PRIYANK CHAUHAN GARBADA
ઉત્તરાયણ એટલે નાના મોટા સૌ કોઈ માટે આનંદ મોજ મસ્તીનો દિવસ, આજના દિવસે ગરબાડા પંથકમાં પતંગ રસીયાઓમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો જેમાં પતંગ અને દોરાના ભાવ વધારાની તેમજ નોટબંધીની કોઈ અસર વર્તાઇ ન હતી.
પતંગ રસીયાઓએ સવારથીજ તેમના મિત્ર મંડળો સાથે ધાબે ચડી ઉત્તરાયણ પર્વની આનંદભેર હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી અને ધાબા ઉપર સ્ટેરિયો સિસ્ટમ લગાવી સંગીતના આનંદ સાથે સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી આકાશી યુદ્ધની ભારે ઉત્સાહથી મજા માણી હતી અને આખો દિવસ પતંગ રસીયાઓએ પતંગોના પેચ લડાવ્યા હતા અને સાથે સાથે ધાબા ઉપર ઊંધિયા-જલેબી-ફાફડા તેમજ લીલવાની કચોરી તથા તલ સાંકળી તેમજ સ્વાદના રસિયાઓએ સહપરિવાર ખાણીપીણીની જયાફત ઉડાવી હતી તથા સાંજના સમયે લોકોએ ધાબા ઉપર ફટાકડા ફોડી આતશબાજી કરતાં આકાશ ઝળહળી ઉઠ્યું હતું.
સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ એટલે મકરસંક્રાંતિ, મકરસંક્રાંતિ એ ફક્ત પતંગ ઉડાડવાનો પર્વ નથી પરંતુ હિન્દુ ધર્મમાં આ પર્વનું અનેરું ધાર્મિક મહત્વ છે. ધાર્મિક માન્યતા (આસ્થા) પ્રમાણે આજના શુભ દિવસે પુણ્યકાળમાં દાન કરી પુણ્ય કમાવવાનો વિશેષ મહિમા હોવાથી લોકો સવારમાં મંદિરોમાં દર્શન તથા ભૂદેવોને દક્ષિણા આપતા તેમજ ગરીબોને દાન તથા ગાયને ઘઉની ઘૂઘરી, કૂતરાને રોટલી, વિગેરે ખવડાવવાતા તેમજ પક્ષીઓને ચણ નાંખતા જોવા મળ્યા હતા.