ધાનપુર તાલુકાના રતનમહાલના દુર્ગમ ગામોમાં વનવાસીઓ સુધી વીજળી પહોંચતા ખુશીની રોશની છવાઈ ગઈ

0
312

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

વીજળી શક્તિ સ્વરૂપ છે. માનવ જાતિને વીજળી મળ્યા બાદ અનેક સહુલિયત રૂપે શક્તિ મળી છે. ખાસ કરીને દૂરદરાજના વિસ્તારોમાં વીજળી પહોંચ્યા બાદ માત્ર રાત્રીના પ્રકાશની જ સુવિધા જ નહીં, પણ ખુશીઓને નવું સરનામું મળ્યું છે. આ વાતના સાક્ષી બની રહ્યા છે, દાહોદ જિલ્લાના દુર્ગમ વિસ્તારમાં આવેલા ગામો. રતનમહાલનો પર્વત એવો વિસ્તાર છે, જ્યાં વાહનો પણ માંડ પહોંચી શકે છે, ત્યાં આજે વીજળી પહોંચી જતાં વનવાસીઓના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે.

છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચતા કરવાના રાજ્ય સરકારનો મૂળમંત્ર સાકાર કરતી આ વાત આદિવાસીઓની મુશ્કેલીઓની સુખદ નિરાકરણની સાક્ષી પૂરે છે. દાહોદ જિલ્લા માં ધાનપુર તાલુકામાં આવેલા રતનમહાલ અભયારણ્ય પ્રાકૃતિ સંપદાથી ભરપૂર છે. વનશ્રી પ્રવાસીઓની આકર્ષે છે. અહીંના જંગલમાં વસતા રીંછ જૈવિક સંપતિનું અણમોલ ઘરેણું છે. રતનમહાલના પર્વત ઉપર પણ પાંચ ગામો પૈકી ત્રણ ગામોમાં વનવાસીઓ વસવાટ કરે છે.

રતનમહાલ ઉપર આવેલા પીપરગોટા, અલિન્દ્રા અને ભૂવેરો ગામમાં વનવાસીઓ આજીવિકા માટે વિવિધ ખેતી સહિતની વિવિધ પ્રવૃત્તિ કરે છે. આરક્ષિત વન વિસ્તાર હોવાથી અહીં પહોંચવા માટે વન વિભાગની મંજૂરી લેવી પડે છે. વાહન લઇને તમે પીપરગોટા સુધી પહોંચી શકાય છે. પણ, અલિન્દ્રા અને ભૂવેરો જવા માટે તો પગપાળા જવું પડે ! હવે વિચાર કરો કે અહીં વીજળી કેવી રીતે પહોંચી હશે ?

THIS NEWS IS POWERED BY –– PHONEWALE

વર્ષ ૨૦૧૦માં તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વનવાસીઓની આ સમસ્યા ધ્યાને લીધી અને મધ્ય ગુજરાત વીજ કંપનીને વનવાસીઓના ઘર સુધી ઇલેક્ટ્રસિટી પહોંચાડવા જણાવ્યું. આમ શરૂ થયું વનવાસીઓના જીવનમાં પ્રકાશ પાથરવાનું રાજ્ય સરકારનું અભિયાન. સાદી સમજ આપવામાં આવે તો સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના જાફરાબાદથી શિયાળબેટ સુધી વીજલાઇન નાખવાની કામગીરી જેટલી કપરી હતી, એટલી જ અઘરી કામગીરી કંજેટાથી પીપરગોટા સુધીની પાંચેક કિલોમિટરની લાઇન નાખવાની હતી. રતનમહાલની તળેટી સુધી તો સરળતાથી વીજલાઇન આવી ગઇ. ત્યાંથી વન વિસ્તારમાં અને એ પણ પર્વત ઉપર અંડરગ્રાઉન્ડ લાઇન નાખવાની હતી. વર્ષ ૨૦૧૦માં સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ એમજીવીસીએલ દ્વારા અહીં અન્ડર ગ્રાઉન્ડ વીજલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી. અહીં ભૌગોલિક પડકારોની વચ્ચે કેબલ પાથરવામાં આવ્યો અને પીપરગોટા સુધી વીજળી પહોંચી. અલિન્દ્રા અને ભૂવેરો સુધી પોલ લઇ જવાનું કામ દુષ્કર હતું. પણ, આ કામ કરવામાં આવ્યું.

વર્ષ ૨૦૧૩ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવી અને આ ગામોમાં રોશની પહોંચી. વીજળી મળવાના કારણે ગ્રામજીવન માં કેવા પરિવર્તન આવ્યા ? એ પીપરગોટા ગામના સવિતાબેન બકુલભાઇ વાંખળાના શબ્દોમાં જાણીએ. તે કહે છે, લગ્ન બાદ ૧૯૯૯માં પીપરગોટા આવી ત્યારે અહીં વીજળી નહોતી. બધુ જ કામ દિવસ આથમે ત્યા સુધીમાં પૂર્ણ કરી લેવું પડતું હતું. રાત્રીના સમયે બહાર નીકળવું હોય તો મશાલ સળગાવી બહાર જવાનું. મશાલમાં અગ્નિપૂર્ણ થાય તે પહેલા ઘરે આવી જવું પડે. લોટ દળાવવા કે બીજા નાના મોટા કામો માટે પર્વત નીચે ઉતરી કંજેટા જવું પડતું હતું. રાતે બાળકો અભ્યાસ પણ કરી શકતા નહોતા. રાત્રે પંખા નહોતા એટલે મચ્છર કરડી ખાય, એવી હતી જિંદગી. ટીવી એટલે શું એ ખબર નહોતી. એવામાં વીજળી આવતા ભારે સરળતા થઇ ગઇ છે. એક રસપ્રદ વાત એ છે કે રતનમહાલના આ ત્રણ ગામોમાં માત્ર એક જ ઔદ્યોગિક વીજજોડાણ છે અને તે સવિતાબેન ધરાવે છે. તે પીપરગોટામાં અનાજ દળવાની ઘંટી ચલાવે છે. અનાજ દળાવવા માટે ત્રણેય ગામના લોકો તેમને ત્યાં જ આવે છે. આ પહેલા તળેટીમાં કંજેટા ખાતે જવું પડતું હતું. ઘંટીના કારણે સવિતાબેન મહિને પાંચ થી છ હજાર રૂપિયા કમાઇ લે છે. સવિતાબેને ધોરણ ૧૨ સુધી અભ્યાસ કર્યો છે. તે પોતાના સંતાનોને સારી રીતે અભ્યાસ કરાવી રહ્યા છે. એક પુત્રી બીએસસી નર્સિંગનો અભ્યાસ કરી રહી છે. જ્યારે, પુત્રએ તાજેતરમાં ધોરણ ૧૦ની પરીક્ષા ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરી છે. સવિતાબેન પોતાના સંતાનોના સારા અભ્યાસ માટેનું એક કારણ વીજળી માને છે.

આવી જ વાત સગનીબેન વાખળા નામના એક વૃદ્ધા પણ કરે છે. તે કહે છે, વીજળી આવતા અમારા ઘરમાં પ્રકાશ આવ્યો છે. દિવા અને મશાલથી મુક્તિ મળી છે. મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા પીપરગોટામાં ૮૭, ભૂવેરોમાં ૭૬ અને અલિન્દ્રામાં ૫૦થી વધુ કનેક્શન આપવામાં આવ્યા છે. અહીં કામ કરતા લાઇનમેન દિનેશભાઇ પરમાર કહે છે – શરૂઆતમાં તબક્કામાં પાણી ભરાવાના કારણે વીજલાઇનમાં સમયાંતરે સર્જાતા ફોલ્ટનું અમે તુરંત નિકાલ લાવી દેતા હતા. હજુ પણ અમે અલિન્દ્રા કે અન્ય ગામોમાં જ્યારે જ્યારે ફોલ્ટ સર્જાય ત્યારે ત્યાં ચાલીને જઇએ છીએ અને રિપેરિંગ કામ કરીએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here