PRIYANK CHAUHAN – GARBADA
- લાભાર્થીને ત્યાં શૌચાલય હોવા છતાં એક નહીં પણ એકજ ઘરમાં બે શૌચાલયો બનાવ્યા.
- શૌચાલયો બનાવ્યા બાદ લાભાર્થીઓ પાસેથી ડોકયુમેંટસ લેવામાં આવ્યા.
- વધુ શૌચાલયો બનાવવાની લ્હાયમાં હલકી કક્ષાની કામગીરી કરાતી હોવાની બૂમો
- શૌચાલય માટેની શોષ કુંડી પણ માપદંડ વગરની.
- અમારે નિયામક દ્વારા આપવામાં આવેલ યાદી મુજબ કામગીરી કરવાની હોય છે : તાલુકા બ્લોક કો.ઓર્ડિનેટર.
- એક શૌચાલય દીઠ રૂ।.૧૨૦૦૦/- સરકાર દ્વારા ખર્ચ કરવામાં આવતો હોવાછતાં હલકી કક્ષાની કામગીરી.
ગરબાડા તાલુકામાં શૌચાલય કૌભાંડ બાબતે તાલુકા વિકાસ અધિકારી ગરબાડા દ્વારા ગરબાડા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરીયાદ થયા બાદ સરકારી તંત્ર દ્વારા ગરબાડા તાલુકામાં હાલમાં શૌચાલયો બનાવવાની પૂરજોષ કામગીરી ચાલી રહી છે.
ગરબાડા તાલુકાના ગાંગરડા ગામમાં તોરણ ફળીયા તથા ગામતળમાં લાભાર્થીઓએ શૌચાલય માટે અરજી નહીં કરી હોવાછતાં પણ તેમના ઘરે શૌચાલયો બનાવવામાં આવી રહ્યા છે અને શૌચાલયો બનાવ્યા બાદ લાભાર્થીઓ પાસેથી તેમના ડોકયુમેંટસ લેવામાં આવી રહ્યા છે તેવું જાણવા મળી રહ્યું છે અને વધુમાં વધુ શૌચાલયો બનાવવાની લ્હાયમાં હલકી કક્ષાની કામગીરી કરાતી હોવાની તથા શૌચાલય માટેની શોષ કુંડી પણ કોઈપણ જાતના માપદંડ વગર માત્ર નામનીજ બનાવવામાં આવી રહી હોવાની બૂમો સાંભળવા મળી રહી છે.
ગાંગરડા ગામમાં ગામતળ ફળીયામાં લાભાર્થીને ત્યાં પહેલેથીજ શૌચાલય બનાવેલ હોવા છતાં કોન્ટ્રાકટર દ્વારા એક નહીં પણ એકજ ઘરમાં બે શૌચાલયો બનાવ્યા હોવાનું પણ બહાર આવ્યું છે. જ્યારે ગાંગરડા ગામમાં અન્ય જગ્યાએ પણ લાભાર્થીને ત્યાં પહેલેથીજ શૌચાલય હોવાછતાં પણ સરકારી યોજનામાં શૌચાલયો બનાવવામાં આવી રહ્યા છે.
જાણવા મળ્યા મુજબ, ગાંગરડા ગામના ગામતળ ફળીયામાં રહેતા વિજયભાઈ પ્રતાપભાઈ રાઠોડના ત્યાં શૌચાલય હોવાછતાં એક નહીં પણ બે શૌચાલય બનાવવામાં આવ્યા છે જેમાં એક તેમના નામે તથા બીજું તેમની માતાના નામે બનાવી દેવામાં આવ્યું છે તેવીજ રીતે તેજ ફળીયામાં રહેતા કનુભાઈ પુંજાભાઈ ચાવડાને ત્યાં તથા તેમના ભાઈને ત્યાં પહેલેથીજ શૌચાલય હોવા છતાં તેમના ત્યાં પણ કોન્ટ્રાકટર દ્વારા ફરીવાર શૌચાલય બનાવી દેવામાં આવ્યા છે. આ બાબતે કનુભાઈ ચાવડા સાથે વાત કરતાં તેમને જણાવ્યુ કે, અમે અરજી કરી નથી યાદી લઇને આવ્યા હતાં શૌચાલય બનાવી દઇએ તેમ પુછ્યું તો અમે કહ્યું હા બનાવી દો અમારે ઘરમાં પહેલેથી શૌચાલય છે તેવું તેમની સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું. આમ સરકારી નાણાંનો દૂરઉપયોગ થઈ રહેલ હોવાનું જણાઈ આવેલ છે.
આ બાબતે તાલુકા બ્લોક કો.ઓર્ડિનેટર નિખિલભાઈ ભરપોડા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ કે, અમારે તો નિયામક દ્વારા આપવામાં આવેલ યાદી મુજબ કામગીરી કરવાની હોય છે તેમ તેમણે જણાવેલ છે.
વધુમાં ગાંગરડા ગામના તોરણ ફળીયામાં રહેતા નારણભાઈ સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતુ કે, અમારા ફળિયામાં શૌચાલયો બનાવવાને આઠ દશ દિવસ થયા છે અને 20 થી 25 શૌચાલય ત્રણ-થી ચાર દિવસમાં બનાવી દેવામાં આવ્યા છે અને શૌચાલય બનાવ્યા બાદ તેના કાગળો અમારી પાસેથી ઉઘરાવવામાં આવ્યા હતાં તેવું તેમણે જણાવેલ છે.
આમ તાલુકામાં એક શૌચાલય દીઠ રૂ।.૧૨૦૦૦/- સરકાર દ્વારા ખર્ચ કરવામાં આવતો હોવાછતાં હલકી કક્ષાની કામગીરી કરાઇ રહી હોવાનું જોવા મળે છે. આ બાબતથી સબંધિત અજાણ હોય તેમ લાગે છે.
આતો માત્ર તાલુકાના એકજ ગામની એકજ ફળિયાની હકીકત છે જ્યારે તાલુકામાં આવી એક નહીં પણ અનેક ઘટનાઓ ઘટી રહી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જેની સંબંધિત તંત્ર દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો બીજા મસમોટા કૌભાંડો બહાર આવેલ તેમ છે.