Saturday, February 1, 2025
Google search engine
HomeDahod - દાહોદકોરોના વાઇરસને લીધે દાહોદ જિલ્લામાં ૬૦ વર્ષથી વધુની ઉંમરના વૃદ્ધોની સઘન આરોગ્ય...

કોરોના વાઇરસને લીધે દાહોદ જિલ્લામાં ૬૦ વર્ષથી વધુની ઉંમરના વૃદ્ધોની સઘન આરોગ્ય તપાસ કરાશે : જિલ્લા કલેક્ટર વિજય ખરાડી

  • કલેક્ટર વિજય ખરાડીની સૂચના બાદ નિયત કરાયેલા વલ્નરેબલ ગ્રુપમાં સગર્ભા મહિલા અને ૧૦ વર્ષથી નીચેના બાળકોનો સમાવેશ.
  • વલ્નરેબલ ગ્રુપમાં તમામનું સઘન સ્ક્રિનિંગ કરવા આરોગ્ય વિભાગની સૂચના, વૃદ્ધો ઘરમાં જ રહે અને ઘરમાં પણ શક્ય હોય તો આઇસોલેટ રહે તે હિતાવહ.
  • કોરોનો સામે દાહોદ જિલ્લા વહીવટી તંત્રનો માસ્ટર એક્શન પ્લાન 

દાહોદ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે જિલ્લા વહીવટી તંત્ર હવે એક પ્રોએક્ટિવ પ્લાનિંગ સાથે આગળ આવી છે. જિલ્લામાં કોરોના વલ્નરેબલ ગ્રુપ નિયત કરવામાં આવ્યું છે. દાહોદમાં ૬૦ વર્ષથી ઉપરના બે લાખથી વધુ વૃદ્ધો ઉપરાંત સગર્ભા તથા ૧૦ વર્ષથી નીચેના બાળકોની આરોગ્યની ઘનિષ્ઠ તપાસ કરવામાં આવશે. આ બાબતે કલેક્ટર વિજય ખરાડીએ માહિતી આપતા જણાવ્યું કે, ચૂંટણી તંત્રની મતદાર યાદીમાંથી ૬૦ વર્ષથી ઉપરની વ્યક્તિઓની માહિતી લેવામાં આવી છે. તેને બે ભાગમાં વિભાજિત કરી દેવામાં આવશે. એક તો જેમની કોઇ બિમારી હોય એટલે કે કોમોરબીડ અને નોન કોમોરબીડ. એ રીતે તમામ વૃદ્ધોના આરોગ્યની ચકાસણી કરવામાં આવશે. કારણ કે, એક તો વૃદ્ધોમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે અને તેમાં જો તેમને કોઇ બિમારી હોય તો તેમના પર કોરોના વાયરસ લાગવાની શક્યતા વધી જાય છે. આવા ગ્રુપને બને ત્યાં સુધી ઘરમાં જ સુરક્ષિત રહેવા સમજ આપવામાં આવશે. અને, ઘરમાં પણ જો તે આઇસોલેટ રહે તો વધુ સારૂ છે. આ ઉપરાંત વલ્નરેબલ ગ્રુપમાં સગર્ભા મહિલાઓ અને ૧૦ વર્ષથી નીચેના બાળકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમના આરોગ્યની સઘન તપાસ કરવા માટે આરોગ્ય તંત્રને સૂચના આપવામાં આવી છે. જિલ્લામાં સગર્ભા મહિલાઓની સંખ્યા ૯૧૩૮ અને ૧૦ વર્ષથી નીચેના બાળકોની સંખ્યા ૫૮૦૨૮૮ છે.

જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ એમ પણ જણાવ્યું કે, કોરોના વાયરસ સામે રોગ પ્રતિકારક શક્તિ જ હાલમાં એક અસરકારક ઇલાજ છે. એટલે, લોકોમાં રોગ પ્રતિકારક શક્તિ કેવી રીતે વધે એ માટે જાગૃતિ લાવવા માટે જનજાગૃતિના કાર્યક્રમ સાથે આયુર્વેદિક ઉકાળાના વિતરણ વ્યાપકપણે કરવા માટે જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરીને સૂચના આપવામાં આવી છે. ૯૭ પીએચસી, સીએચસી, વેલનેસ સેન્ટર દ્વારા ૩૧ તબીબોની ટીમ આ માટે બનાવવામાં આવી છે. જેમના દ્વારા આ કામગીરી કરવામાં આવશે. તેની સાથે હોમિયોપેથિક દવા આર્સેનિકની ગોળીઓ તથા શમશમ વટીનું પણ પણ વિતરણ કરવામાં આવશે. દાહોદમાં હાલે બે હોસ્પિટલમાં કુલ ૩૦૦ બેડની ડેડિકેટેડ કોવીડ-૧૯ હોસ્પિટલ બનાવવામાં આવી છે. આ ઉપરાંત કોવિડ કેર સેન્ટર પણ કાર્યરત છે. તાલુકા મથકે પણ ક્વોરોન્ટાઇન સેન્ટર નિયત કરી દેવામાં આવ્યા છે. હવે, ગ્રામ્ય કક્ષાએ જરૂર પડે તો પ્રાથમિક શાળાઓને ક્વોરોન્ટાઇન સેન્ટર માટે તૈયારી રાખવાની સૂચના આપવામાં આવી છે. આ માટેની સવલતોનું મૂલ્યાંકન કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. જો કોઇ કડી ખૂટતી હોય તો તેને પણ પૂરી કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments