દર્શના પટેલ સહીત રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓને સન્માનિત કરાયા
અમદાવાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ તથા જીલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે શિક્ષણ કલ્યાણનિધિ દ્વારા ગુંજાલા ગામ ખાતે શિક્ષક કલ્યાણનિધિ રમતોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદ જીલ્લાના દસક્રોઇ તાલુકાની પ્રાથમિક શાળા ગેરતપુરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દર્શના હિતેશભાઇ પટેલને રાજ્યકક્ષાની ખેલ મહાકુંભમાં ચક્ર ફેંકમાં સિલ્વર મેડલ જીતીને ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવા બદલ સન્માનિત કરાયા હતા. આ રમતોત્સવમાં અલગ અલગ રમતોનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્રિકેટ, વોલીબોલ, રસ્સાખેચ, રંગોળી સહીતની રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષક ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક બધી રમતોનો આનંદ લીધો હતો. આ કાર્યક્રમમાં વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, ચેરમેન કિરીટસિંહ, DPO એમ.એન.પટેલ, પ્રચાર મંત્રી નરેન્દ્રભાઈ ગોહિલ, મંત્રી ખોડુભાઈ તેમજ સંઘના પ્રતિનિધિત્વ મંત્રીઓ હાજર રહ્યા હતા. DPO એમ.એન.પટેલ દ્વારા શિક્ષકોને ખૂબ જ ઉત્સાહિત કર્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, દર્શના પટેલ નાનપણથી જ રમત ગમત સાથે જોડાયેલ છે અને તાલુકા, જીલ્લા અને રાજ્યકક્ષાએ રમત ગમતમાં ભાગ લઇને અનેક મેડલ્સ જીતી ચુક્યા છે. હાલ દર્શના પટેલ અને તેમના કોચ/પતિ હિતેશ પટેલ અમદાવાદ જીલ્લાના દસક્રોઇ તાલુકાની પ્રાથમિક શાળા ગેરતપુરમાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. દર્શના પટેલ શાળાના વિદ્યાર્થીઓ ઉપરાંત અનેક લોકોને રમત ગમતની સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહીત કરીને જરૂરી માર્ગદર્શન પણ આપી રહ્યા છે.
વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, ‘સ્પર્ધાનો અહીં આનંદ છે, શિક્ષકોમાં ઉમંગ છે, કદમથી કદમ મિલાવીને રમતોત્સવમાં રમવાનો હરખ છે.’