Wednesday, January 22, 2025
Google search engine
HomeDahod - દાહોદકડાણા ઉદ્દવહન સિંચાઇ યોજનામાં પાઇપ લાઇન નાખવાની કામગીરી પૂર્ણ

કડાણા ઉદ્દવહન સિંચાઇ યોજનામાં પાઇપ લાઇન નાખવાની કામગીરી પૂર્ણ

આનંદો !

  • નાની ક્યારથી અદલવાડા સુધી ૧૨૫ કિ.મી. લાઇન નાખી દેવાઇ, ૫૦ કિ.મી. ફિડર લાઇનનું કામ પણ પૂર્ણ.
  • હવે માત્ર વીજ લાઇન નાખવાનું કાર્ય બાકી, ગોઠીબના પમ્પિંગ સ્ટેશનમાં વીજ લાઇન મળી ગઇ, બાકીના ત્રણમાં ઝડપથી વીજળી આપી દેવાશે.
  • યોજના પૂર્ણ થતાં દાહોદના ૫૪ તળાવો, પાંચ જળાશયો અને ત્રણ નદીઓમાં પાણી ભરાતા નંદનવન બનશે, દસ હજાર હેક્ટર જમીનને સિંચાઇનો લાભ.

ઉનાળાની ગરમી અને કોરોના વાયરસની ચિંતામાં ત્રાહિમામ પોકારી ઉઠેલા દાહોદ જિલ્લાના લોકો માટે એક સારા સમાચાર છે. દાહોદ જિલ્લાને નંદનવનમાં પરિવર્તિત કરનારી ₹. ૧૦૫૪.૭૬ કરોડની કડાણા ઉદ્દવહન સિંચાઇ યોજના પૂર્ણ થવાને આરે છે. છેક કડાણાના નાની ક્યારથી પારેવા સુધી એટલે કે દાહોદ જિલ્લાના છેલ્લા પોઇન્ટ સુધી ૧૨૫ કિ.મી. લાંબી લાઇન નાખવાનું કામ પૂર્ણ થઇ ગયું છે. દાહોદ જિલ્લા માટે અતિજરૂરી એવા આ બહુઆયામી યોજનાની કેટલીક વિગતો જાણીએ.

કડાણા જળાશયથી સિંચાઇ માટે પાણી લાવવા માટે આ યોજના બનાવવામાં આવી છે. તે માટે મુખ્ય પાઇપ લાઇન ઉપર ચાર પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. એક નાની ક્યાર, બીજુ ગોઠીબ, ત્રીજુ કુંડલા અને ચોથુ પારેવા ખાતે બન્યું છે. મુખ્ય પાઇપ લાઇનની લંબાઇ ૮૨ કિ.મી. અને ફિડર પાઇપ લાઇનની લંબાઇ ૪૨.૫ કિ.મી. છે. એ મળીને ૧૨૫ કિ.મી. લંબાઇ છે. જ્યારે, તળાવો માટે નાખવામાં આવેલા HDP પાઇપની લંબાઇ ૫૦ કિ.મી. જેટલી છે. કડાણા ડેમમાંથી આવતા પાણીથી દાહોદ જિલ્લાના માછણ નાળા, પાટાડુંગરી, ઉમરિયા, અદલવાડા અને વાંકલેશ્વર જળાશય ભરવાના છે. આ ઉપરાંત, આ યોજનાની ડાબી અને જમણી બાજુએ ૨ કિ.મી. વિસ્તારના ૫૪ ગામના તળાવો પણ ભરવાના છે. જ્યાં HDP લાઇન નાખવામાં આવી છે. આ યોજનાના પરિણામે દાહોદ જિલ્લાના દસ હજાર હેક્ટર જમીનને સિંચાઇનો લાભ મળશે. કડાણા જળાશયથી ૪૦૦ ક્યુસેક્સ પાણી રોજના ૨૨ કલાક ચલાવીને ૧૨૦ દિવસ સુધી લાવવામાં આવશે. પારેવાથી પાટા ડુંગરી સુધી ૧૫૦ ક્યુસેક્સ અને અદલવાડા સુધી ૨૦૦ ક્યુસેક્સ પાણી જશે. આ ઉપરાંત, પાટા ડુંગરી જળાશયથી ૫૦ MLD પાણી ગરબાડા અને દાહોદ તાલુકાના ગામોને પીવાના હેતુંથી આપવામાં આવશે. જે માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા શુદ્ધિકરણ પ્લાન્ટ બનાવી વિતરણ કરવામાં આવશે. ડોશી નદી, વાકડી નદી અને હડફ નદીમાં પણ આ પાણી પહોંચશે. જેના પરિણામે આસપાસની વાડીના કૂવા જીવંત થશે. જમીનમાં પાણીના તળ ઉંચા આવશે.

હવે, માત્ર વીજલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. જેટકો દ્વારા આ માટે થઇ રહેલી કામગીરી જોઇએ તો નાની ક્યાર ખાતે બનાવવામાં આવેલા પ્રથમ પમ્પિંગ સ્ટેશનમાં ૬૬ કિલોવોટની લાઇન વાલાખેડીના સબ સ્ટેશનથી આપવાની છે. જેમાં કુલ ૬૭ વીજ ટાવર ઉભા કરી સાડા સોળ કિલોમિટર તાર નાખવાના રહે છે. જે પૈકી ૬૧ ટાવરના ફાઉન્ડેશન નખાઇ ગયા છે અને ૫૮ ટાવર ઉભા થઇ ગયા છે. જ્યારે, માત્ર ૩ કિ.મી. લાઇન નાખવાની બાકી છે. સંતરામપુરના ગોઠીબ ખાતે આવેલા બીજા નંબરના પમ્પિંગ સ્ટેશન માટે સરસવા પૂર્વથી વીજ જોડાણ આપવામાં આવ્યું છે. ૧૪ ટાવર ઉભા કરી ૩.૨ કિ.મી. લાઇન મારફત વીજ જોડાણ આપી દેવામાં આવ્યું છે. એટલ કે, અહીંનું કામ પૂર્ણ થઇ ગયું છે. કુંડલા ખાતે આવેલા ત્રીજા નંબરના પમ્પિંગ સ્ટેશનમાં કારઠથી વીજ લાઇન માટે નાખવા થતાં ૮૭ ટાવર પૈકી ૧૯ માટેના ફાઉન્ડેશન નંખાઇ ગયા છે. અહીં ૧૮ કિ.મી. લાંબી વીજરેષા મારફત વીજળી આપવામાં આવશે. એ જ પ્રકારે પારેવા ખાતે આવેલા પમ્પિંગ સ્ટેશનને ખરોડથી વીજળી આપવામાં આવનાર છે. આ માટે ૪૩ પૈકી ૩૭ ટાવરના ફાઉન્ડેશન નખાઇ ગયા છે. જ્યારે, ૨૯ ટાવર ઉભા થઇ ગયા છે. ૧૦ કિ.મી. લાઇન નાખવાની બાકી છે. હાલે, પમ્પિંગ સ્ટેશનમાં ગાર્ડનિંગનું કામ કરવામાં આવી રહ્યું છે. વીજ લાઇન નાખવાની કામગીરી ઝડપથી પૂર્ણ થાય એવી રીતે આયોજન છે. વીજળી મળતાની સાથે જ પ્રથમ તેનું ટેસ્ટિંગ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments