ધાનપુર તાલુકામાં અંદાજીત ૨૦ કરોડ ખર્ચના વિવિધ ૧૨ વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરતા – ગ્રામ વિકાસ, પશુપાલન રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ

0
436
કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબ, આદિવાસી, બક્ષીપંચ, ખેડૂતો, પશુપાલકોના સર્વાંગી વિકાસ માટે કટિબધ્ધ છે. – ગ્રામ વિકાસ – પશુપાલન રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં અંદાજીત રૂા.૨૦ કરોડના ખર્ચે ૧૨ જેટલા કામોનું લોકાર્પણ ખાતમુર્હૂત : રાજ્યના ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ, પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડના હસ્તે જુદા જુદા ગામોએ કરવામાં આવ્યુ હતુ. ઉંડાણ વિસ્તાર એવા સજોઇ ખાતે ૧૩૭ લાખના ખર્ચે નિર્માણ પામનાર રસ્તાના કામનું શ્રીફળ વધેરી ખાતમુર્હૂત કરતાં રાજ્યના ગ્રામ વિકાસ અને પશુપાલન રાજ્ય મંત્રીશ્રી બચુભાઇ ખાબડે જણાવ્યુ હતુ કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબ, આદિવાસી, બક્ષીપંચ, ખેડૂતો, પશુપાલકોના સર્વાંગી વિકાસ માટે કટિબધ્ધ છે. દેશના વડાપ્રધાને ખેડૂતો માટે પ્રધાન મંત્રી સમ્માન નિધિ યોજના, ગરીબ લોકોના આરોગ્ય માટે આયુષ્યમાન ભારત યોજના, ઉજ્જલ્લા યોજના, વિજળી બીલ માફી યોજના વગેરે કરવા સાથે રાજ્ય સરકારે વનબંધુ કલ્યાણ યોજના થકી ધાનપુર જેવા ડુંગરાળ જંગલ વિસ્તારની કાયા પલટ કરી નાખી છે.
દેશના વડા પ્રધાન અને રાજ્યના મુખ્ય મંત્રીશ્રી ૨૦૨૨ સુધીમાં એક પણ ગરીબ વ્યક્તિ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પાકા આવાસથી વંચિત ન રહે તે માટે કટિબધ્ધ છે. ૧૧૦૦/- કરોડની કડાણા આધારિત સિંચાઇ યોજનાનું ૮૦ ટકા કામ પૂર્ણ થવા આવ્યું છે. જેના થકી પાટા ડુંગરી, અદલવાડા ડેમ, વાંકલેશ્વર ડેમ, આંબલી મેનપુર તળાવ સહિત જિલ્લાના તળાવો અને ચેકડેમોમાં પાઇપલાઇન દ્વારા પાણી ભરવામાં આવશે. આ યોજના થકી ખેડૂત બારેમાસ ખેતી કરી શકશે. સ્થળાંત્તર જેવી સમસ્યા હલ થશે. નર્મદા આધારિત હાંફેશ્વર યોજનાનું ૮૦ ટકા કામ પૂર્ણ થયેલ છે. જેના થકી જિલ્લાની જનતાને શુધ્ધ પીવાનું પાણી ઘર બેઠાં મળશે. ત્યારે આવનારો સમય વિકાસ માટેનો છે. આ વિકાસ યાત્રામાં સૌને જોડાવા શ્રી ખાબડે આહ્વાન કર્યુ હતુ. આ પ્રસંગે રાજ્ય મંત્રીશ્રી બચુભાઇ ખાબડે સીંગાવલી રસ્તા, સજોઇ કાલીયા વડ નવિન રસ્તો, બેડાત નવિન રસ્તો, નાકટી નવિન રસ્તો, રામપુર મોઢવા નવિન રસ્તો, બોઘડવા ચેકડેમ, નાન સલાઇ ચેકડેમ, પીપરીયા પાણી પુરવઠા યોજના, ઘડા ચેકડેમ, વેડ રોડ, વેડ ચેકડેમના કામનું ખાતમુર્હૂત અને ઝાબુ પશુપાલનના દવાખાનાનું લોકાર્પણ મળી કુલ ૨૦ કરોડના ૧૨ કામોનું એક દિવસમાં ખાતમુર્હૂત – લોકાર્પણ કર્યુ હતુ.
આ કાર્યક્રમમાં ધાનપુર તાલુકા પંચાયત પ્રમુખ પ્રદિપસિંહ મોહનીયા, મામલતદાર રાઠવા, જિલ્લા ભાજપા મહામંત્રી સરદારસિંહભાઇ, જિલ્લા ભાજપા મોર્ચાના યુવા ગોપસિંહભાઇ પટેલ, અગ્રણી બાબુતસિંહ ચૌહાણ સહિત જિલ્લા તાલુકાના અધિકારીઓ-પદાધિકારીઓ, મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત બાળકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રીએ મહાનુભાવોનું ગામે ગામ ગ્રામજનો દ્વારા ઢોલ ત્રાંસા શરણાઇઓના નાદ, ફુલહાર, સાફો પહેરાવી, શાલ ઓઢાડી ઉમળકાભેર સન્માન કરવામાં આવ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here