- વિરમગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સીબીનાટ વાનમાં તાત્કાલીક ટીબીના રીપોર્ટ આપવામાં આવ્યા.
ક્ષય(ટીબી) રોગ એ આપણા ભારત દેશમાં સૌથી મોટી જાહેર આરોગ્ય સમસ્યા છે. વડાપ્રધાને વર્ષ-૨૦૨૫ સુધીમાં ક્ષય રોગને નાબુદ કરવાનો નિર્ધાર કર્યો છે, જે સંદર્ભે ક્ષય રોગના દર્દીઓનું એક્ટીવ કેસ ફાઇન્ડીંગ એ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ક્ષય રોગના સંદર્ભે તા.૨૧/૦૧/૨૦૧૯ થી તા.૦૮/૦૨/૨૦૧૯ દરમ્યાન સીબીનાટ વાન તમામ તાલુકાના હાઈરીસ્ક વિસ્તારોમાં જઈને સ્થળ ઉપર તપાસ કરી રીપોર્ટ આપવામાં આવે છે. જે અંતર્ગત આજે સોમવાર ના રોજ સીબીનાટ વાન વિરમગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવી પહોંચી હતી. વિરમગામ ખાતે સીબીનાટ વાનમાં ટીબીના રીપોર્ટ કરવાની કામગીરીનો અમદાવાદ જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન જગદિશ મેણીયાની ઉપસ્થિતીમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર અધિક્ષક ડો.દિવ્યાંગ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, અર્બન હેલ્થ ઓફિસર ડો.જીગર દેવીક, એસ.ટી.એસ. પ્રકાશ પટેલ, ગીરીશ પટેલ, એલ.ટી. હેતલ લક્કડ, નઝમા કાગદી, દિનેશ સોલંકી સહિત મોટી સંખ્યામાં આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, સીબીનાટ વાનની કામગીરી દ્વારા વિરમગામ તાલુકા સહિત અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાંથી વધુ ને વધુ વણ શોધાયેલા ક્ષય રોગ ના કેસો તેમજ એમ.ડી.આર. ક્ષય રોગ (હઠીલો ટીબી)ના કેસ મળવાની પૂરેપૂરી શક્યતા છે.
વિરમગામ તાલુકા હેલ્થ ઓફીસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, ટીબી રોગના દર્દીના ગળફા કે શ્વાસોશ્વાસ દ્વારા ટીબીના રોગના જીંવાણુઓ હવામાં ફેલાય છે અને આ દુષીત હવા શ્વાસમાં લેવાથી તંદુરસ્ત વ્યક્તીને ટીબીનો ચેપ લાગી શકે છે. સતત બે અઠવાડીયા કરતા વધુ સમયથી ખાંસી આવતી હોય તેવા વ્યક્તીને ટીબી હોઇ શકે છે, જેથી નજીકના આરોગ્ય કેન્દ્રમાં ગળફાની તપાસ કરાવવી જોઇએ.