KEYUR PARMAR – DAHOD
ગામ આગેવાનોએ બાળકોના શિક્ષણ પરત્વે જાગૃત થવું પડશે : ગૈાસંવર્ધન અને પશુપાલન રાજય મંત્રીશ્રી બચુભાઇ ખાબડ
દાહોદ જિલ્લામાં શરૂ થયેલા ત્રિદિવસીય ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત ધાનપુર તાલુકાની અગાશવાણી પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શાળાના બાળકોનું શૈક્ષણિક મુલ્યાંકન રાજયના ગૈાસંવર્ધન અને પશુપાલન રાજય મંત્રી બચુભાઇ ખાબડે કર્યું હતું. ધો. ૧ થી ૫ માં વાંચન, લેખન અને ગણન જયારે ધો. ૬ થી ૮માં વાંચન, લેખન અને ગણનની સાથે તે વિદ્યાર્થીનું OMR સીટ દ્વારા લેખિત મુલ્યાંકન દરેક વર્ગ ખંડોમાં રૂબરૂ જઇ કરાવતાં રાજય મંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે બાળકોમાં રહેલી શકિતઓને ખીલવવા સાથે ગુણવત્તા યુકત શિક્ષણ લઇ સ્વમાનભેર પોતાનું જીવન વ્યતિત કરી શકે અને કુંટુંબ, સમાજ, રાજય કે દેશની વિકાસ યાત્રામાં સહભાગી બને તેવા રાજય સરકારે તમામ પ્રયાસો હાથ ધર્યા છે. ત્યારે વાલીઓ, ગ્રામજનો સહિત ગામના આગેવાનો બાળકોને નિયમિત રીતે શાળાએ મોકલે તો જ રાજય સરકારના શૈક્ષણિક કાર્યક્રમોનો મૂળભૂત ઉદ્દેશ્ય બર આવી શકે. સાથે શિક્ષક સંવેદના સાથે બાળકોની શિક્ષણ પરત્વેની ઉદાસિનતાને શોધી કાઢી પ્રેમથી શિક્ષણ પરત્વે પ્રોત્સાહિત કરશે. તો તે બાળકના ઉજજવળ ભવિષ્યનું શ્રેય જે તે શિક્ષકને ફાળે જશે. તેમ રાજય મંત્રીશ્રી બચુભાઇ ખાબડે શિક્ષકોને ટકોર કરતાં જણાવ્યું હતું.
શાળામાં ગુણોત્સવ કાર્યક્રમ દરમિયાન બાળકોની સાથે ઓતપ્રોત થઇ બાળકોમાં રહેલી શકિતઓને ઉજાગર કરવાનો રાજય મંત્રી બચુભાઇ ખાબડે પ્રયાસ કર્યો હતો. તેમને મધ્યાહન ભોજન યોજના, સેનિટેશનનું જાત નિરિક્ષણ કરવા સાથે બાળકો સાથે જ મધ્યાહન ભોજન લીધું હતું. SMC ના સભ્યો – ગ્રામજનો સાથે બેઠક યોજી બાળકોના શિક્ષણ માટે તેઓના અભિપ્રાયો મેળવવા સાથે જાગૃત થવા સૌને અનુરોધ કર્યો હતો. અગાશવાણી પ્રાથમિક – સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતમાં સંસ્થાકીય સુવાવડ, દવાઓનો જથ્થો, જુદા જુદા રોગોમાં અપાતી સારવાર વગેરે અંગે પૃચ્છા કરતાં ગ્રામજનોના અભિપ્રાયો મેળવ્યા હતા. અગાશવાણી મોડેલ સ્કૂલના બાળકોના શિક્ષણનુ મુલ્યાંકન પણ રાજય મંત્રીએ કર્યું હતું.
– ગરીબ આદિવાસી બાળકોના ઉજજવળ ભવિષ્ય માટે શિક્ષકોએ સંવેદના સાથે ફરજો અદા કરવી પડશે : ગૈાસંવર્ધન અને પશુપાલન રાજય મંત્રીશ્રી બચુભાઇ ખાબડ
આ કાર્યક્મ દરમિયાન સર્વ શિક્ષા અભિયાન જિલ્લા મેનેજર આશિષ જૈન, બી.આર.સી. ભરતભાઇ રાઠોડ, શાળાના આચાર્ય પટેલ દેશીંગભાઇ, સરપંચ પર્વતભાઇ સંગાડા, તાલુકા પંચાયત સભ્ય નર્વતભાઇ નિનામા, તાલુકા SSA ના જયદિપભાઇ રાઠોડ, શિક્ષકગણ તથા વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના બાળકોએ યોગ, વ્યાયામ તથા ઇતર પ્રવૃત્તિઓ રજૂ કરી હતી. શાળાના તેજસ્વી બાળકોનું મંત્રી બચુભાઈ ખાબડ તથા મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.