PRIYANK CHAUHAN GARBADA
ગરબાડા ખાતે ગાંધી ચોક વિસ્તારમાં ગ્રામ પંચાયતની બિલકુલ નજીક ગરબાડા ગ્રામ પંચાયત હસ્તકનાં બે ઓરડા આવેલ છે. આ બંને ઓરડાઓ વર્ષોથી પડતર અને બિનઉપયોગી હાલતમાં પડી રહેતાં બિલકુલ જર્જરીત થઇ ગયેલ છે અને આ બંને ઓરડાઓ જર્જરીત થતાં તેનાં સિમેન્ટનાં પતરા તેમજ ઓરડાના દરવાજા પણ તુટી ગયેલ છે જે તસવીરોમા નજરે પડે છે.
આ બંને ઓરડાઓ વર્ષોથી પડતર અને બિનઉપયોગી હાલતમાં પડી રહેતાં જર્જરીત થતા લોકો તેનો કુદરતી હાજત માટે ઉપયોગ કરે છે અને બિજો કચરો પણ ઠાલવતા હોય છે જેને કારણે આ બંને ઓરડાઓમાં ભારે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળે છે તેના કારણે રોગચાળો ફેલાવાની દહેશત પણ રહેલી છે.
હાલમાં ચોમાસાની મોસમ ચાલતી હોવાથી આ બંને ઓરડાઓમા વરસાદી પાણીનો ભરાવો થતાં ભારે ગંદકીના કારણે તેમાથી ખુબજ દુર્ગંધ ફેલાતા આ બંને ઓરડાઓની નજીક રહેતાં રહીશોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ભારે ગંદકીનાં કારણે મચ્છર તેમજ માખીઓનો ઉપદ્રવ ખુબજ બધી જતા મલેરિયા જેવી બીમારી પણ ફેલાઇ રહી છે.
બંને ઓરડામાંથી ભારે ગંદકીને કારણે અસહ્ય દુર્ગંધ આવતા અને મચ્છર તેમજ માખીઓનો ઉપદ્રવને લીધે આ બંને ઓરડાઓની નજીક રહેતા જોષી ગજેન્દ્રભાઈ મલેરિયા જેવી બીમારીનો ભોગ બનેલ છે અને તેઓએ આ ગંદકી બાબતે ગરબાડા ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં આ બાબતે કોઈ ધ્યાન આપવામાં ન આવતા જોષી ગજેન્દ્રભાઈએ તેમને થયેલ મલેરિયા રિપોર્ટ સાથે તારીખ.૨૬/૦૯/૧૬ ના રોજ જિલ્લા કલેક્ટર દાહોદ, જિલ્લા વિકાસ અધિકારી દાહોદ, તેમજ મુખ્ય જિલ્લા મલેરિયા અધિકારી દાહોદને આ બાબતે લેખિતમાં જાણ કરેલ છે તથા તેમની સહી સાથે સમાચાર પત્રોમાં પ્રેસનોટ પણ આપેલ છે.
જેથી કરી સંબંધિત તંત્ર આ બાબતને ગંભીરતાથી લઇ આ બંને ઓરડાઓની સાફ સફાઇ કરાવી તેમાં દવાનો છંટકાવ કરાવે તે જરુરી બન્યુ છે તથા આરોગ્ય વિભાગ પણ આ બાબતને ગંભીરતાથી લે અને દવાનો છંટકાવ કરાવે તે જરુરી બન્યુ છે જેથી કરી ગામમાં મલેરિયા, ડેન્ગ્યુ જેવી બીમારી ફેલાતા અટકાવી શકાય.
વધુમાં, ગરબાડા ગ્રામ પંચાયત આ બંને ઓરડાઓને જમીનદોસ્ત કરી નવું બાંધકામ કરી તેનો યોગ્ય ઉપયોગ કરે તે જરુરી છે.