PRIYANK CHAUHAN – GARBADA
ગરબાડા ખાતે અંદાજીત આઠ કરોડ ઉપરાંતના ખર્ચે ભૂગર્ભ ગટર બનાવવામાં આવી હતી જેને આશરે પાંચ વર્ષ જેટલો સમય થયો તેમ છતાં આ યોજના આજે પણ અધૂરી છે. અંદાજિત આઠ કરોડ ઉપરાંતના ખર્ચે બનાવેલ આ ભૂગર્ભ ગટર તેના પ્લાન એસ્ટીમેન્ટ પ્રમાણે બનાવેલ નથી. આડેધડ ખોદકામ કરી પાઇપલાઇન નાંખી મોટા ચેમ્બરો ચણી દેવામાં આવ્યા છે અને પાઇપલાઇન વચ્ચેના સાંધા પણ યોગ્ય રીતે જોઈન્ટ કરેલ નથી અને અમુક જગ્યાએ હજી સુધી પાઇપ લાઇન નાંખવાની તેમજ ચેમ્બરો બનાવવાના પણ બાકી છે. તેમ છતાં પણ આ યોજના પૂર્ણ થયેલ બતાવી કામગીરી બંધ કરી દેવામાં આવી છે.
ભૂગર્ભ ગટર યોજનામાં બિલકુલ હલકી ગુણવત્તાની કામગીરી કરવામાં આવેલ છે. હાઉઝ કનેકશનો માટેના ચેમ્બરો પણ યોગ્ય રીતે બનાવેલ નથી અને તેની પાઇપલાઇનો પણ યોગ્ય રીતે નાંખવામાં આવી નથી. આ બાબતે ગરબાડાના એક જાગૃત નાગરિકે તાલુકા-જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં તેમજ મુખ્યમંત્રી સુધી અનેક વખત લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી. તેમ છતાં પણ સંબંધિત તંત્ર દ્વારા જે તે સમયે આ બાબતે યોગ્ય રીતે તપાસ કરવામાં આવી ન હતી.
ગરબાડા ખાતેની ભૂગર્ભ યોજનામાં હલકી કક્ષાની કામગીરી કરી તેમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. જેના લીધે આજે પાંચ વર્ષ જેટલો લાંબો સમય થયો હોવા છતાં ભૂગર્ભ ગટર આજદિન સુધી ચાલુ થઈ શકી નથી. જેથી કરી આ બાબતની યોગ્ય તપાસ થવી જરૂરી છે.