PRIYANK CHAUHAN – GARBADA
- ગરબાડાની ભૂગર્ભ ગટર યોજનાને વર્ષો વીતવા છતાં આજે પણ યોજના અધૂરી તેમ છતાં વર્ષ ૨૦૧૫ થી રૂપિયા પાંચ પાંચ લાખ દર વર્ષે એજન્સીને ચુકવણું કરાતું હોવાની ટીમ દ્વારા ચર્ચાઓ
- ભૂગર્ભ ગટરનો મામલો હાઇકોર્ટમાં જવાના કારણે ટીમ ગરબાડા આવી હોવાની નગરમાં ચર્ચાઓ.
- ભૂગર્ભ ગટરનો મામલો હાઇકોર્ટમાં જતાં કલેકટર દાહોદ, ડીડીઓ દાહોદ, ભૂગર્ભ ગટર ઓસીસ કંપની, એક્ઝિક્યુટીવ એન્જિનિયર, ગ્રામ પંચાયત ગરબાડા સહિતના લોકોને હાઇકોર્ટનું તેડું આવ્યું હતું.
- રાજકોટથી આવેલ ઓડિટની ટીમે ભૂગર્ભ ગટરની મુલાકાત લઇ ફોટોગ્રાફી કરી.
ગરબાડા ખાતે અંદાજે વર્ષ ૨૦૧૨ માં સરકાર દ્વારા કરોડોના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી જેની હલકી કક્ષાની કામગીરી બાબતે ગ્રામ પંચાયત દ્વારા વિવિધ ઉપલી કક્ષાએ અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ યોજનાની કામગીરીમાં કોઈ જાતનો ફેરફાર કરવામાં આવતો નહોતો જેને લઇને ગરબાડાના ડેપ્યુટી સરપંચ દ્વારા તાલુકા સ્વાગત, જિલ્લા સ્વાગતમાં લેખિતમાં રજૂઆતો કરાઇ હતી તેમ છતાં પણ પરિણામ ન મળતા ડેપ્યુટી સરપંચ જયેશભાઈ જોશી ગુજરાત હાઇકોર્ટના શરણે ગયા હતા. જેને લઇને હાઇકોર્ટ દ્વારા થોડા સમય પહેલા કલેકટર, ડીડીઓ, ભૂગર્ભ ગટર ઓસિસ કંપની અમદાવાદ, એકઝીકયુટીવ એન્જીનીયર દાહોદ તથા ગ્રામ પંચાયતને હાઇકોર્ટનું તેડું મળ્યું હતું. ત્યારબાદ તા.૧૮/૦૬/૨૦૧૮ ના સોમવારના રોજ એ.જી.ઓડિટ રાજકોટની ટીમે ગરબાડા નગરની ભૂગર્ભ ગટર યોજનાની મુલાકાત લીધી હતી અને તમામ સ્થળોનું બારીકાઈથી નિરીક્ષણ કરી ફોટોગ્રાફી પણ કરવામાં આવી હતી. તે સિવાય નગરના વિવિધ વિસ્તારોમાંથી લોકોના લેખિતમાં અભિપ્રાય લેવામાં આવ્યા હતા. તેઓની ચર્ચામાં એવું પણ જાણવા મળ્યું હતું કે વર્ષ ૨૦૧૫ થી ભૂગર્ભ ગટરની એજન્સીવાળાઓને દર વર્ષે રૂપિયા પાંચથી છ લાખ યોજનાની નિભાવણીના ખર્ચની પણ ફાળવણી કરવામાં આવી રહી છે જ્યારે વાસ્તવિકતા કઈક જુદી જ છે અને યોજના આજે પણ અધૂરી જ છે.
ગરબાડા નગરની ભૂગર્ભ ગટર યોજના આજ દિન સુધી અધૂરી હોઇ ચાલુ કરવામાં આવી નથી અને આ યોજનાને લઈને હાઉસ કનેક્શનો પણ આજ દિન સુધી આપવામાં આવ્યા નથી અને નવા ફળિયા ખાતે બનાવવામાં આવેલ તળાવમાં ગટરનું દૂષિત પાણી પંપીંગ મશીનરી દ્વારા આજદિન સુધી ઠાલવવામાં આવ્યું નથી તેમ છતાં એજન્સીને આ યોજનાની નિભાવણીના પાંચથી છ લાખ રૂપિયા દર વર્ષે ચૂકવી દેવામાં આવે છે જ્યારે બીજી તરફ પંપીંગ મશીનરીના લાઈટ બિલની તપાસ કરતા માર્ચ ૨૦૧૭ માં છેલ્લું બીલ ભરાયું હતું . હાલમાં ભૂગર્ભ ગટરની યોજના ધણી વગરનો ઢોર જેવી જોવા મળી રહી છે.
ગરબાડા ખાતેની ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી વર્ષ ૨૦૧૨ માં ચાલુ કરવામાં આવી હતી જે કામગીરી આજે પણ અધૂરી છે જે નજરે જોઈ શકાય તેમ છે તેમ છતાં પણ ૨૦૧૪ ની સાલમાં કંપની દ્વારા ઓન રેકોર્ડ આ યોજના કમ્પ્લીટ છે તેવું બતાવીને તેનું સર્ટી મેળવી લેવામાં આવ્યું તો શું તંત્ર દ્વારા કામગીરીની બાબતની તપાસ કરાઇ હતી કે કામ પૂર્ણ થયું છે કે કેમ? આમને આમ જ યોજના પૂરી થઈ ગઈ તેવું સર્ટિ કંપનીને આપી દેવામાં આવ્યું છે તેવું જાણવા મળેલ છે
Byte > પંચાયત મહેન્દ્ર ભાઈ ગોહિલ તલાટી-કમ-મંત્રી ગરબાડા ગ્રામ >> ગરબાડા ભૂગર્ભ ગટર યોજનાને લઇને સોમવારના રોજ એ.જી.ઓડિટ રાજકોટની ટીમ ગરબાડા આવી હતી અને નગરના વિવિધ વિસ્તારોમાં ગટર યોજનાની મુલાકાત લીધી હતી અને ફોટોગ્રાફી કરી હતી અને અમોએ ભૂગર્ભ ગટરની કામગીરી અધૂરી હોવાના કારણે આજદિન સુધી આ યોજનાનો હવાલો સ્વીકાર્યો નથી.
Byte >> સંજય પ્રવિણચંદ્ર ઉદાણી, હેડ એ.જી.ઓડિટ ટીમ રાજકોટ >> ગરબાડાની ભૂગર્ભ ગટર યોજનાની તપાસ માટે અમારી એ.જી.ઓડિટની ટીમ દ્વારા આજરોજ આ ભૂગર્ભ યોજનાની મુલાકાત લેવામાં આવી હતી તથા તેની ફોટોગ્રાફી પણ કરાઇ હતી.