PRIYANK CHAUHAN – GARBADA
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મુખ્ય મથક ગરબાડા ખાતે ગુલબાર-જાંબુઆ રોડ ઉપર માધ્યમિક સ્કૂલની સામે આવેલ અબ્બાસી હાર્ડવેર સ્ટોર નામની દુકાનને ગત રાત્રિના સમયે તસ્કરોએ નિશાન બનાવી દુકાનના નકુચા કાપી, તાળા તથા ઇન્ટરલોક તોડી દુકાનમાંથી રૂ।.૧૪૦૦૦/-ના માલ- સમાનની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયેલ છે.
પોલીસ સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર, ગરબાડા ખાતે ગુલબાર-જાંબુઆ રોડ ઉપર માધ્યમિક સ્કૂલની સામે આવેલ અબ્બાસી હાર્ડવેર સ્ટોર નામની દુકાનને તા.૨૫/૦૭/૨૦૧૭ ના રોજ રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી હતી અને દુકાનની બહાર લાગેલ CCTV કેમેરાથી બચવા તસ્કરોએ કેમેરા ઉપર કાદવ નાંખી દીધેલ અને દુકાનના દરવાજાનો નકુચો કાપી નાંખેલ અને તાળા તથા ઇન્ટર લોક તોડી દુકાનમાં પ્રવેશી દુકાનમા લગાવેલ CCTV કેમેરાના વાયરો કાપી દુકાનમાંથી CCTVની સ્ક્રીન, વાઇફાઈ મોડેમ, હાર્ડડિસ્ક, લોખંડના પાના, પ્લાસ્ટીકની નાની સાઇઝની તાડપત્રી મળી કુલ રૂ।.૧૪૦૦૦/- ની મત્તાના માલસમાનની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયેલ છે.
આ ચોરીના બનાવ સંદર્ભે મુર્તુઝા હુસેનીભાઈ ડેપ્યુટીએ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે ગરબાડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં. ૬૫/૧૭ ઇ.પી.કો.કલમ.૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે તસ્કરોએ આજ દુકાનને નિશાન બનાવી દુકાન બહાર લાગેલ CCTV કેમેરા તોડી દુકાનની દરવાજો તોડી નાંખ્યો હતો, પરંતુ તસ્કરોને ચોરી કરવામાં નિષ્ફળતા મળી હતી.