મુખ્યમંત્રી કિસાન સહાય યોજના : સાત પગલાં કિસાન કલ્યાણનાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સાત નવી યોજનાઓની માહિતી આપવા કાર્યક્રમ યોજાયો

0
152
ખેડૂતોને રાજય સરકારની નવીન યોજનાઓની સમજ આપતા રાજય મંત્રી બચુભાઇ ખાબડ અને સાંસદ જસવંતસિંહ ભાભોર
દેવગઢ બારીયા, ધાનપુર અને ગરબાડા તાલુકાના ખેડૂતો કાર્યક્રમમાં જોડાયા
ખેડૂતોના કલ્યાણની દિશામાં રાજય સરકારના સાત નક્કર કદમ : રાજય મંત્રી બચુભાઇ ખાબડ
ખેડૂતો સ્વનિર્ભર બને તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સાત નક્કર નવીન યોજનાઓ ખેડૂત કલ્યાણ માટે રાજયભરમાં શરૂ કરી છે. આ યોજનાઓની માહિતી દરેક ખેડૂત સુધી પહોંચે તે માટે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા, ધાનપુર અને ગરબાડા તાલુકાના ખેડૂતો માટે માર્ગદર્શન કાર્યક્રમ દેવગઢ બારીયાની પીટીસી કોલેજ ખાતે યોજાયો હતો. રાજય મંત્રી બચુભાઇ ખાબડ અને સાંસદ જસવંતસિંહ ભાભોરએ ખેડૂતોને આ સાતેય યોજનાઓ વિશે વિસ્તારપૂર્વક સમજ આપી હતી. આ પ્રસંગે રાજયમંત્રી બચુભાઇ ખાબડે ખેડૂતોને સંબોધતા જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સાત પગલા ખેડૂતોના કલ્યાણના તાકીદના સમયે લીધા છે. જે માટે તેમને ધન્યવાદ આપવા ઘટે. રાજય દ્વારા વિકાસની દિશામાં કરવામાં આવતી પહેલ સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ અને અનુકરણીય બનતી હોય છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, અઢી દાયકા અગાઉની સરખામણીમાં રાજયનું કૃષિ ઉત્પાદન અત્યારે બાર ગણું થયું છે. અઢી દાયકા પહેલા ખેડૂતોની સ્થિતિ અને આજની સ્થિતિમાં મોટો તફાવત જોવા મળશે. ભૂતકાળમાં ખેડૂતો ખાતર-બિયારણ વગેરે માટે મોટા વ્યાજે પૈસા લાવતા હતા. જયારે અત્યારે ખેડૂતોના ધિરાણના વ્યાજના ૩ ટકા કેન્દ્ર અને ૪ ટકા રાજય સરકાર ભોગવે છે. અઢી દાયકા પહેલા ૩૫ લાખ હેક્ટરમાં ખેતી થતી હતી જયારે અત્યારે ૭૫ લાખ હેક્ટરમાં ખેતી થાય છે. આજે દેશમાં ખેત ઉત્પાદનમાં ગુજરાત મોખરે છે. તેમણે જણાવ્યું કે, ખેડૂતોના મૂશ્કેલ સમયમાં રાજય સરકાર હંમેશા તેમના પડખે રહી છે. અમારી સરકાર નક્કર આયોજન કરીને નક્કર પરીણામો આપનારી સરકાર છે. આ વખતે પણ સરકારે ટેકાના ભાવે ૬ હજાર કરોડની રકમથી ૧૨ લાખ મેટ્રિક ટન અનાજની ખરીદી કરી છે. ઉપરાંત ખાતર-બિયારણમાં પણ ખેડૂતોને મોટી સહાય કરવામાં આવી છે. દાહોદમાં ૧૨૦૦ કરોડની પાણીની કડાણા યોજના થકી દરેક તાલુકાના તળાવ છલકાશે. ઉપરાંત ૨૩૩ કરોડની પાણીની હાફેશ્વર યોજના થકી નદી-નાળા-તળાવ ભરાતા ખેડૂતો સમૃદ્ધ થશે અને પાણીની સમસ્યામાં મોટી રાહત થશે. સાથે ઘરે ઘરે નલ સે જલ યોજના અંતર્ગત પાણી પહોંચતું કરાશે.
સાંસદ જશવંતસિંહ ભાભોરે આ પ્રસંગે જણાવ્યું કે, રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ સાતેય યોજનાઓ વિશે પૂરા માહિતગાર થાઓ અને તેનો લાભ મેળવો. વરસાદની અનિયમિતતાને કારણે ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવે છે. આવા પ્રસંગે રાજય સરકારની આ યોજનાઓ ખેડૂતો માટે સાચી મદદગાર સાબિત થશે. સાંસદ જશવંતસિંહ ભાભોરે આ સાતેય યોજનાઓની વિસ્તારપૂર્વક માહિતી ખેડૂતોને આપી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ યોગેશભાઇ પારગીએ પણ રાજય સરકારની ખેડૂતોના કલ્યાણલક્ષી આ યોજનાઓને બિરદાવી હતી અને તેનો મોટા પ્રમાણમાં લાભ લેવા ખેડૂતોને જણાવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત તજજ્ઞોએ ખેડૂતોને રાજય સરકારની વિવિધ યોજનાઓની વિસ્તારપૂર્વક માહિતી આપી હતી.
ખેડૂતોના માર્ગદર્શન કાર્યક્રમમાં દેવગઢ બારીયા તાલુકા પંચાયત પ્રમુખ અમરસિંહ રાઠવા, નગરપાલિકા પ્રમુખ દક્ષાબેન, આરોગ્ય સમિતિના ચેરમેન જુવાનસિંહ, ધાનપુર તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા ખેતીવાડી અધિકારી જે.એચ. સુથાર નાયબ ખેતી નિયામક એન.વી. રાઠવા, નાયબ બાગાયત નિયામક પારેખ સહિતના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમમાં કોરોના સંક્રમણ બાબતની સરકારની તમામ માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here