PRIYANK CHAUHAN – GARBADA
સૂર્યનો ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ એટલે મકરસંક્રાંતિ, મકરસંક્રાંતિ એ ફક્ત પતંગ ઉડાડવાનો પર્વ નથી પરંતુ હિન્દુ ધર્મમાં આ પર્વનું અનેરું ધાર્મિક મહત્વ છે. ધાર્મિક માન્યતા (આસ્થા) પ્રમાણે આજના શુભ દિવસે સંક્રાંતિ પુણ્યકાળમાં દાન કરી પુણ્ય કમાવવાનો વિશેષ મહિમા હોવાથી લોકો સવારમાં મંદિરોમાં દર્શન કરી ભૂદેવોને દક્ષિણા આપતા તેમજ ગરીબોને વસ્ત્રો તથા અન્નનું દાન તથા ગાયને ઘઉની ઘૂઘરી, કૂતરાને રોટલી, વિગેરે ખવડાવવાતા તેમજ પક્ષીઓને ચણ નાંખતા જોવા મળ્યા હતા.
ઉત્તરાયણ દિવસે ગરબાડા તથા દાહોદ પંથકમાં પતંગ રસીયાઓમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો નાના મોટા સૌએ સવારથીજ તેમના મિત્ર મંડળો સાથે ધાબે ચડી ઉત્તરાયણ પર્વની આનંદભેર હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી અને પતંગ રસીયાઓએ ધાબા ઉપર સ્ટેરિયો સિસ્ટમ લગાવી સંગીતના આનંદ સાથે સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી આકાશી યુદ્ધની ભારે ઉત્સાહથી મઝા માણી હતી અને આખો દિવસ પતંગ રસીયાઓએ પતંગોના પેચ લડાવ્યા હતા અને સાથે સાથે ધાબા ઉપર ઊંધિયા-જલેબી-ફાફડા તેમજ લીલવાની કચોરી તથા તલ સાંકળી ખાઈને મોજ માણી હતી તેમજ સ્વાદના રસિયાઓએ સહપરિવાર ખાણીપીણીની જયાફત ઉડાવી હતી.
જ્યારે દાહોદમાં બપોર પછી હવા ના રહેતા પતંગ રસિકો એમ ના એમ ધાબા પર બેસીને હવા આવે તેની રાહ જોઈ બેઠા પરંતુ સાંજ સુધી હવા ના આવતા લોકોના ઉત્સાહ પર પાણી ફરતુ જણાતાં લોકોના પતંગ અને દોરા વપરાયા ના હતા પરંતુ સાંજ પડતા જ લોકોએ ધાબા ઉપર પોતાનું મન માનવતા પતંગ ચગાવવાની નિષ્ફળ કોશિશ કરી હતી અને ત્યારબાદ પતંગ ના ચગતા પતંગની હોળી કરી અને ત્યારબાદ ફટાકડા ફોડી આતશબાજી કરી હતી અને સમગ્ર આકાશ ઝળહળી ઉઠ્યું હતું.