Priyank Chauhan – Garbada
હોળીના બીજા દિવસે એટલે કે, ધુળેટીના દિવસે ગરબાડા તાલુકાનાં નજીકના ગાંગરડી ગામે પરંપરાગત ચુલનો મેળો ભરાયો હતો જેમાં દુરદુરના ગામોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી લોકો આ ચુલના મેળામાં ઉમટી પડ્યા હતા અને પોતપોતાના સમૂહમાં આ ચુલના મેળામાં ખાણી પીણી, હરવા ફરવા તેમજ હીચકે ઝૂલવાની ઉત્સાહભેર મોજ માણી હતી.
આ ચુલના મેળાની વિશેષતા એ છે કે, શ્રદ્ધાળુઓ પોતે ઠંડી-ગરમ ચુલ ચાલવાની માનતા (બાધા) રાખતા હોય છે તે માનતા (બાધા) પૂરી કરવા ચુલના મેળામાં શ્રદ્ધાળુઓ પોતે ધખધખતા અંગારા ઉપર ખુલ્લા પગે ચાલી પોતાની ધાર્મિક માનતા (બાધા)પૂરી કરતાં હોય છે તેમજ અમુક શ્રાદ્ધળુઓ ઠંડી ચુલ ચાલવાની પણ માનતા રાખતા હોય છે અને પોતે ઠંડી ચુલ ચાલી પોતાની માનતા (બાધા) પૂરી કરે છે.
જાણવા મળ્યા મુજબ ધાર્મિક વિધિ કરી પ્રથમ હારીજન ખુલ્લા પગે ધખધખતા અંગારા ઉપર ચુલ ચાલતા હોય છે ત્યાર બાદ ગાંગરડી ગામના પટેલ હાથમાં તલવાર રાખી ખુલ્લા પગે ધખધખતા અંગારા ઉપર ચાલી આ ચુલના મેળાની શરૂઆત કરતાં હોય છે જે તસવીરોમાં નજરે પડે છે.