Priyank Chauhan – Garbada
રાજ્ય સરકાર દ્વારા રાજયમાં પાયાના સ્તરથી જ પ્રાથમિક શિક્ષણ ગુણવત્તાયુક્ત બને અને આવનારી નવી પેઢી વિદ્યારૂપી સંસ્કારથી સજ્જ બને તેવા ઉમદા હેતુથી ગુણોત્સવ-૬ નો પ્રારંભ તારીખ.૦૭/૦૧/૨૦૧૬ નાં રોજથી કરવામાં આવેલ છે.
ગરબાડા તાલુકો મધ્યપ્રદેશ રાજ્યને અડીને આવેલ આદિવાસી બહુમુલ્ય ધરાવતો તાલુકો છે. જેની ગણના પછાત તાલુકામાં થાય છે. આ તાલુકાની કેટલીય સ્કૂલોમાં અપૂરતા શિક્ષકો, અપૂરતા ઓરડા, સ્કૂલોમાં પાયાની અને ભૌતિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે. આવીજ એક શાળા ગરબાડા તાલુકાનાં વડવા ગામે મેડા ફળિયા પ્રાથમિક શાળા છે. જ્યાં ઓરડાઓની અછત તથા ભૌતિક સુવિધાનો અભાવ જોવા મળે છે.
ગુણોત્સવ-૬ નાં ભાગરૂપે યશવાટિકા ઉ.બુ.વિદ્યામંદિર, જેસાવાડાના પ્રિન્સિપાલ મખોડિયા શૈલેષકુમાર દ્વારા આજરોજ આ શાળાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું તેમના દ્વારા જાણવા મળેલ છે કે, આ શાળામાં ધોરણ ૧ થી ૫ સુધીના બાળકો અભ્યાસ કરે છે. ૧ થી ૫ ધોરણ વચ્ચે માત્ર ૨ ઓરડા છે. આ શાળામાં ૩ ઓરડાની ઘટ જોવા મળે છે. ૩ ઓરડાની ઘટ હોવાના કારણે બાળકોને શાળાના ઓટલા ઉપર બેસીને અભ્યાસ કરવો પડે છે. (જે તસવીરમાં નજરે પડે છે.) આ શાળામાં શિક્ષણનું સ્તર પણ એકદમ નબળું છે તથા ભૌતિક સુવિધાનો પણ અભાવ જોવા મળે છે. આ અભાવનાં કારણે આ શાળામાં શિક્ષણનું સ્તર ખુબજ નબળું છે.