લોકડાઉનના સમયમાં દાહોદના રળિયાતી ખાતેનું ‘રૈનબસેરા’ બન્યું ૬૯ ભિક્ષુકોનું આશ્રયસ્થાન

0
82
THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
લોકડાઉન દરમિયાન ભૂખમરાનો શિકાર ન થાય તે માટે તંત્ર દ્વારા ભિક્ષુકોને અપાયો આશ્રય.
કોરોના સંક્રમણના સમયમાં આશ્રિતોને માસ્ક, હેન્ડ સેનિટાઇઝરની સુવિધા સાથે સામાજિક અંતર સાથેની વ્યવસ્થા કરવામાં આવી.
સેવાભાવી સંસ્થા મનોશાંતિ એકતા ચેરીટેબલ ટ્રસ્ટ આશ્રિતો માટે કરે છે જમવાની વ્યવસ્થા.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં કોરોના વિષાણું સંક્રમણને રોકવા તા.૨૫ માર્ચથી દેશભરમાં ૨૧ દિવસીય લોકડાઉન જાહેર કર્યુ હતું, જે પરિસ્થિતિઓને જોતા ૩ મે, ૨૦૨૦ સુધી લંબાવવામાં આવ્યું છે. આ લોકડાઉનની પરિસ્થિતિમાં દાહોદ જિલ્લામાં નિરાશ્રિત, ઘરવિહોણા અને ફુટપાથ પર રહેતા લોકો જેમાંથી અધિકાંસ પોતાનું જીવનવ્યાપન ભિક્ષા માંગીને કરતા હતા, તેઓ આ વિકટ સ્થિતિમાં ભૂખમરાનો શિકાર ન થાય કે કોરોના વિષાણુંથી ચેપગ્રસ્ત ન થાય તથા આ વિષાણુંના સંવાહક ન બને તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા દાહોદના ૬૯ ભિક્ષુકોને દાહોદના રળિયાતી ખાતે ‘રૈનબસેરા’ માં આશ્રયસ્થાન આવ્યું છે. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આર.પી.ખાંટા જણાવે છે કે, આ ભિક્ષુકો, નિરાશ્રિત લોકો રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, પરેલ વિસ્તાર, નગર પાલિકા વિસ્તારના ધાર્મિક સ્થળો પરના ભિક્ષુકો વગેરે જગ્યાએથી રૈનબસેરા ખાતેના આશ્રયસ્થાનમાં તંત્ર દ્વારા માનવતા દાખવીને લાવવામાં આવ્યા છે. જેમાં ૪૯ પુરૂષો, ૧૨ સ્ત્રીઓ અને ૮ બાળકોનો સમાવેશ થાય છે.
અહીં આશ્રિતોનું સમયાંતરે મેડીકલ ચેકઅપ કરવામાં આવે છે. અહીંના આશ્રય સ્થાન પર સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે અને સફાઇકર્મીઓ દ્વારા નિયમિત સફાઇ કરવામાં આવે છે. કોરોના સંક્રમણ બાબતે રાખવાની ચોકસાઇ પણ અહીંયા રાખવામાં આવે છે. અહીં દરેક આશ્રિતને હેન્ડ સેનીટાઇઝર, માસ્ક આપવામાં આવ્યા છે. સાથે બે વ્યક્તિઓ વચ્ચેનું સામાજિક અંતર જાળવવામાં આવે છે. રૈનબસેરા ખાતે નાહવા અને દૈનિક ક્રિયાઓ માટેની સંપૂર્ણ વ્યવસ્થા – સ્વચ્છતા સાથે કરવામાં આવી છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા દરેક આશ્રિત વ્યક્તિને એક કીટ આપવામાં આવી છે. આ કીટમાં ચાદર, રૂમાલ, નેપકીન અને કાંસકો આપવામાં આવ્યા છે. આ ઉપરાંત દરેક આશ્રિતને નાહવાના સાબુ, માથામાં નાખવાનું તેલ, માસ્ક વગેરે પણ અલાયદા આપવામાં આવ્યા છે. પીવાનું અને વપરાશનું પાણી પણ પૂરતાં પ્રમાણમાં ઉપલબ્ધ રાખવામાં આવે છે. અહીંના ૬૯ આશ્રિતોને સવાર સાંજ પૌષ્ટિક ભોજન અને બે સમય ચાની વ્યવસ્થા કરવામાં આવી છે. દાહોદની એક સેવાભાવી સંસ્થા “મનોશાંતિ એકતા ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા આ આશ્રિતો માટે રોજબરોજના જમવાની વ્યવસ્થા સ્વૈચ્છાએ ઊપાડી લેવામાં આવી છે અને ૬૯ વ્યક્તિનું જમવાનું તેઓ તૈયાર કરી પહોંચાડે છે. દાહોદ જિલ્લાના કલેક્ટર વિજય ખરાડી જણાવે છે કે, અહીં આશ્રિત ભિક્ષુકોને એક સામાન્ય માણસને જરૂરી એવી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તેમના બે સમયના જમવા સાથે સુવિધાયુક્ત આવાસીય સગવડો કરવામાં આવી છે. કેટલાંક ભિક્ષુકો જેમને હ્રદયરોગ કે ડાયાબિટીસ જેવી બિમારી હોય તેમના જમવા માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. નિષ્ણાંત ડોકટરો દ્વારા સમયાંતરે ભિક્ષુકોની મેડીકલ તપાસ પણ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here