દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની વાવડી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા રમણભાઈ હીરાભાઈ પટેલ કે જેઓ ફતેપુરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી પણ છે, તેઓએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી પોતાના પગાર બિલે 31 વર્ષનું ઉચ્ચતર પગાર ધોરણ આકારી ખોટી રીતે નાણાં મેળવતા હતા. રમણભાઈ હીરાભાઈ પટેલની 31 વર્ષના ઉચ્ચતર પગાર ધોરણની ફાઇલ ગાંધીનગર ખાતેથી નામંજૂર થઈને આવી હતી, છતાં પણ તેઓ ખોટી રીતે નાણાં પગાર બિલે આકારતા હતા, આ સમગ્ર બાબતની જાણ ફતેપુરા તાલુકાનાં શિક્ષકોને થતાં તેઓએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને જાણ કરતાં તેઓએ પગાર બિલેથી ખોટી રીતે મેળવેલ નાણાની રકમ સરકારી ખાતામાં ચલણ દ્વારા જમા કરાવેલ છે.
મળતી માહિતી મુજબ રમણભાઈ હીરાભાઈ પટેલ તેમના અન્ય મળતીયાઓ દ્વારા ફતેપુરા તાલુકામાં બિનઅધિકૃત રીતે શિક્ષકો પાસેથી ઉચ્ચતર પગાર ધોરણ, સી.પી.એફ, પેન્શન કેશ, પગાર એરિયર્સ, જેવી ઓફિસના વહીવટ બાબતમાં મોટો વહીવટ કરી રહ્યા છે, સમગ્ર શિક્ષણ શાખાનો વહીવટ તેમના ઇશારે ચાલતો હોય છે, આ ઉપરાંત તાલુકા શિક્ષણ સમિતિની ઓફિસમાં વિવિધ ઓનલાઇન કામગીરી કરતા નાના સલરા પ્રાથમિક શાળાના આચાર્ય અને બીટ કેળવણી નિરિક્ષકનો ચાર્જ સંભાળતા હરેશભાઈ દેવાભાઈ ગોહિલ પણ પોતાની નોકરીમાં ખોટી દાખલ તારીખ લખીને પોતાની ખોટી સિનિયોરીટી બનાવી વિવિધ પ્રકારે ઓફિસમાં કામગીરી કરી રહ્યા છે. જેની તપાસ કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી દાહોદને રજુઆત થયેલ છે, પરંતુ હજુ સુધી તપાસ કેમ કારવામાં આવી નથી તે એક ચર્ચાનો વિષય છે. બીજી તરફ આ સમગ્ર મામલો હાલ ફતેપુરા શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે આની ન્યાયિક તપાસ થાય અને કસૂરવારો સામે પગલાં લેવાય એવું શિક્ષણના હિતમાં કામ કરતા લોકોના મુખે ચર્ચાઇ રહ્યું છે.
