મોબાઈલની દુનિયામાંથી બહાર આવી ૨૦૨૫ માં યોજાઇ રહેલ ખેલ મહાકુંભમાં ભાગ લઇને તમામ બાળકોએ પોતાની શક્તિને ઉજાગર કરવા પોતાને એક મોકો આપવો જોઈએ – માવી અંજલિ
સમગ્ર રાજ્યમાં જાન્યુઆરી, ૨૦૨૫ થી ૧૩ મા ખેલ મહાકુંભનો શુભારંભ થઇ ગયો છે, ત્યારે અહીં વાત કરીએ અમદાવાદ ખાતે યોજવામાં આવેલ રાજ્ય કક્ષાની બોક્સિંગ સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક લાવીને એમ. એન્ડ. પી. હાઈસ્કૂલમાં ધોરણ ૯ માં અભ્યાસ કરતી ૧૫ વર્ષીય માવી અંજલિ એ સમગ્ર દાહોદ જિલ્લાનું નામ રોશન કર્યું છે. દાહોદ જિલ્લો કે જેને હમેંશા નકારાત્મક પાસાઓથી જોવામાં આવે છે, પરંતુ દાહોદ જેવા આદિવાસી જિલ્લા માં પણ આવા તારલાઓ ક્યાંક ખૂણે ચમકી રહ્યા છે કે જેઓને જરૂર છે તો ફક્ત પ્લેટફોર્મ પૂરું પાડવાની તેમજ યોગ્ય માર્ગદર્શનની.
દાહોદનું ગૌરવ એવી અંજલિના પિતાને ગુજર્યાને ૨ વર્ષ થયા, માતા ઘરકામ કરીને અંજલિ અને તેના ભાઈ – બહેનોનું ભરણ – પોષણ કરી રહી છે. તેણીએ લગભગ દોઢ વર્ષથી દાહોદમાં આવેલ લડ્ડુ એકેડમી ખાતે કોચ રાહુલ સંગાડિયાના માર્ગદર્શન હેઠળ પોતાની બોક્સિંગ પ્રેક્ટિસ શરૂ કરી હતી. દાહોદ જિલ્લામાં યોજવામાં આવેલ જિલ્લા કક્ષાના કરાટે તેમજ બોક્સિંગ સ્પર્ધામાં પણ અંજલિએ પ્રથમ ક્રમાંક લાવીને પોતાના પરિવારને ગર્વ અપાવ્યું છે.
લડ્ડુ એકેડમી છેલ્લા ૩ વર્ષથી કાર્યરત છે, નજીવી સુવિધાઓ છતાં જો આવા ખેલાડીઓ ખીલતા હોય તો પછી પૂરતી વ્યવસ્થા આપવામાં આવે તો આ ખેલાડીઓ સ્ટેટ લેવલથી નેશનલ લેવલ સુધી પણ પહોંચી શકે છે, એમ કહેતાં લડ્ડુ એકેડમીના કોચશ્રી રાહુલ સંગાડિયા વધુમાં જણાવે છે કે, આજના તમામ બાળકો મોબાઈલમાં રચ્યા – પચ્યા રહે છે, જેથી તેમની આંતરિક શક્તિ બહાર આવી શકતી નથી, પરંતુ જો અંજલિની માફક અન્ય બાળકો પણ મોબાઈલને ઇગ્નોર કરીને સ્પોર્ટ્સ અથવા તો પોતાના ગમતા કોઈપણ ક્ષેત્રે આગળ વધીને દાહોદ જિલ્લાને ગોલ્ડ મેડલ અપાવી શકે તેટલી ક્ષમતા ધરાવે છે.
વડોદરા ખાતે યોજાયેલ સ્ટેટ ટુર્નામેન્ટમાં પણ અંજલિએ કરાટેમાં તૃતીય નંબર લાવીને દાહોદ જિલ્લાનું નામ રોશન કરીને અન્ય બાળકો કે જેઓ આજના સમયમાં સોશિયલ મીડિયામાં ખોવાઈ જાય છે તેઓ માટે શ્રેષ્ઠ ઉદાહરણ બની છે. દાહોદ જિલ્લામાંથી કુલ ૭ ખિલાડીઓએ અમદાવાદ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની બોક્સિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ૬ છોકરાઓ અને ૧ છોકરી કે જે અંજલિ માવી હતી.
રાજ્ય લેવલના અન્ય ખિલાડીઓને માત આપી અંજલિએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને લડ્ડુ એકેડમી, પોતાના પરિવાર સહિત દાહોદ જિલ્લાનું પણ નામ રોશન કર્યું છે. અંજલિ કહે છે કે, “ મેં મારી નજરે સંઘર્ષ જોયો છે, મારા માતા-પિતાએ કરેલી અમારી પાછળની મહેનત મારે વ્યર્થ નથી જવા દેવી. મારું આથી પણ આગળ વધીને ફૌજી બનીને દેશની સેવા કરવાનું સપનું છે. “
વધુમાં તેણી કહે છે કે, સરકાર દ્વારા જો આપણને આટલુ સરસ પ્લેટફોર્મ મળી રહ્યું છે તેને જતું ન કરતાં એનો પુરેપુરો લાભ લેવો જોઈએ. મોબાઈલની દુનિયામાંથી બહાર આવી ૨૦૨૫ મા ૧૩ મા ખેલ મહાકુંભનો શુભારંભ થયો છે તેમાં ભાગ લઇને તમામ બાળકોએ પોતાની શક્તિને ઉજાગર કરવા એક મોકો આપવો જોઈએ.