PRIYANK CHAUHAN – GARBADA
ગરબાડા તાલુકામાં ગણેશ મહોત્સવની વિવિધ આયોજકો દ્વારા છેલ્લા કેટલાક દિવસોની તડામાર તૈયારી કરવામાં આવી હતી અને ગણેશ ચતુર્થીના દિવસે વિઘ્નહર્તા દૂધાળાદેવની આકર્ષક મુર્તિઓનું વિવિધ પંડાલોમાં શુભ મુર્હુતમાં મંત્રોચ્ચાર સાથે સ્થાપન કરવામાં આવ્યું હતું.
ગરબાડા પંથકમાં દશ દિવસ સુધી ગણેશોત્સવ ભક્તિ ભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો અને ઠેરઠેર નાની મોટી પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને ભક્તજનોએ દશ દિવસ સુધી ગણપતિ દાદાનું ભાવપૂર્વક પૂજન અર્ચન કર્યું હતું અને શ્રીજીના દર્શન માટે દરરોજ દર્શનાર્થીઓની ભીડ દરેક પંડાલોમાં ઉમટી હતી અને વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
મોંઘેરા મહેમાન બની દશ દિવસથી આતિથ્ય માણી રહેલા ગણપતિ દાદાને આજરોજ અનંત ચૌદશના દિવસે વ્હાલભરી વિદાય આપી ડીજેના તાલે ભારે ભક્તિભાવપૂર્વક “ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આ” ના ગગનભેદી નાદ સાથે ગરબાડા પંથકમાં સ્થાપિત ગણેશજીની નાનીમોટી પ્રતિમાઓનું દબદભાભેર વિસર્જન કરવામાં આવ્યું હતું.
ગરબાડામાં બપોરે બે વાગ્યાથી બેન્ડવાજા, ડી.જે, ઢોલ નગારા અને આતશબાજી સાથે ભક્તજનોએ ઠેરઠેર સ્થાપિત કરેલ ગણપતિ દાદાને વિદાય આપવા નાનામોટા વાહનોમાં પ્રસ્થાન કર્યું હતું અને ગરબાડા રામનાથ તળાવમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જે તસવીરોમાં નજરે પડે છે.
ગરબાડા ગ્રામ પંચાયત દ્વારા ગણેશ વિસર્જન માટે તળાવ ઉપર તરાપો તથા લાઇટની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ગણેશ વિસર્જન યાત્રા તેમજ ગણેશ વિસર્જન દરમ્યાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે પોલીસ ખાતા તરફથી પણ પૂરતો બંદોબસ્ત રાખવામા આવ્યો હતો.