આરોગ્ય કર્મચારીઓ દ્વારા રેલી, સભા, પપેટ શો, વર્કશોપ, રંગોળી, હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ, જનજાગૃતિ સહિતની કામગીરી કરવામાં આવી
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેષ પરમાર અને જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લામાં મેલેરિયાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે અને અમદાવાદ જિલ્લો મેલેરિયા મુક્ત જિલ્લો બનવા તરફ આગળ વધી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદ જિલ્લામાં મેલેરિયા કે ડેન્ગ્યુને કારણે કોઈ માનવ મૃત્યુ થયું નથી અને અમદાવાદ જિલ્લામાં મેલેરિયા નાબૂદી અભિયાન અંતર્ગત ખાસ એક્શન પ્લાન કરવામાં આવ્યો છે. 25 મી એપ્રિલે વિશ્વ મેલેરિયા દિવસની અમદાવાદ જિલ્લાના તમામ તાલુકાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પેટા આરોગ્ય કેન્દ્ર કક્ષાએ ઉજવણી કરવામાં આવી હતી.
આરોગ્ય કર્મચારીઓ દ્વારા પપેટ શો, નાટક, રેલી, સભા, વર્કશોપ, રંગોળી, પોરાનાશક કામગીરી, હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ, ગ્રુપ ડિસ્કશન, પત્રિકા વિતરણ, જનજાગૃતિ સહિત વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. 42 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રેલી અને 416 ગામમાં પ્રચાર પસાર કામગીરી કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા બનાવવામાં આવેલ રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મેલેરિયાનો ફેલાવો માદા એનોફીલીસ મચ્છર દ્વારા થાય છે. કોઈપણ તાવ હોય તો આરોગ્ય કાર્યકર પાસે લોહીની તપાસ મફત કરાવો અને મેલેરિયા હોય તો સંપૂર્ણ સારવાર અવશ્ય લેવી જોઈએ. ઘરની આજુબાજુ પાણીનો ભરાવો થવા દેશો નહીં. ભરાયેલ પાણી વહેવડાવી દેશો. પાણીના નાના ખાડા ખાબોચિયા પૂરી દેવા. તળાવ જેવા પાણીના મોટા સ્ત્રોતમાં પોરા ભક્ષક માછલીઓ અવશ્ય મૂકવી જોઈએ. મેલેરિયા થી બચવા દવા યુક્ત મચ્છરદાની નો ઉપયોગ કરો. મેલેરિયા ડેન્ગ્યુ સહિત કોઈ પણ પ્રકારના વાહકજન્ય રોગની જાણકારી માટે આરોગ્ય કાર્યકર અથવા તો નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ. મેલેરિયા ને રોકો ન આપો એને ફેલાવવાનો મોકો. મેલેરિયાને રોકવો એ આપણા સૌની સહિયારી જવાબદારી છે.