ન્યૂયોર્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે યુનાઇટેડ નેશન્સ ખાતે ‘સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ સમિટ’માં સંબોધન કર્યું હતું. 1970ના દાયકામાં તે સમયના વડાપ્રધાન શ્રીમતિ ઇન્દિરા ગાંધીએ ‘ગરીબી હટાવો’ની હાકલ કરી હતી. 2014ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ કોંગ્રેસમુક્ત દેશનું આહ્વાન કર્યું હતું. અને શુક્રવારે યુએનની સામાન્ય સભાને સંબોધતા ગરીબી મુક્ત વિશ્વનું આહ્વાન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત બીજા વર્ષે સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દીમાં ભાષણ આપ્યું હતું.
આ વખતે તેમણે ટકાઉ વિકાસના મુદ્દા ઉપર ભાર આપ્યો હતો. તેમ છતાં પણ મોદીએ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતની દાવેદારી દોહરહાવી હતી. તેમણે જણાવ્યું કે આખું વિશ્વ એક-બીજા સાથે સંકળાયેલું છે. એક-બીજા ઉપર આધારિત છે. સુરક્ષા પરિષદ સહિત સંયુક્ત રાષ્ટ્રમાં પણ સુધારો જરૂરી છે. જેથી કરીને તેની વિશ્વસનીયતા અને ઔચિત્ય જળવાઈ રહે. વ્યાપક પ્રતિનિધિત્વ થકી જ આપણે આપણાં લક્ષ્યો મેળવી શકીશું. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના 2015ના ટકાઉ વિકાસ સાથે સંકળાયેલાં લક્ષ્યો અંગે તેમણે પોતાની પીઠ થાબડવાની તક પણ નહોતી ગુમાવી.
ગરીબી ઉત્થાન, જનધન યોજના, ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ અને પેન્શન તેમજ બેન્કિંગ અંગેની પોતાની યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીનું કહેવું હતું કે આપણે ભવિષ્ય અંગે ચિંતિત રહેવું જોઇએ કે જેને આપણે ક્યારેય જોઈ નહીં શકીએ. મોદીએ જણાવ્યું હતું કે અંતરને આધાર બનાવીને આપણે છેવાડાના દેશોની નીતિઓથી છુટકારો ન મેળવી શકીએ. આપણે ટેકનોલોજી સહયોગ અને ઇનોવેશનને વિશ્વના કલ્યાણ કરવાનું માધ્યમ બનાવવું પડશે. વિકસિત દેશોએ પણ આગળ આવીને તેમની જવાબદારી નક્કી કરવી પડશે.
સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ સમિટમાં મોદીના ભાષણના મુખ્ય અંશો
- ગાંધીજીને યાદ કરીને મોદીએ સંબોધનની શરૂઆત કરી હતી. ગાંધીજીએ કહ્યું હતું કે, જે વિશ્વ તમે નથી જોવાના તેની પણ ચિંતા તમારે જ કરવાની છે.
- આપણે સૌ ગરીબીથી મુક્ત વિશ્વનું સપનું જોઇએ છીએ. સમગ્ર વિશ્વમાં 1.30 બિલિયન લોકોની આર્થિક સ્થિતિ દયનીય છે.
- વિશ્વ શાંતિ પૂર્ણ હોય, વ્યવસ્થા ન્યાય પૂર્ણ હોય અને વિકાસ સસ્ટેઇનેબલ હોય એવું ઇચ્છીએ છીએ.પરંતુ જ્યાં સુધી ગરીબી હશે ત્યાં સુધી આ શક્ય નથી. આથી
- ગરીબી હટાવવી આપણી પવિત્ર જવાબદારી છે.
- 70 વર્ષ અગાઉ જ્યારે વિશ્વયુદ્ધનો અંત થયો ત્યારે આ સંગઠનના સ્વરૂપે નવી આશાનો જન્મ થયો હતો. આજે ફરીથી આપણે માનવતાની નવી દિશા નક્કી કરવા માટે અહીંયા એકત્ર થયા છીએ.
- ભારત આઝાદ થયું ત્યારથી ગરીબીથી મુક્ત થવાનું સપનું અમે જોયું છે.
- ગરીબોને સશક્ત બનાવીને અમે ગરીબીને હરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.
- 180 મિલિયન નવા બેંક ખાતા ખોલીને ગરીબોને એમ્પાવર કરવામાં આવ્યા છે.
- ગરીબોને મળતો લાભ સીધો તેમના બેંક ખાતામાં જમા થાય છે અને તેમના વીમા ઉતારવામાં આવ્યા છે.
- ગરીબો સુધી પેન્શન યોજનાના લાભ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
મોદીનું ‘પર્સનલ સેક્ટર’
- વિશ્વમાં આર્થિક વિકાસની ચર્ચા પબ્લિક કે પ્રાઇવેટ સેક્ટર સુધી સીમિત છે. અમે નવા ‘પર્સનલ સેક્ટર’ પર પણ ફોક્સ કર્યું છે.
- ભારત માટે પર્સનલ સેક્ટરનો અર્થ છે માઇક્રોફાઇનાન્સ, ઇનોવેશન, સ્ટાર્ટઅપ માટેની નવી મૂમેવન્ટ. સૌના માટે ઘર, વીજળી, ભોજન, પાણીની વ્યવસ્થા.
મહિલા સશક્તિકરણ માટે ‘બેટી પઢાવો, બેટી બચાવો’ને ઘર ઘરનો મંત્ર બનાવ્યો છે. - ખેડૂતોના જોખમને ઘટાડવા માટે જરૂરી પગલાં ભરી રહ્યા છીએ. સર્વિસ સેક્ટરમાં સુધારો કરી રહ્યા છીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફિલ્ડમાં રોકાણ કરી રહ્યા છીએ.
સમૃદ્ધિ તરફ આગળ વધવાનો અમારો માર્ગ સસ્ટેઇનેબલ હોય તે માટે અમે કટિબદ્ધ છીએ. - હું એવી સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરું છું, જ્યાં ધરતીને મા કહેવામાં આવે છે.
- આ ધરતી આપણી માતા છે અને આપણે તેના પુત્ર છીએ.
- આગામી સાત વર્ષોમાં 175 ગીગા વોટ્સ રિન્યૂએબલ એનર્જી પેદા કરવાનું અમારું લક્ષ્યાંક છે.
વસુધૈવ કુટુમ્બકમ્
- ભારતીય પરંપરામાં સમગ્ર વિશ્વને એક પરિવાર તરીકે જોવામાં આવે છે.
- ઉદાર બુદ્ધિવાળા માટે સમગ્ર વિશ્વ પરિવાર સમાન છે.
- ભારત એશિયા, આફ્રિકા તથા સમુદ્રોમાં આવેલા નાના-નાના ટાપુ દેશો સાથે જોડાઇને તેમને મદદરૂપ બની રહ્યું છે.
- ડેવલપમેન્ટ કરવું હોય કે ક્લાઇમેટ ચેન્જની સમસ્યા તેનો સામનો કરવા માટે સૌએ ભેગા થવું જ પડશે.
- વૈશ્વિક ભાગીદારી થકી ટેક્નોલોજી, ઇનોવેશન અને ફાઇનાન્સના બળે રિન્યૂએબલ અને ક્લીન એનર્જી તરફ સમગ્ર વિશ્વએ શરૂ કરવું પડશે.
- પ્રકૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટેનો ખાસ ગ્લોબલ પ્રોગ્રામ આગામી જનરેશન માટે તૈયાર કરવાની જરૂર છે.
- આપણે એવા વિશ્વનું નિર્માણ કરવાનું છે જ્યાં સૌ કોઇ સુરક્ષિત મહેસૂસ કરે.
- આપણો ઉદ્દેશ્ય આગામી પેઢી માટે પર્યાવરણને વધુ સારી સ્થિતિમાં છોડીને જવાનો હોવો જોઇએ. જો કે આ ઉદ્દેશ્યનું પાલન કરવું અત્યંત કઠીન છે.
- સૌ સુખી થાય, સૌ નિરોગી થાય, કલ્યાકારી જુઓ અને કોઇને કોઇ પણ પ્રકારનું દુઃખ ના પડે તેવી મંગળકામનાઓ.