- દાહોદ જીલ્લામા દહેજ ઓછુ કરવાની ફક્ત વાતો થાય છે તેવા સમયે એકપણ રૂપિયાના દહેજ વગર લગ્ન કરતી ટાડાગોળા ગામની દિકરી સરિતા
- જનજાતી સામાજીક આગેવાન અજીતદેવ પારગી વિશેષ ઉપસ્થિત રહ્યા અને શુભકામનાઓ આપી.
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં એક અનોખો પ્રસંગ તા. ૧૦/૦૩/૨૦૨૩ ને શુક્રવારના રોજ ટાડાગોળા ગામ ખાતે બની ગયો. સરિતાબેનની જાન જ્યારે માંડવે આવી ત્યારે આદિવાસી સમાજ માટે એક પ્રેરણારુપ બાબત ધ્યાનમા આવી હતી. દાહોદ જીલ્લાના ભીલ સમાજમાં લગ્ન પ્રસંગે દિકરી પક્ષને લાખોનુ દહેજ આપવુ પડતુ હોય છે. દહેજને કારણે અનેક પરિવારો દેવાદાર બની જાય છે. આર્થિક રીતે પાયમાલ બની જાય છે. ક્યારેક દિકરી જેટલી વધુ ભણેલી તેટલુ વધુ દહેજ લેવામાં આવે છે. હાલના સમયમાં દહેજ રુપી આ સામાજીક પ્રથાને દુર કરવા કે ઓછુ કરવા માટે અનેક ગામોમા સુધારાઓની ફક્ત વાતો થાય છે. તેવાં સમયે ટાડાગોળા ગામના વતની અને સંત સમિતિના કાર્યકર્તા દલસિંગગીરીજીએ પોતાની દિકરીના લગ્ન દહેજ વગર કરવાનો સંકલ્પ કર્યો હતો. પિતાના સંસ્કારો અને પરિવારજનોને કારણે દિકરી સરિતા પણ ગામની બીજી બહેનપણીઓની જેમ ધમાકેદાર દેખાડાવાળા પ્રસંગની જગ્યાએ સાદગીમાં મન બનાવ્યુ અને પિતાની પાસેથી કે સાસરી પક્ષ જે જે રકમ આપે તેમા રાજીપો ગણ્યો અને દહેજ પેટે તો એક રુપિયો પણ નહી લેવા મન બનાવ્યુ અને સંસારમાં પગલા પડ્યાં હતા.
ભીલ સમાજ માટે પ્રેરક એવા આ શુભ પ્રસંગે આશીર્વાદ આપવા સાધુ સંતો પધાર્યા હતાં સાથે જ આ વિસ્તારના સામાજીક આગેવાન એવા અજીતદેવ પારગી ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. ગામના મુકેશભાઈ માવી, વિપુલભાઈ સંગાડા, પ્રકાશભાઈ વકીલ, સંત સમિતિનાં મકનભાઈ પારગી, દિનેશભાઈ વગેરે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને કન્યાદાન નિમિત્ત ભેટ આપી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.