દેશ વિજળી ક્ષેત્રે એટલો સક્ષમ છે કે હવે પાડોશી દેશોને વીજળીની નિકાસ કરાઈ રહી છે – જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલા
દાહોદનાં લીમખેડા મોડલ સ્કુલ ખાતે ‘ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય’ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલાની અધ્યક્ષતામાં યોજાયો હતો. ગુજરાત સરકારનાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા આયોજીત આ કાર્યક્રમ વિદ્યુત ક્ષેત્રે થયેલી પ્રગતિ અને વર્ષ ૨૦૪૭ સુધીની અપેક્ષાઓ વિશે મહાનુભાવોએ વાત કરી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલાએ જણાવ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ઊર્જા મંત્રાલયે ગુજરાત સરકારના સહયોગથી વીજળી મહોત્સવનું આયોજન કરાયું છે.
તેમણે પાવર સેક્ટરમાં દેશે મેળવેલી મહત્વની સિદ્ધિઓની વાત કરતા જણાવ્યું કે, દેશ વિજળી ક્ષેત્રે એટલો સક્ષમ થઈ ગયો છે કે હવે પાડોશી દેશોને વીજળીની નિકાસ કરી રહ્યો છે. આ બાબતનો શ્રેય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના દીર્ધ દ્રષ્ટિપૂર્ણ નેતુત્વને જાય છે. વર્ષ ૨૦૧૪ માં દેશની વીજ ઉત્પાદન ક્ષમતા ૨૪૮૫૫૪ મેગાવોટ હતી તે વધીને ૪ લાખ મેગાવોટ થઈ છે. જે આપણી માંગ કરતા ૧.૮૫ લાખ મેગાવોટ વધુ છે.
તેમણે એમ પણ ઉમેર્યું કે, દેશમાં ૧.૬૩ લાખ સર્કિટ કિલોમીટર ટ્રાન્સમીશન લાઇન ઉમેરવામાં આવી છે. જેથી કરીને સમગ્ર દેશને એક ફ્રિકવનશી પર ચાલતી એક જ ગ્રીડમાં જોડે છે. લદ્દાખથી કન્યાકુમારી અને કચ્છથી મ્યાનમાર સરહદ સુધી તે વિશ્વની સૌથી મોટી સંકલિત ગ્રીડ તરીકે ઉભરી આવી છે. આ ગ્રીડનો ઉપયોગ કરી દેશના એક ખૂણેથી બીજે ખૂણે ૧.૧૨ લાખ મેગાવોટ વિજળી ટ્રાંન્સમિટ કરી શકીએ છીએ. તેમણે જણાવ્યું કે, ખેડૂતોથી લઈને નાના મોટા ઉદ્યોગોને વીજળીની જરૂરિયાત રહે છે ત્યારે ઊર્જાએ દેશના વિકાસની પાયાની શરત છે. આ જરૂરિયાતને સારી રીતે પૂર્ણ કરાઈ રહી છે. નાના ગામડાથી લઇને મોટા શહેરોની વીજ જરૂરિયાતનો ઉકેલ લાવવામાં આવ્યો છે.
જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ જણાવ્યું કે,દેશ, રાજ્ય અને જિલ્લામાં વીજળી માટેની માળખાગત સુવિધાઓમાં ધરખમ વધારો થયો છે. તેની સાથે જરૂરી મેઈન્ટેન્સની કામગીરી પણ સારી રીતે નિભાવવામાં આવી રહી છે. વીજળીની અસુવિધા બાબતની ઘણી બાબતો હવે ભૂતકાળ બની છે. રાજ્યમાં વીજળીના ટ્રાંન્સફરમાં થતો દુર્વ્યય પણ ખૂબ ઓછો છે. તેમણે જણાવ્યું કે, સૌર ઉર્જાના વપરાશમાં પણ નાગરિકો દ્વારા વધારો થયો છે. સરકાર દ્વારા આ માટે સબસીડી પણ અપાઈ રહી છે. સૌર ઉર્જા વધુ ઉત્પાદિત થઈ હોય તે ઊર્જાને અન્યને પહોંચાડી શકાય છે અને જે તે નાગરિકના ખાતામાં તેનું વળતર જમા થાય છે. તેથી વધુમાં વધુ નાગરિકો સૌર ઉર્જાને અપનાવે. મધ્યગુજરાત વીજ કંપનીના કાર્યપાલક ઇજનેર પી.એમ. થાનાવાલાએ સ્વાગત પ્રવચન તેમજ નાયબ ઈજનેર એમ.આઈ. નાયકે આભારવિધિ કરી હતી.
કાર્યક્રમમાં સરકારી યોજનાનો લાભ લઈને નવું વીજ કનેકશન મેળવનારા તેમજ પ્રધાનમંત્રી કુસુમ યોજનાના લાભાર્થી નાગરિકોને લાભ અપાયા હતા. આ વેળાએ ચાર ફિલ્મો વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો, એક રાષ્ટ્ર એક ગ્રીડ અને અક્ષય ઉર્જા, ગ્રાહક અધિકાર દર્શાવાય હતી. જેને ઉપસ્થિત નાગરિકો એ રસપૂર્વક નિહાળી હતી. કાર્યક્રમમાં સુર્ય ઉર્જા સંબંધિત તેમજ છેવાડાના ગામ સુધી વીજળી પહોંચવાથી આવેલા બદલાવ વિશેનું નુક્કડ નાટક પણ સુંદર રીતે ભજવવામાં આવ્યું હતું અને પ્રધાનમંત્રી કુસુમ યોજના સહિતની યોજનાઓ વિશે વિગતે માહિતી અપાઈ હતી. નાગરિકોએ તાળીઓના ગડગડાટથી નાટકને વધાવી લીધુ હતું.
મધ્ય ગુજરાત વીજ કંપની લી. તેમજ પાવર ગ્રીડ કંપનીના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં લીમખેડા પ્રાંત અધિકારી રાજ સુથાર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સરતનભાઈ ચૌહાણ, મામલતદાર લીમખેડા, અગ્રણી સ્નેહલભાઈ ધરીયા, સી.કે. મેડા, બળવંતભાઈ પટેલ તેમજ મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.