ અને નગર સેવા સદન કોર્પોરેટર શ્રીમતી રીનાબેન પંચાલના અધ્યક્ષસ્થાને નગર સેવા સદનના સભાખંડ ખાતે ઉજવાયો હતો.
અધ્યક્ષસ્થાનેથી શ્રીમતી રીનાબેન પંચાલે રાજ્ય સરકાર દ્વારા માત્ર મહિલાઓ માટે ઉજવાતા મહિલા પખવાડિયાની ઉજવણીનો મૂળભૂત હેતુ સમજાવતા જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજય સરકાર મહિલાઓના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ છે. મહિલા પુરૂષની સમોવડી બની શકે છે. તેના જુદા જુદા ઉદાહરણો ટાંકતા મહિલાઓમાં અખૂટ શક્તિઓ પડેલી છે. તેને બહાર લાવવા કોઇપણ જાતનો ડર રાખ્યા વગર મર્યાદામાં રહીને પ્રયાસો હાથ ધરવા સાથે નિડરતા પૂર્વક કોઇપણ ક્ષેત્રમાં નેતૃત્વ માટે મહિલાએ હિંમત કેળવવી પડશે. તો જ આ ઉજવણીનો હેતુ સાર્થક થયો ગણાશે તેમ જણાવતાં મહિલાઓને નેતૃત્વ માટે પ્રોત્સાહિત કરી હતી.
દાહોદના મહિલા અગ્રણી શ્રીમતી રંજનબેન ભૈયાએ મહિલા નેતૃત્વ ઉપર સરળ ભાષામાં વક્તવ્ય આપ્યું હતું.
દાહોદ નગર સેવા સદન સદસ્યા શ્રીમતી લતા બેન સોલંકીએ નગરમાં વસતી ગરીબ, આદિવાસી, પછાત મહિલાઓને શિક્ષણ લેવા સહિત નેતૃત્વ માટે સમજ આપી હતી.
દાહોદ નગરપાલિકાના પ્રોજેક્ટ મેનેજર શ્રીમતી શેતલબેને ગોરે નગર પાલિકામાં ચાલતી દીનદયાલ અંત્યોદય – રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાની વિગતો પુરી પાડી હતી.
મહિલા કોન્સ્ટેબલ શ્રીમતી દક્ષાબેને મહિલા નેતૃત્વની સમજ આપતાં સરકારશ્રીની યોજનાઓ વિશે અને મહિલા સુરક્ષા માટે મહિલા હેલ્પ લાઈન ૧૮૧ વિશે માર્ગદર્શન, નારી સંરક્ષણ અને બાળ અદાલત અંગેનું માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્મમાં નગર સેવા સદન સદસ્યા શ્રીમતી લતાબેન સોલંકી, સદસ્યા શ્રીમતી કલ્પનાબેન તથા નગરની મહિલાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here