રાજ્ય સરકારની ઉમદા પહેલને વિદ્યાર્થીઓએ આવકારી, મોટી સંખ્યામાં કારકિર્દી માર્ગદર્શન સેમીનારમાં ભાગ લીધો
દાહોદ જિલ્લાના દાહોદમાં તાલુકા કક્ષાના ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ ફતેપુરા, સંજેલી, ગરબાડા તેમજ લીમખેડા ખાતે યોજાયા હતા. રાજ્ય સરકારની આ ઉમદા પહેલને વિદ્યાર્થીઓએ આવકારી લીધી હતી અને સેમીનારમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને નિષ્ણાંતો દ્વારા ઓનલાઇન તેમજ ઓફલાઇન માર્ગદર્શન અપાયું હતું.
તાલુકા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી કાજલબેન દવે, જિલ્લા રોજગાર અધિકારી અલ્પેશ ચૌહાણ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા અને વિદ્યાર્થીઓને કારકિર્દી માટેની શુભેચ્છા સહ માર્ગદર્શન આપ્યું હતું. આ વિષયના નિષ્ણાંતો ઉપર તાલુકા કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર બાબતે માર્ગદર્શન કર્યું હતું. આવતી કાલે પણ તા. ૩ મેના રોજ પણ બી.એમ. હાઇસ્કુલ ઝાલોદ ખાતે, શ્વેતલ હાઇસ્કુલ, પિપેરો, ધાનપુર ખાતે તેમજ મોડેલ સ્કુલ, દેવગઢબારિયા ખાતે સવારે ૧૦ વાગ્યેથી વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાશે.
રાજ્ય સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને તેમની ઉચ્ચ કારકિર્દી ધડવા માટે માર્ગદર્શન મળી રહે એ આશયથી રાજ્યમાં સૌપ્રથમવાર સુગ્રથિત પ્રયાસ કરીને “નવી દિશા નવું ફલક” કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાઇ રહ્યાં છે. જે અંતર્ગત દાહોદમાં જિલ્લા કક્ષા ઉપરાંત તાલુકા કક્ષાએ પણ યોજાઇ રહ્યાં છે. જેથી છેવાડાના વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ સુધી પણ કારકિર્દી ઘડવા માટેનું માર્ગદર્શન મળી રહે.