- વિરમગામના રામ મહેલ મંદિર ખાતે વિચરતી અને વિમુક્ત જાતિના લોકોને મહાકુંભના પ્રસાદ ગંગાજળનું વિતરણ કરાયું : સમૂહ ભોજન અને સમૂહ આરતી કરવામાં આવી
- વિચરતી અને વિમુક્ત જાતિના વિવિધ સમાજના લોકો દ્વારા મહામંડલેશ્વર રામકુમારદાસ બાપુનું સ્વાગત સન્માન કરાયું
ગંગા યમુના અને સરસ્વતી મૈયાના પાવન સંગમ તિર્થરાજ પ્રયાગરાજ ખાતે મહાકુંભ પર્વ નિમિત્તે વિરમગામના રામ મહેલ મંદિર મહામંડલેશ્વર મહંત રામકુમારદાસ બાપુ દ્વારા જગદીશધામ અન્નક્ષેત્ર સેવા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતો મહંતો સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા અને શ્રીમદ ભાગવત કથા પ્રેમ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રયાગરાજ મહાકુંભમાંથી વિરમગામના શ્રી રામ મહેલ મંદિર ખાતે મહામંડલેશ્વર શ્રી રામકુમારદાસ બાપુ પરત ફરતા વિચરતી અને વિમુક્ત જાતિના લોકો દ્વારા બાપુનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું અને બાપુ દ્વારા સૌને ગંગાજળ પ્રસાદી ભેટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિરમગામના વિચરતી અને વિમુક્ત જાતિના વિવિધ સમાજના કુલ ૫૮ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી રામ મહેલ મંદિર ખાતે ઉપસ્થિત લોકો દ્વારા સમૂહ આરતી કરવામાં આવી અને બાપુ દ્વારા સૌને ભોજન પ્રસાદ ગ્રહણ કરાવવામાં આવ્યો હતો.
વિરમગામના શ્રી રામ મહેલ મંદિરના મહંત શ્રી રામકુમારદાસ બાપુ દ્વારા વિચરતી અને વિમુક્ત જાતિના વિવિધ સમાજના સૌ લોકોને એકતા જાળવી રાખવા અપીલ કરવામાં આવી અને મંદિર આપ સૌ માટે કાયમ માટે ખુલ્લુ હોવાનું જણાવ્યું હતું.
ઘૂમન્તુ કાર્યના સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક મનહરસિંહ ઝાલાએ વિચરતી અને વિમુક્ત જાતિના લોકોના ભવ્ય ભૂતકાળ, સમાજ જાગરણનું કાર્ય, આઝાદીના આંદોલનમાં ભૂમિકા, વર્તમાન પરિસ્થિતિ અને શિક્ષણના મહત્વ અંગે વાતચીત કરી હતી.