અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના જીતપુર ગામ લોકોએ છેલ્લા ઘણા સમયથી આ સુકા તળાવ ભરાવવા માટેની અરજીઓ સ્થાનિક કચેરીઓ થી માંડીને ઉચ્ચ અધિકારીઓ સુધી કરી છે. જીતપુર ગામનું તળાવ ભરવામાં આવે તો આજુબાજુમાં આવેલા ૧૫ જેટલા ગામોને પાણીની સમસ્યામાંથી છુટકારો મળે અને પાણીના તળ ઉચા આવે જેથી ખેડૂતો બારેમાસ ખેતી કરી શકે. જીતપુરથી આશરે ૩ કિલોમીટરની અંતરે આવેલ વાત્રક નદીમાંથી લીફટીંગ કરી પાણી તળાવમાં ભરવામાં આવે તેવી ગામ લોકોની માંગણી છે. ધીમે ધીમે કાળઝાળ ઉનાળાનું આગમન થઇ રહ્યું છે ત્યારે તળાવ ખાલી હોવાથી પશુ, પક્ષી જેવા અબોલા જીવોને પણ પાણીની મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે. જીતપુર ગામનું તળાવ સત્વરે ભરવામાં આવે અને ૧૫ જેટલા ગામોને પાણીની સમસ્યામાંથી રાહત મળે તેવી સ્થાનિક લોકોની માંગણી છે.
જીતપુર ગામ તેમજ આજુબાજુનાં ગામ લોકો દ્વારા આ તળાવ ભરવા માટે સ્થાનિક લોકોએ અરજી કરેલ છે. જે અનુસંધાને સ્થાનિક કચેરીએ સર્વે કરી તળાવ ભરવા માટેની આગળની કાર્યવાહી માટેનો રીપોર્ટ આગળની કચેરીએ મોકલી આપવામાં આવ્યો છે. તેવું ઇન્ચાર્જ અધિકારી બ્રહ્મભટ્ટએ જણાવ્યું હતું.