- મેલેરીયા વિરોધી જુન માસ ઉજવણી અંતર્ગત વિરમગામમાં પપેટ શો દ્વારા જનજાગૃતિ કરવામાં આવી
મેલેરીયા વિરોધી જુન માસ ઉજવણી અંતર્ગત અમદાવાદ જિલ્લા મેલેરીયા શાખા અને તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ના સંયુક્ત ઉપક્રમે બાળ સેવા કેન્દ્ર વિરમગામ ખાતે પપેટ શો દ્વારા મેલેરીયા અંગે જનજાગૃતિ કરવામાં આવી હતી. તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામની સપ્તધારા થી સ્વાસ્થ્ય ટીમના નીલકંઠ વાસુકિયા, ગૌરીબેન મકવાણા, વિરેશ પરમાર, જ્યોત્સનાબેન વિરગામા દ્વારા મેલેરીયા અંગે વિસ્તૃત સમજ આપતો પપેટ શો રજુ કરવામાં આવ્યો હતો. જે બાળકો સહિત વાલીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતુ. પપેટ શો દ્વારા મેલેરીયા થી બચવાના ઉપાયો અને મેલેરીયા થાય તો શુ સારસંભાળ રાખવી જોઇએ તે અંગે સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત કોઇ પણ વ્યક્તિને ઉલટી ઉબકા થાય, માથામાં દુખાવો થાય, શરીરમાં કળતર થાય, ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે જેવા કોઇ પણ લક્ષણો જોવા મળે તો નજીકના સરકારી દવાખાનામાં જઇને નિશુલ્ક લોહીની તપાસ કરાવવી જોઇએ તેવી સલાહ આપવામાં આવી હતી.
અમદાવાદ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, વિરમગામ તાલુકા સહિત સમગ્ર અમદાવાદ જીલ્લાના વિવિધ તાલુકાઓમાં મેલેરીયા વિરોધી જુન માસ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વિરમગામની સપ્તધારા થી સ્વાસ્થ્ય ટીમ દ્વારા મેલેરીયા અંગે જનજાગૃતિ કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો. વિરમગામમાં પપેટ શો દ્વારા મેલેરીયા અંગે જનજાગૃતિ કરવામાં આવી હતી અને સમજ આપવામાં આવી હતી કે, ઉલટી ઉબકા થાય, માથામાં દુખાવો થાય, શરીરમાં કળતર થાય, ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે જેવા કોઇ પણ લક્ષણો જોવા મળે તો નજીકના સરકારી દવાખાનામાં જઇને નિશુલ્ક લોહીની તપાસ કરાવવી જોઇએ. મેલેરીયાથી બચવા માટે પાણીના ખુલ્લા વાસણો હવા ચુસ્ત ઢાંકણથી ઢાકીને રાખવા. પાણીની ટાંકી, ફુલદાની, કુલર, ફ્રીજની ટ્રે અઠવાડીયામાં એક વખત અવશ્ય સાફ કરો. ઘરની આસપાસ પાણી ન ભરાવા દો. પાણીના ખાડા ખાબોચીયા પુરી દો અથવા તો વહેવડાવી દો. કોઇ પણ તાવ મેલેરીયા હોય શકે છે. મેલેરીયાનો ફેલાવો મચ્છરથી જ થાય છે એટલે મચ્છરની ઉત્પત્તિ અટકાવશો તો મેલેરીયા થતો રોકી શકાશે.